પંચમહોત્સવના સુચારૂ આયોજન અંગે એક મિનાર મસ્જિદ પાવાગઢ-ચાંપાનેર ખાતે પંચમહાલ જીલ્લા કલેકટરની અધ્યક્ષતામાં પ્રેસ કોન્ફરન્સ યોજાઈ

ગોધરા, આજરોજ પંચમહાલ જીલ્લા કલેકટર આશિષ કુમારની અધ્યક્ષતામાં આગામી પંચમહોત્સવના સુચારૂ આયોજનને લઈનેવર્લ્ડ હેરિટેજ સાઈટ,એક મિનાર મસ્જિદ પાવાગઢ-ચાંપાનેર ખાતે એક પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી.

આ પ્રેસ કોન્ફરન્સમાં જીલ્લા કલેકટરએ મીડિયાકર્મી મિત્રોને માહિતી આપતા જણાવ્યું હતું કે,વર્ષ 2015થી દરવર્ષે ડિસેમ્બર મહિનામાં યોજાતો પંચમહોત્સવ ગુજરાત સહિત ભારતભરમાં અગત્યના તહેવાર તરીકે ઉજવાય છે.તેમણે કહ્યું કે,પ્રથમ વર્લ્ડ હેરિટેજ સાઇટ ચાંપાનેર – પાવાગઢ ઇતિહાસમાં અગત્યનું સ્થાન ધરાવે છે. અહીં આર્કિયોલોજી સર્વે ઓફ ઇન્ડિયા દ્વારા તમામ સ્મારકોની સાચવણી કરવામાં આવે છે.

તેમણે કહ્યું કે, આ સાઈટ ખાતે અલગ અલગ 114 જેટલાં સ્મારકો આવેલાં છે,જે ગુજરાતનાં ઇતિહાસમાં અનેરૂં સ્થાન ધરાવે છે.આજે લાખો શ્રદ્ધાળુઓ પાવાગઢ મહાકાળી માતાજીનાં દર્શન કરે છે તથા સતત આ સંખ્યામા વધારો નોંધાઈ રહ્યો છે.આ સ્થળને ગુજરાત સરકારે વિકસાવતા અહીં દિન-પ્રતિદિન પ્રવાસીઓની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે.તેમણે આ સાઈટના ઇતિહાસ અંગે પત્રકાર મિત્રોને માહિતી આપી હતી.

વધુમાં,જીલ્લા કલેકટરએ જણાવ્યું કે,પંચમહાલ જીલ્લાના પ્રવાસનઅને સાંસ્કૃતિક ધરોહર એવા ચાંપાનેરના ઇતિહાસ અંગે લોકો માહિતી મેળવી શકે તથા તેનો યોગ્ય પ્રચાર પ્રસાર થાય તેમજરાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ તેને પ્રસિદ્ધિ મળે તે હેતુસર, આ સાઈટ ખાતે દરવર્ષે સરકાર અને જીલ્લા વહીવટી તંત્ર દ્વારા પંચમહોત્સવનું આયોજન હાથ ધરવામા આવે છે. ચાલુ વર્ષે પણ તારીખ 25 થી 29 ડિસેમ્બર,2023 દરમિયાન પાવાગઢ -ચાંપાનેર સ્થિત હાલોલના વડા તળાવ ખાતે પંચમહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. આ સાથે જીલ્લા કલેકટરએ ચાલુ વર્ષે યોજાનાર પંચમહોત્સવના સુચારૂ આયોજન, ક્રાફટ બજાર, ફૂડ સ્ટોલ,ટેન્ટ સિટી, હેરિટેજ વોક,એમ્યુઝમેન્ટ પાર્ક સહિતની એક્ટિવિટી બાબતે પણ માહિતી આપી હતી. તેમણે તમામ જાહેર જનતાને પંચમહોત્સવનો લાભ લેવા અનુરોધ કર્યો છે.

આ પ્રેસ કોન્ફરન્સમાંહાલોલ પ્રાંત અધિકારી પ્રણવ વિઠ્ઠાણી, નાયબ માહિતી નિયામક પારૂલ મણિયાર, જીલ્લા ખેતીવાડી અધિકારી એમ.જી.પટેલ, હાલોલ મામલતદાર બી.એમ.જોશી સહિત પંચમહાલ જીલ્લાના પ્રિંટ અને ઈલેક્ટ્રોનિક મીડિયાના પત્રકારઓ જોડાયા હતા.