પંચમહાલ સમાચારની નમ્ર અપીલ : ગોધરાના ૩ માસના ધૈર્યરાજસિંહના આરોગ્ય સારવાર માટે લોકો કરે આર્થિક મદદ

ગોધરા,
સોશિયલ મીડિયામાં હાલ ટ્રેન્ડમાં આવેલા ગોધરાના ધૈર્યરાજસિંહ હવે રાજ્ય સહિત દેશભરના લોકો પરિચિત બન્યા છે. સ્પાઈનલ મસ્ક્યુલર એટ્રોપી ૧ (Spinal Muscular Atrophy 1) નામની બીમારીથી પીડાતા આ બાળકના ઈલાજ માટે મુકવા પડતા રૂ.૧૬ કરોડના ઈન્જેક્શન માટે ક્રાઉડ ફન્ડિંગની શરૂ આત બાદ અત્યાર સુધી ૬.૩૬ કરોડ થઇ છે. પંચમહાલ સમાચારના માધ્યમો દ્વારા દાન માટે કરવામાં આવેલી અપીલ રંગ લાવી છે અને વધુમાં વધુ લોકો દાન કરે તેવી અપીલ કરવામાં આવી રહી છે.

પંચમહાલ જિલ્લાના ગોધરામાં રહેતા અને મૂળ મહીસાગર જિલ્લાના ખાનપુર તાલુકાના કાનસર ગામના રાજદીપસિંહ રાઠોડના પુત્ર ધૈર્યરાજસિંહ રાઠોડનો જન્મ થયા બાદ ૩ મહિનાની ઉંમરમાં પુત્રમાં શારીરિક ઉણપ હોવાની પિતા રાજદીપસિંહને શંકા જતા પ્રથમ ગોધરા ખાતે બાળરોગના તબીબ પાસે સારવાર માટે પોતાના પુત્રને લઈ ગયા હતા, જ્યાંથી બાળકને વધુ તબીબી પરિક્ષણ માટે અમદાવાદની રોયલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ચાઈલ્ડ ન્યુરોસાયન્સ નામની તબીબી સંસ્થામાં મોકલવામાં આવ્યું હતું. જ્યાં બાળકના તમામ જરૂરી પરીક્ષણો બાદ જાણવા મળ્યું હતું કે ૩ માસના ધૈર્યરાજને એસ.એમ.એ ૧ નામની બીમારી છે. પ્રથમ તો બાળકના પિતાને બીમારીનું નામ જાણીને આઘાત ન લાગ્યો કેમકે તે બીમારી વિશે તેઓ સંપૂર્ણ જાણકારી ધરાવતા જ ન હતા, પરંતુ આ બીમારીના ઈલાજ માટે અધધધ કહી શકાય એટલા રૂ. ૨૨.૫ કરોડના ઈન્જેક્શનની જરૂર છેે.

આમ પોતાના પુત્રની સારવાર માટે મક્કમ બનેલા રાજદીપસિંહએ ખાનગી સંસ્થા સાથે મળીને ક્રાઉડ ફન્ડિંગની મદદથી ૧૬ કરોડ મેળવી પોતાના પુત્રની સારવાર કરવાનું નક્કી કર્યું હતું. શરૂ આતમાં આ ક્રાઉડ ફન્ડિંગની મદદથી આવતું દાન ખૂબ જ ધીમી ગતિએ આવતું હતું, શરૂ આતના તબક્કે આવતા દાનની ગતિ પ્રમાણે ૩ વર્ષનો સમય લાગે તેમ હતો ૧૬ કરોડની રકમ એકત્ર કરવામાં જ્યારે ધૈર્યરાજને માત્ર ૧ વર્ષના સમયગાળામાં જ આ ઈન્જેક્શન મુકવાનું તબીબીઓએ જણાવ્યું હતું.

બાદમા પંચમહાલ સમાચાર દ્વારા દાતાઓને અપીલ કરવામાં આવતાં સેવાભાવીઓ પોતાની સામાજિક ફરજ સમજીને ધૈર્યરાજને મદદ કરવાનું નક્કી કરી નાગરિકોને દાન આપવાની અપીલ ટીવી તેમજ સોશિયલ મીડિયાના માધ્યમથી કરતા આ મહાઅભિયાનમાં જોડાયા તો બીજી તરફ અનેક યુવક મંડળો, સામાજિક સંસ્થાઓ આગળ આવી અને ધૈર્યરાજ માટે દાન એકત્ર કરવાની જાતે જ જવાબદારી સ્વીકારી અને તેના પરિણામ સ્વરૂપ માત્ર ૫ દિવસના ટૂંકા સમયમાં ૬.૩૬ કરોડ રૂપિયાનું દાન એકત્ર કરવામાં સફળતા મળી છે. જોકે હાલ પણ દાનની મોટી રકમની જરૂરિયાત છે. ધૈર્યરાજની સારવાર માટે જરૂરી કુલ ૧૬ કરોડની જરૂરીયાત છે.

મુખ્યમંત્રી રાહત ફંડ મદદ માટે શહેરા ધારાસભ્યની રજુઆત…

ત્રણ માસનો બાળક ધૈયરાજસિંહ એસ.એમ.એ-૧નામની બીમારીથી પીડાઇ રહ્યો છે.જેને આર્થિક મદદ કરવા માટે અભિયાન ચાલી રહ્યુ છે. શહેરાના ધારાસભ્ય જેઠાભાઈ ભરવાડે આ બાળકની સારવાર માટે મુખ્યમંત્રી રાહતફંડમાથી સહાય આપવામા આવે તેવી ભલામણ કરતો લેખિતપત્ર લખીને મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને રજુઆત કરી છે.અને મુખ્યમંત્રી રાહતફંડમાથી સારવાર માટે સહાય મંજુર કરવા માટે ધારાસભ્ય એ ભલામણ કરી છે.

હાલોલમાં છુટા હાથે દાન કરતા લોકો…..

ધૈર્યરાજને મદદરૂપ થવા માટે દરેક તાલુકામાં લોકો દ્વારા અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. અને તેને આર્થિક મદદનો ઘોઘ વરસી રહ્યો છે. જેના ભાગરૂપ હાલોલમાં યુવાનો દ્વારા અભિયાન શરૂ કરવામાં આવતાં બસ સ્ટેન્ડ, શાકમાર્કેટ જેવા સ્થળો એ યુવાનો મદદરૂપ થઈ રહ્યા છે. અને તેના ઈલાજ માટે રકમ એકત્રિત કરી રહ્યા છે. હાલોલ નગરમાં લોકો છુટા હાથે મદદરૂપ થઈ રહયા છે.

અખિલ ભારતીય યુવા મોરચા દ્વારા મુખ્યમંત્રીને રજુઆત…

એસએમએ-૧ થી પિડાતા ધૈર્યરાજસિંહ ને સારવારની મદદ મળે તે માટે દાતાઓ દ્વારા અપીલ કરવામાં આવી રહી છે. ગોધરા શહેરમાં સેવા કાર્યકારી સંસ્થા અખિલ ભારત હિન્દુ યુવા મોરચાના પ્રદેશ પ્રમુખ આશીષ પટેલે આ બાળકને આર્થિક મદદ થાય તે માટે અપિલ કરવામાં આવી છે. એટલું જ નહીં પ્રમુખ શિવ ઓમ મિશ્રા દ્વારા મુખ્યમંત્રીને રજુઆત કરવામાં આવીને બાળકને આરોગ્ય સારવાર મળે તેવી માંગ કરવામાં આવી છે.

Don`t copy text!