ઇકોનોમિક ઓફેન્સીસ યુનિટ નીટ યુજી ૨૦૨૪ પેપર લીક કેસની તપાસ કરી રહી છે. આ કેસમાં પટનામાંથી ચાર ઉમેદવારોની ધરપકડ કરવામાં આવી છે. ૧૮ અને ૧૯ જૂને નવ ઉમેદવારોને પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા છે. જેમાં ૭ છોકરીઓનો પણ સમાવેશ થાય છે. નીટ યુજી પરીક્ષા ૫મી મેના રોજ લેવામાં આવી હતી. ૪ જૂને પરિણામ જાહેર થયું હતું. ત્યારથી નીટ યુજી પરીક્ષાને લઈને હોબાળો ચાલી રહ્યો છે. જે ઉમેદવારોની પટનામાંથી ધરપકડ કરવામાં આવી છે. તેમાંથી અનુરાગ યાદવને ૧૮૫ માર્ક્સ, આયુષ રાજને ૩૦૦ માર્ક્સ, અભિષેકને ૫૮૧ માર્ક્સ અને શિવાનંદન કુમારને નીટ યુજી પરીક્ષામાં ૪૮૩ માર્ક્સ મળ્યા છે.
૯ ઉમેદવારોને પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા છે. આ તમામ ઉમેદવારો યુપી, બિહાર અને મહારાષ્ટ્રના છે. પેપર લીક કેસમાં સન્ની, નાગવાડે, પ્રિયા, અલીશા, પ્રવીણ, અમિત કુમારને પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા છે. તપાસમાં એ પણ જાણવા મળ્યું કે, ઉમેદવારોને ૪ મેના રોજ ગેસ્ટ હાઉસના રૂમ નંબર ૪૦૪માં રોકવામાં આવ્યા હતા. યુનિટે આશંકા વ્યક્ત કરી છે કે, પરીક્ષા પહેલા લગભગ ૩૫ ઉમેદવારોને પેપર મળ્યા હતા. પેપરના બદલામાં ૩૦-૩૦ લાખ રૂપિયા આપવાની વાત પણ સામે આવી છે. તપાસ દરમિયાન પટનામાં ભાડાના મકાનમાંથી એક ડઝન એટીએમ કાર્ડ અને વિવિધ બેંકોની પાસબુક પણ જપ્ત કરવામાં આવી હતી. બિહારમાંથી અત્યાર સુધીમાં ૧૩થી વધુ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.