- જીલ્લાના શ્રેષ્ઠ શિક્ષકોને પારિતોષિક વિતરણ સમારોહ યોજાયો, શિક્ષણ ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી કરનાર શિક્ષકોને સન્માનિત કરાયા.
દર વર્ષે તા 5 સપ્ટેમ્બર એટલે કે ડો સર્વપલ્લી રાધાકૃષ્ણનના જન્મદિવસની ઉજવણી રાષ્ટ્રીય શિક્ષક દિન તરીકે કરવામાં આવે છે. જેમાં વિવિધ શાળાઓ સહિત જીલ્લાના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષક દિનની ઉજવણી કરાય છે.
પંચમહાલ જીલ્લાના મુખ્યમથક ગોધરા ખાતે આવેલા BRGF ભવન હોલ ખાતે જીલ્લા કક્ષાના શિક્ષક દિનની ઉજવણીનો કાર્યક્રમ પંચમહાલ સાંસદ રાજપાલસિંહ જાદવના અધ્યક્ષ સ્થાને યોજવામાં આવ્યો હતો. જેમાં જીલ્લાના અગ્રણી શિક્ષકો તેમજ આચાર્યો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં જીલ્લા અને તાલુકા કક્ષાના શ્રેષ્ઠ શિક્ષકોને પારિતોષિક એનાયત કરવામાં આવ્યો હતો. જેમાં પ્રાથમિક વિભાગમાં તાલુકાકક્ષા માટે બે શિક્ષકોને, જીલ્લાકક્ષા માટે બે શિક્ષકોને જ્યારે માધ્યમિક વિભાગમાં એક શિક્ષકને પારિતોષિક એનાયત કરવામાં આવ્યો હતો, તેમજ શ્રેષ્ઠ શિક્ષક રાજ્ય પારિતોષિક એવોર્ડ માટે બાકરોલ પ્રાથમિક શાળાના દિનેશકુમાર શંકરલાલ પ્રજાપતિની પસંદગી કરવામાં આવી હતી.
આ કાર્યક્રમમાં સાંસદ રાજપાલસિંહ જાદવ દ્વારા જણાવ્યું હતું કે, શિક્ષકો દેશના ઉત્થાન માટે મહત્વનો રોલ ભજવે છે. તેમણે સરકારની શિક્ષણને લગતી વિવિધ યોજનાઓ બાબતે માહિતી આપી હતી. જેમાં નમો લક્ષ્મી અને નમો સરસ્વતી યોજનાની માહિતી આપી હતી. જીલ્લામાં 31075 ક્ધયાઓને આ યોજનાનો લાભ આપવામાં આવ્યો છે.
કાર્યક્રમમાં મોરવા હડફ ધારાસભ્ય નિમિષાબેન સુથારએ શિક્ષકોને સાચા માર્ગદર્શક, મિત્ર તરીકે બનીને બાળકોને ગમ્મત સાથે શિક્ષણ આપવા અનુરોધ કરાયો હતો. તેમણે શિક્ષકો દ્વારા થતા કાર્યોને ડિજીટલ માધ્યમથી લોકો સમક્ષ મૂકવા અપીલ કરી હતી તો કાલોલ ધારાસભ્ય ફતેહસિંહ ચૌહાણ દ્વારા નબળા બાળકોને દત્તક લેવા અનુરોધ કરાયો હતો. તેમણે શિક્ષણ સાથે સંસ્કાર સિંચન વિશે વાત કરી હતી.
કાર્યક્રમમાં જીલ્લા પંચાયત પ્રમુખ રેણુકાબેન ડાયરા, કાલોલ ધારાસભ્ય ફતેહસિંહ ચૌહાણ, મોરવા હડફ ધારાસભ્ય નિમિષાબેન સુથાર, શિક્ષણ સમિતિના ચેરમેન, જીલ્લા અગ્રણી અશ્ર્વિનભાઈ પટેલ, જીલ્લા શિક્ષણાધિકારી, જીલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી સહિત મોટી સંખ્યામાં શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા.