પન્નુ કેસમાં રશિયા આવ્યું ભારતના બચાવમાં, અમેરિકા પર લગાવ્યા મોટા આરોપ

  • વોશિંગ્ટને હજુ સુધી આ મામલામાં કોઈ વિશ્વસનીય પુરાવા આપ્યા નથી.

નવીદિલ્હી, ખાલિસ્તાન સમર્થક આતંકવાદી ગુરપતવંત સિંહ પન્નુના મામલામાં રશિયા ભારતના બચાવમાં આવ્યું છે. તેણે પન્નુની હત્યાના પ્રયાસના ષડયંત્રના સંબંધમાં ભારત પર સતત પાયાવિહોણા આરોપો કરવા બદલ અમેરિકાની ટીકા કરી છે. રશિયન વિદેશ મંત્રાલયે આરોપોને ફગાવી દેતા કહ્યું કે વોશિંગ્ટને હજુ સુધી આ મામલામાં ભારતીય નાગરિકોની સંડોવણીના કોઈ વિશ્વસનીય પુરાવા આપ્યા નથી.

રશિયન વિદેશ મંત્રાલયના મારિયા ઝખારોવાએ કહ્યું, ’અમારી પાસે જે માહિતી છે તે મુજબ, પન્નુ નામની વ્યક્તિની હત્યાના પ્રયાસના કાવતરામાં ભારતીય નાગરિકોની સંડોવણી વિશે કોઈ વિશ્વસનીય માહિતી અથવા પુરાવા રજૂ કરવામાં આવ્યા નથી. પુરાવાની ગેરહાજરીમાં આ વિષય પર અટકળો અસ્વીકાર્ય છે.

ઝખારોવાએ વધુમાં કહ્યું કે અમેરિકા ભારત પર સતત ખોટા આરોપો લગાવી રહ્યું છે. તે ભારતની રાષ્ટ્રીય માનસિક્તા અને ઇતિહાસને સમજી શક્તો નથી. કારણ કે અમેરિકા ધાર્મિક સ્વતંત્રતા અંગે પાયાવિહોણા આક્ષેપો કરતું રહે છે. વોશિંગ્ટનની કાર્યવાહી સ્પષ્ટપણે ભારતની આંતરિક બાબતોમાં હસ્તક્ષેપ છે. જ્યાં સુધી પન્નુની હત્યાના કાવતરાની અટકળોનો સંબંધ છે, કારણ કે કોઈ પુરાવા નથી, તે સ્વીકાર્ય નથી. અમેરિકા ભારતને એક દેશ તરીકે માન આપી રહ્યું નથી.

તેમણે કહ્યું કે ધાર્મિક સ્વતંત્રતાનું ઉલ્લંઘન અમેરિકાની ભારતની રાષ્ટ્રીય માનસિક્તાની નબળી સમજણ અને એક સાર્વભૌમ દેશ તરીકે ભારતનો અનાદર દર્શાવે છે. રશિયન અધિકારીએ અન્ય કેટલાક દેશો સામે ખોટા આરોપો કરવા બદલ યુએસની ટીકા કરી હતી. તેમણે કહ્યું કે આંતરરાષ્ટ્રીય અને રાષ્ટ્રીય બાબતોમાં વોશિંગ્ટન કરતાં વધુ દમનકારી શાસનની કલ્પના કરવી મુશ્કેલ છે.

તેમણે વધુમાં કહ્યું કે, ’આ માત્ર ભારતમાં જ લાગુ પડતું નથી. અમેરિકાનો ઉદ્દેશ્ય ભારતની આંતરિક રાજકીય પરિસ્થિતિમાં ખલેલ પહોંચાડવાનો છે, જેથી સામાન્ય ચૂંટણીઓ ખોરવાઈ શકે. આ ભારતની આંતરિક બાબતોમાં દખલગીરીનો એક ભાગ છે. વાસ્તવમાં અમેરિકાની ’ધ વોશિંગ્ટન પોસ્ટ’માં કહેવામાં આવ્યું છે કે ભારત હવે રશિયા અને સાઉદી અરેબિયાની જેમ જ પોતાના દુશ્મન સામે કરવાનો પ્રયાસ કરી રહ્યું છે. ગુરપતવંત સિંહ પન્નુ એક ભારત-નિયુક્ત આતંકવાદી છે જે અમેરિકન અને કેનેડિયન નાગરિક્તા ધરાવે છે. નવેમ્બરની શરૂઆતમાં, યુએસ જસ્ટિસ ડિપાર્ટમેન્ટે પન્નુની હત્યાના નિષ્ફળ કાવતરામાં કથિત સંડોવણી બદલ ભારતીય નાગરિક સામેના આરોપને રદ કર્યો હતો.

હાલમાં જ અમેરિકાના વિદેશ મંત્રાલયના પ્રવક્તા મેથ્યુ મિલરે એક પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું હતું કે અમેરિકા આંતરરાષ્ટ્રીય દમનને સહન કરતું નથી, આ માત્ર ભારત માટે નથી, પરંતુ સમગ્ર વિશ્વ માટે છે. અમે વિરોધ કરીએ છીએ પછી ભલે તે કોઈપણ દેશનો હોય. આ એક મોટો મુદ્દો છે અને અમે ફોરમ પર આવા લોકો વિશે વાત કરતા નથી. અમને આ મામલાની માહિતી મળતા જ અમારા વરિષ્ઠ અધિકારીઓએ ભારતીય વરિષ્ઠ અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. અમે સ્પષ્ટ કર્યું છે કે અમે આવી કોઈપણ બાબતને ખૂબ જ ગંભીરતાથી લઈએ છીએ. ભારત આ મામલાની તપાસ કરી રહ્યું છે. અમે તપાસના પરિણામો જોવાની રાહ જોઈ રહ્યા છીએ.

યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ જસ્ટિસ અનુસાર, ૫૨ વર્ષીય નિખિલ ગુપ્તા ભારતીય નાગરિક છે. ગુપ્તાની ૩૦ જૂન ૨૦૨૩ના રોજ ચેક રિપબ્લિકમાં ધરપકડ કરવામાં આવી હતી. હવે નિખિલ ગુપ્તાને ચેક રિપબ્લિકથી અમેરિકા પ્રત્યાર્પણ કરવામાં આવશે. યુએસ જસ્ટિસ ડિપાર્ટમેન્ટનું કહેવું છે કે ભારત સરકારનો એક અધિકારી, જેનું નામ જાહેર કરવામાં આવ્યું નથી, તે નિખિલ ગુપ્તા અને અન્ય સરકારી અધિકારીઓના સંપર્કમાં હતો. આ લોકો અમેરિકામાં એક રાજકીય કાર્યકર ગુરપતવંત સિંહ પન્નુની હત્યાનું કાવતરું ઘડી રહ્યા હતા, જેઓ ભારતીય મૂળના છે અને અમેરિકન નાગરિક છે. ગયા મહિને, ધ વોશિંગ્ટન પોસ્ટ, અનામી સ્ત્રોતોને ટાંકીને, પન્નુની હત્યાના કથિત કાવતરાના સંબંધમાં રિસર્ચ એન્ડ એનાલિસિસ વિંગના અધિકારીનું નામ આપ્યું હતું. ઇછઉ અધિકારી વિક્રમ યાદવે પન્નુને મારવા માટે એક હિટ ટીમ બનાવી હતી. આ અહેવાલને ભારતે ફગાવી દીધો હતો. આરોપોની તપાસ માટે ઉચ્ચ સ્તરીય સમિતિની પણ રચના કરી છે. તાજેતરમાં અમેરિકાએ કહ્યું હતું કે તે આ મુદ્દે ભારતીય તપાસના પરિણામોની રાહ જોઈ રહ્યું છે. અમેરિકી વિદેશ મંત્રાલયના પ્રવક્તા મેથ્યુ મિલરે કહ્યું કે અમે આ મુદ્દાને ગંભીરતાથી લઈ રહ્યા છીએ અને અમને લાગે છે કે ભારતે પણ તેને ગંભીરતાથી લેવું જોઈએ.