’પાપા, હું જીવનથી કંટાળી ગયો છું:’ વિદ્યાર્થીએ આત્મહત્યા કરી

જયપુર,\ કોટામાં વિદ્યાર્થીઓની આત્મહત્યાનો સિલસિલો અટક્તો નથી. બી.ટેકના એક વિદ્યાર્થીએ તેના રૂમમાં ગળેફાસો ખાઇ લેતાં ભારે ચકચાર મચી જવા પામી છે. પોલીસનું કહેવું છે કે વિદ્યાર્થી પંજાબના જલધંરનો હતો અને ડિપ્રેશનમાંથી પસાર થઇ રહ્યો હતો. વિદ્યાર્થીના પરિવારના સભ્યો રવિવારે એક લગ્ન સમારોહમાં હાજરી આપવા માટે લખનૌ ગયા હતા.

આત્મહત્યા કરતાં અગાઉ તેણે તેના પિતાને ફોન કર્યો હતો અને કહ્યું હતું કે કે ’પાપા, હું જીવનથી કંટાળી ગયો છું.’ થોડાક વખત પછી પરિવારના સભ્યોએ તેને વળતો ફોન કર્યો તો તેણે જવાબ આપ્યો નહતો. પરિવારના સભ્યોએ થોડીક વાર પછી પડોશીને ફોન કર્યો હતો. પડોશીએ તપાસ કરીને કહ્યું કે તેમનો દીકરો બારણું ખોલતો નથી. આ ઘટના કુંહાડી પોલીસ સ્ટેશન વિસ્તારના આંબેડકરનગરમાં બની છે. વિદ્યાર્થીનો મૃતદેહ પોસ્ટમોર્ટમ કરીને પરિવારને સોંપી દેવાયો છે. પોલીસનું કહેવું છે કે ૨૩ વર્ષીય રોહિત જલંધરથી બી-ટેક કરી રહ્યો હતો. તે થોડોક માનસિક બીમાર હતો અને છેલ્લાં બેથી ત્રણ વર્ષથી તેની સારવાર ચાલી રહી હતી. રોહિતનો નાનો ભાઈ અમદાવાદમાં અભ્યાસ કરે છે.

કોટાના વિદ્યાર્થીનો મૃતદેહ ચંબલમાંથી મળ્યો : રાજસ્થાનના કોટામાં છેલ્લાં નવ દિવસથી ગુમ થયેલા એક વિદ્યાર્થીનો મૃતદેહ મળી આવ્યો છે. જેઈઈની પરીક્ષાની તૈયારી કરતો આ વિદ્યાર્થી ૧૧ ફેબ્રુઆરીના રોજ પરીક્ષા આપવાનું કહીને હોસ્ટલમાંથી બહાર ગયો હતો. ત્યારબાદ તેની કોઈ ભાળ મળી નહોતી. પોલીસના જણાવ્યા અનુસાર, હોસ્ટેલમાંથી ગયાના બીજા દિવસે પોલીસને તેનું લોકેશન ચંબલ નદી નજીક આવેલા ગરાડિયા મહાદેવ પાસે મળ્યું હતું, અને તેના સીસીટીવી ફૂટેજ પણ મળી આવ્યાં હતાં. પોલીસને જે જગ્યાએથી તેની બેગ, મોબાઈલ તથા ચંપલ મળ્યાં તેનાથી બે કિલોમીટર દૂર ખીણ જેવી જગ્યામાં એક ઝાડમાં તેનો મૃતદેહ ફસાયેલો મળી આવ્યો હતો.