પંચમહાલમાં અલગ અલગ સ્થળે 3 યુવકો સાથે સાઇબર ફ્રોડ કરી 8 લાખની છેતરપિંડી

પંચમહાલમાં અલગ અલગ સ્થળે 3 યુવકો સાથે સાઇબર ગઠીયાઓએ ફ્રોડ કરીને કુલ રૂા.8 લાખની છેતરપિંડી કરી હતી. જેમા ગોધરાના રતનપુર ગામે યુવકને ટેલી ગ્રામમાં ટાસ્ક સીલેકટ કરીને રૂા.3.32 લાખની છેતરપિંડી કરી હતી.

કાલોલના ડેરોલ સ્ટેશન ખાતે યુવકને ટ્રેડીંગ એકાઉન્ટ ઓપન કરાવીને શેરબજારમાં ટ્રેડિંગ કરવા રૂા.2.95 લાખ જમા કરતા એપ્લિકેશન બંધ કરીને છેતરપિંડી કરી હતી. તેમજ ઘોઘંબાના પધોરા ગામે યુવકને હોમ ટુ વર્કની એપ્લિકેશન મારફતે રૂા.1.75 લાખ ઓનલાઇન જમા કરાવીને છેતરપિંડી કરવામાં આવી હતી. પંચમહાલમાં રતનપુર, ડેરોલ તથા પધોરા ગામે સાયબર ગઠીયાઓએ કુલ 8 લાખ જેટલી રકમની છેતરપિંડી કરી હોવાની અલગ અલગ પોલીસ મથકે ફરીયાદ નોંધાઇ હતી.

ટેલીગ્રામ પર ટાસ્ક સિલેક્ટ કરીને નાણાં જમા કરાવી છેતરપિંડી

​​​​​​​ ગોધરા તાલુકાના રતનપુર પેટે લાલપુરા વણકર ફળિયામાં રહેતા જયેશ રતનાભાઈ વણકર ગત 9 થી 12 સપ્ટેમ્બર દરમિયાન અજાણ્યા ઠગ ભેજાબાજે ફરિયાદીને ટેલીગ્રામ એકાઉન્ટ ઉપર લિંક મોકલી હતી. તેમાં રહેલા અલગ અલગ પૈસાના ટાસ્ક મોકલી જયેશભાઇના ખાતામાં નાણા જમા કરાવીને લાલચ આપી હતી. જયેશભાઇએ 5 હજાર નાણા જમા કરતા ટાસ્ક કમ્પલેટ કરવા નાણાની માંગણી કરીને વિશ્વાસમાં લેતા જયેશભાઇ કુલ રૂા.3,32,977 જમા કરાવતા ઓનલાઇટ ગઠીયાઓ નાણા પરત નહિ આપી છેતરપિંડી તેમજ વિશ્વાસઘાત કરતા જયેશભાઇએ ફરિયાદ નોધાવી હતી.

શેરબજારમાં ટ્રેડિંગના નામે છેતરપિંડી કરાઇ

​​​​​​​ ડેરોલના મેહુલકુમાર બાલમુકુંદ શાહે ફેસબુક પરથી શેરબજાર ટ્રેડિંગની જાહેરાત પર ક્લીક કરતા વોટસઅપ ગ્રૃપમાં એડ કરીને ટ્રેડિંગની ટીપ આપી હતી. ત્યારબાદ મેહુલે વોટ્સઅપ ગ્રૃપમાં મોકલી લીંકથી શેરબજારમાં ટ્રેડિંગ માટે એપ્લિકેશન ડાઉન લોડ કરીને રજિસ્ટ્રેશન કર્યું હતું. ગ્રૃપ એડમીન કેથરીન મકુમે શેરમાં ઇન્વેસ્ટ કરવા નાણા જમા કરવાનું કહેતા મેહુલભાઇએ અલગ અલગ બેંક ખાતામાંથી કુલ 2.95 લાખ રૂપિયા શેરની ખરીદી કરવા જમા કરાવ્યા હતા. એક લાખનો એપ્લિકેશનમાં નફો જમા થતા નાણા ઉપાડવાનું કહેતા ગ્રૃપ એડમીન કેથરીને કંપનીનો આઇપીઓ ભરવાનું કહ્યું હતુ. આઇપીઓના 7100 શેર લાગતા તેને પેટે લોન કરાવી આપી હતી. આઇપીઓ લાગતા 7100 શેરના રૂા.16.74 લાખની રકમ થતા મેહુલે લોનના પૈસા કાપીને નફો અાપવાનું કહેતા કેથરીન સહીત અન્યોએ લોનના પૈસા જમા કરશો તો રૂા.16.74 લાખ મળશે તેમ કહેતા મેહુલ શાહ છેતરાયા હોવાનું લાગતા પોલીસ મથકે ઓનલાઇ ગઠીયાઓ સામે રૂા.2.95 લાખની છેતરપિંડીની ફરિયાદ નોધાવી હતી.

નાણાં જમા થતાં એપ્લિકેશન બંધ કરી દીધી

​​​​​​​ ઘોઘંબાના પધોરા ગામે રહેતા કુલદીપભાઇ મનહરભાઇ બારીયાના વોટ્સઅપ પર હોમ ટુ વર્ક નામની એપ્લિકેશનની લંીંક આવતા તેમને ડાઉનલોડ કરી હતી. એપ્લિકેશનમાં લોગીન કરીને માહીતી વાચતા કુલદીપભાઇને વિશ્વાસ આવતા તેમને બેંક ખાતામાંથી ટુકડે ટુકડે રૂા.1.75 લાખ જમા કરાવ્યા હતા. ત્યાર બાદ અચાનક એપ્લિકેશન બંધ થઇ જતા કુલદીપભાઇએ સાયબર હેલ્પલાઇન નંબર 1930 પર ફરિયાદ નોધાવી હતી. રાજગઢ પોલીસ મથકે કુલદીપભાઇએ અજાણ્યા સાયબર ગઠીયાઓ સામે રૂા.1.75 લાખની છેતરપિંડી કરી હોવાની ફરિયાદ નોંધાવવામાં આવી હતી.