પંચમહાલમાં ધો-9ની કિશોરીઓને અપાતી સાયકલો વિતરણના અભાવે ભંગાર થવાની અવસ્થામાં

  • સાયકલનો ટેસ્ટિંગ રિપોર્ટ નહિ અપાતા સાયકલ વિતરણ અટવાયુ

સરકારી ગ્રાન્ટેડ હાઈસ્કુલમાં ધો-9માં અભ્યાસ કરતી કિશોરીઓને સરસ્વતી સાધના હેઠળ મફત સાયકલ સહાય સરકારના સમાજ કલ્યાણ વિભાગ દ્વારા આપવામાં આવે છે. જે હજુ સુધી ફાળવવામાં આવી નથી. બીજી તરફ પંચમહાલ જિલ્લાની લાભાર્થી કિશોરીઓને આપવા માટે સાયકલનો મોટો પ્રમાણમાં જથ્થો હાલ જિલ્લામાં બે સ્થળે પહોંચી ગયો છે. જે કેટલાક દિવસોથી વરસાદમાં પલળી કાટ ખાઈ રહ્યો છે.સંલગ્ન એજન્સીએ ટેસ્ટિંગ રિપોર્ટ નહિ આપતા સાયકલો હજુ સુધી વિતરણ નહિ કરવામાં આવી હોવનુ બિન સત્તાવાર જાણવા મળ્યુ હતુ. ત્યારે કોઈપણ ટેકનીકલ ગુંચ હોય એ દુર કરી વહેલી તકે સાયકલો કિશોરીઓને આપવામાં આવે તેવી માંગ ઉઠી છે.

સરકાર દ્વારા ગ્રામ્ય વિસ્તારની ગ્રાન્ટેડ શાળાઓમાં ધો-9માં અભ્યાસ કરતી વિધાર્થીનીઓને સરસ્વતી સાધના યોજના હેઠળ મફતમાં સાયકલ આપવામાં આવતી હોય છે. ગ્રામ્ય વિસ્તારની વિધાર્થીનીઓને શાળામાં સમયસર પહોંચવા માટે સરળતા રહે એવો શુભ આશય છે. આ યોજના અંતર્ગત પંચમહાલમાં પણ અંદાજિત 3 હજાર ઉપરાંત વિધાર્થીનીઓને સાયકલ ફાળવવા માટે શાળા કક્ષાએથી દરખાસ્ત મંગાવવામાં આવી હતી જે તમામ પ્રોસીઝર હાલ પુર્ણ થઈ ગઈ છે. અને એજન્સી દ્વારા સાયકલ તૈયાર કરી દેવામાં આવી છે પરંતુ જેની હજુ સુધી ફાળવણી કરવામાં આવી નથી. જેથી આ સાયકલો ચોમાસામાં કાટ ખાઈ રહી હોય એવા દ્રશ્યો હાલ જોવા મળી રહ્યા છે. વળી આ સાયકલો ઉપર પ્રવેશોત્સ્વ-2023નુ લખાણ જોવા મળી રહ્યુ છે. બીજી તરફ હાલ 2024નો પ્રવેશોત્સવ પણ પુર્ણ થઈ ગયો છે જેથી અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે.