પન્નૂની હત્યાનું ષડયંત્ર રચવાના આરોપમાં ધરપકડ કરાયેલા નિખિલ ગુપ્તાને ઝટકો, સુપ્રીમ કોર્ટે અરજી ફગાવી

ખાલિસ્તાની આતંકવાદી ગુરપતવંત સિંહ પન્નૂની હત્યાનું ષડયંત્ર રચવાના આરોપી નિખિલ ગુપ્તાને સુપ્રીમ કોર્ટે મોટો ઝટકો આપ્યો છે. સુપ્રીમ કોર્ટે તેના પરિવાર તરફથી દાખલ અરજીને ફગાવી દીધી છે. અરજીમાં નિખિલ ગુપ્તાને કાંસુલર પહોંચ અને ચેક ગણરાજ્યમાં કાયદાકીય સહાયતા આપવાની માંગ કરવામાં આવી હતી. કોર્ટે કહ્યું છે કે આ મામલો સંવેદનશીલ છે અને તેના અધિકારક્ષેત્રમાં આવતો નથી.

કોર્ટે કહ્યું, “આ એક સંવેદનશીલ ઘટના છે. આ ઘટના સરકારના અધિકાર ક્ષેત્રમાં છે અને સરકાર જ નક્કી કરશે કે શું પગલા ભરવા જોઇએ?” કોર્ટે કહ્યું કે, સાર્વજનિક આંતરરાષ્ટ્રીય કાયદા અને કોર્ટ્સના સહયોગને ધ્યાનમાં રાખતા અમે હસ્તક્ષેપ કરી શકતા નથી. આ સાથે જ કોર્ટે કહ્યું કે તેને વિદેશી કોર્ટના અધિકાર ક્ષેત્રનું સમ્માન કરવું જોઇએ. મહત્ત્વપૂર્ણ છે કે અમેરિકાએ નિખિલ ગુપ્તા પર પન્નુની હત્યાના ષડયંત્રમાં સામેલ હોવાનો આરોપ લગાવ્યો છે.

અરજી નિખિલ ગુપ્તાના એક નજીકના મિત્ર દ્વારા દાખલ કરવામાં આવી હતી જેનું પ્રતિનિધિત્વ સીનિયર વકીલ સીએ સુંદરમે કોર્ટમાં કર્યું હતું. વકીલે કોર્ટમાં કહ્યું કે નિખિલ ગુપ્તાને એક દિવસ પહેલા પોતાના પત્યર્પણ આદેશ મળ્યો હતો અને તેના વિરૂદ્ધ અપીલ કરવા માટે તેને રાજકીય પહોંચની જરૂર હતી. સુંદરમે કહ્યું કે આ ઘટના વિદેશી જેલમાં બંધ એક ભારતીય નાગરિકના માનવ અધિકારો સાથે સંબંધિત છે, તેમણે કહ્યું કે તેમણે એક વખતની કૉન્સુલર એક્સેસ એવા સમયમાં આપવામાં આવી હતી જ્યારે તેમણે કોઇ પ્રત્યર્પણ આદેશ મળ્યો નહતો. વકીલે કહ્યું કે નિખિલ ગુપ્તાને અપીલ દાખલ કરવા માટે એક અનુવાદકની જરૂર હતી અને કાયદાકીય સહાયતાની જરૂર છે.

અરજી પર સુનાવણી કરતા પીઠે કહ્યું, “આ એક સંવેદનશીલ ઘટના છે. ભારત સરકાર આ ઘટના સામે લડવા માંગે છે કે નથી માંગતી આ તેના પર નિર્ભર છે. વિયેના કન્વેશન હેઠળ કૉન્સુલર એક્સેસ જ એકમાત્ર એવી વસ્તુ છે જેના તમે હકદાર છો અને તમને આ મળી ગયું છે. અમે આ બધી વાતોમાં પડવા માંગતા નથી.

મહત્ત્વપૂર્ણ છે કે નિખિલ ગુપ્તાની 30 જૂને ધરપકડ કરવામાં આવી હતી. અરજીમાં કહેવામાં આવ્યું હતું કે તેમની ધરપકડ આંતરરાષ્ટ્રીય કાયદાનું ગંભીર ઉલ્લંઘન છે કારણ કે કોઇ ઔપચારિક ધરપકડ વોરંટ રજૂ કરવામાં આવ્યું નહતું. કસ્ટડી સ્થાનિક ચેક અધિકારીઓની જગ્યાએ અમેરિકન એજન્સીઓની આશંકા પર આધારિત હતી. સુંદરમે કોર્ટને જણાવ્યું કે 29 નવેમ્બરે ન્યૂયોર્કની એક કોર્ટ સમક્ષ બીજો આરોપ દાખલ કરવામાં આવ્યો હતો, જેમાં કથિત ભારતીય સરકારી કર્મચારીની ભૂમિકાની વિગતો આપવામાં આવી હતી.