પાંડરવાડામાં ચેકડેમને ઉંડા કરવાની મજુરી કર્યા વિના બેંક ખાતામાં 22 હજાર જમા થયા

વડોદરા અને મહેસાણામાં મનરેગામાં કૌભાંડ બહાર આવ્યા બાદ મહીસાગર જીલ્લામાં મનરેગા યોજનામાં મજૂરીએ ગયા વગર પોતાના બેન્ક ખાતામાં મજૂરીના નાણાં મેળવ્યા હોવાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. આ વર્ષે ખાનપુર તાલુકાનાં પાંડરવાડા ગામે જૂના સ્મશાન પાસે ચેકડેમ ઊંડા કરવાની મનરેગા અંતર્ગત કામગીરી કરવામાં આવી છે.

જેમાં મહીસાગર જીલ્લાના પાંડરવાડા ગામના કરિયાણાના વેપારી અને પૂર્વ સરપંચ, પૂર્વ તાલુકા પંચાયત સભ્ય અનિલભાઈ મોદીના ખાતામાં રૂા.22,000 જેટલી મજૂરીના નાણાં જમા થતાં મનરેગા જોબકાર્ડમાં વ્યાપક કૌભાંડ હોવાની આશંકાએ તપાસની માંગ ઉઠી છે. ચેક ડેમ ઊંડા કરવાની કામગીરી કામના સ્થળ પર જઈ રિયાલિટી ચેક કરતાં ચેકડેમ જ જોવા ના મળ્યો ઊંડા કરવાની કામગીરી તો બાજુ પર રહી.

સ્થાનિકો દ્વારા જાણવા મળ્યું કે જેસીબી મશીનથી કામગીરી રાત્રે થોડીક કરવામાં આવી છે અને તે કામ પણ યોગ્ય રીતે કરવામાં આવ્યું નથી. તો અનિલ મોદી અને એમનો પરિવાર ક્યારે મજૂરીએ ગયો ? કોણે મસ્ટરમાં એન્ટ્રી કરી ? કોણે કામગીરીના ફોટા અપલોડ કર્યા ? અગર જેસીબીથી કરવામાં આવી હતી તો કેટલાક અન્ય કેટલા જોબકાર્ડ ધારકોની ખોટી એન્ટ્રી કરી ? જેવા અનેક સવાલો ઉઠી રહ્યા છે.