
- બહોળી સંખ્યામાં લોકોએ એમ્યુઝમેન્ટ પાર્કનો લાભ લઈને ક્રાફ્ટ બજારમાં ખરીદી કરી.
ગોધરા, પંચમહાલ જીલ્લામાં “વર્લ્ડ હેરિટેજ સાઇટ” ચાંપાનેર-પાવાગઢ,વડા તળાવ ખાતે પંચમહોત્સવના ત્રીજા દિવસે બહોળી સંખ્યામાં લોકોએ લાભ લીધો હતો. ત્રીજા દિવસે ગુજરાતના પ્રસિદ્ધ લોક ગાયક આદિત્ય ગઢવીએ સંગીત સંધ્યા રજૂ કરીને લોકોને મંત્રમુગ્ધ કર્યા હતા. કાર્યક્રમની શરૂઆત સાંસ્કૃતિક કાર્યક્રમ થકી કરાઈ હતી. જેમાં સ્થાનિક કલાકાર વીજાનંદ તુરી દ્વારા રાવણ હથ્થા દ્વારા લોક સંગીત રજૂ કરાયું હતું. આ પ્રસંગે પાવાગઢ યાત્રાધામ પર બનેલ ફિલ્મનું એલઇડી પર નિદર્શન કરાયું હતું. સરકાર અને જીલ્લા વહીવટી તંત્રના પ્રયત્નોથી પંચમહોત્સવને આજે રાષ્ટ્રીય તથા આંતરરાષ્ટ્રીય કક્ષાએ પ્રસિદ્ધિ મળી છે.

પંચમહોત્સવની બાજુમાં ક્રાફટ બજાર જ્યાં જીલ્લાની ઓળખ સમાન વિવિધ હસ્ત બનાવટની વસ્તુઓ, ફૂડ સ્ટોલ ખાતે જીલ્લાના વ્યંજનો, બાળકો માટે એમ્યુઝમેન્ટ પાર્ક ઊભો કરાયો છે.જેનો લોકો મોટી સંખ્યામાં લાભ લઈને ખરીદી કરી રહ્યા છે. આ સાથે આજરોજ 28 ડિસેમ્બરના રોજ રાજભા ગઢવી સંગીત સંધ્યા રજૂ કરશે જ્યારે આવતીકાલે તારીખ 29 ડિસેમ્બરના રોજ લોકગાયક કિંજલ દવે સંગીત સંધ્યા રજૂ કરશે જે મુખ્ય કાર્યક્ર્મ રાત્રે 9 વાગ્યાથી શરૂ કરવામાં આવશે.

સંગીત સંધ્યા પ્રસંગે હાલોલ ધારાસભ્ય જયદ્રથસિંહ પરમાર, જીલ્લા કલેકટર આશિષ કુમાર, અધિક જીલ્લા કલેકટર એમ.ડી. ચુડાસમા, પોલીસ અધિક્ષક હિમાંશુ સોલંકી,પ્રાંત અધિકારી હાલોલ સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.