પંચમહાલ SOG પોલીસે કનેલાવ રોડ પર આઇપીએલ મેચ પર મોબાઇલ ફોન દ્વારા સટ્ટો રમાડતા એક ઇસમને ઝડપી પાડયો

ગોધરા,પંચમહાલ એસ.ઓ.જી. પોલીસ સ્ટાફ પેટ્રોલીંગમાં નીકળ્યો હતો. ત્યારે બાતમી મળી હતી કે, ગોધરા શહેરના કનેલાવ રોડ પર આવેલ એક પ્રોવિઝન સ્ટોરની દુકાન પાસે એક ઈસમ મોબાઇલ ફોનમાં એપ્લિકેશન દ્વારા આઇપીએલમાં ચાલી રહેલી મુંબઈ ઇન્ડિયન્સ અને રોયલ ચેલેન્જરસ બેંગલોર વચ્ચે ચાલી રહેલી મેચ પર સટ્ટો રમાડી રહ્યો છે. જે ચોક્ક્સ બાતમીના આધારે પોલીસે ગતરોજ રાતના સમયે જઈને તપાસ કરતા બાતમી મુજબનો ઈસમ મળી આવ્યો હતો. પોલીસે તેની અંગજડતી કરતા મોબાઇલ ફોન મળી આવ્યો હતો. જેમાં તપાસ કરતા તેમાં ક્રિકેટ મેચ પર સટ્ટો રમવાની આઇડી ચાલુ હતી. જે અંગે પકડાયેલા ઇસમની સઘન પૂછપરછ કરતાં વ્રજ શાહ નામના ઈસમે જણાવ્યું હતું કે, તેણે પોતે ઈન્સ્ટાગ્રામ દ્વારા સંપર્ક કરીને વોટસએપ દ્વારા સંપર્ક સાધ્યો હતો અને અલગ અલગ પ્રકારે ક્રિકેટ સટ્ટો રમાડવા માટે યુઝર નેમ અને પાસવર્ડ મેળવ્યા હતા, તેમજ યુપીઆઈ દ્વારા પૈસાની લેવડદેવડ કરતો હતો. ત્યારે સમગ્ર મામલે પોલીસે ગોધરા શહેર એ ડિવિઝન પોલીસમથકે વ્રજ શાહ નામના ઈસમ સામે ગુનો નોંધીને કાયદેસરની તજવીજ હાથ ધરી છે.