પંચમહાલ સમાચારનો ગ્રાઉન્ડ રિપોર્ટ : વોર્ડ નં.૯ બાદશાહી હોટલના ઢાળ પાસેની દુર્ગંધ યુકત અને જોખમી મસમોટી કેનાલ

ગોધરા,
લોકપ્રશ્ર્નોને જાણવાના વિનમ્ર પ્રયાસ સાથે બિનરાજકીય નિષ્પક્ષપણે રજુ કરતી શ્રેણીના ભાગરૂપ ગોધરા પાલિકાના વોર્ડ નં.૯ ની મુલાકત લેતાં લોકોએ પોતાની લાગણી વ્યકત કરી હતી. અગાઉ સભ્ય દ્વારા વિકાસના કામો કરાયેલા છે. તેમ છતાંય લોકો વધુ વિકાસ ઝંખી રહ્યા છે. આ વોર્ડમાં વ્હોરવાડ, બદરી મહોલ્લા, મીઠીબોરવાલાનો ખાંચો, હયાતની વાડી, રાણી મસ્જીદના પાછળનો ભાગ, આંબલી ફળીયા, વ્હોરવાડ ટાવર, બાદશાહી હોટલનો ઢાળ વગેરે વિસ્તારનો સમાવેશ થાય છે.

બાદશાહી હોટલનો ઢાળ એ વ્હોરવાડ અને ગોંદ્રા વિસ્તારને જોડતો ઢાળ છે. અને નજીક માંથી મેશરી નદી પસાર થઈ રહી છે. પશ્ર્ચિમ તરફનો વિસ્તાર ઉંચાણવાળો છે અને પૂર્વ વિસ્તાર નિચાણવાળો છે. વર્ષોથી પશ્ર્ચિમ તરફથી ગંદા તથા ડ્રેનેજના પાણીના માટે કોઈ વ્યવસ્થા કરવામાં આવેલી નથી. જેના કારણે પાલિકા દ્વારા અત્યાર સુધી પસાર થયેલા ઢાળ માંથી પાણીના નિકાલ કરવામાં આવે છે. ખુલ્લામાં મસમોટી કેનાલ આકારે ગટર વહી રહી છે. આ કેનાલમાં લોકો નકામો કચરો નિયમિતપણે ફેંકે છે. જેના કારણે વધુ ગંદકી ફેલાઈને અસહ્ય દુર્ગંધ પ્રસરાઈ રહી છે. આથી આ ઓપન ગટરને બંધ કરીને જે રીતે રેલ્વેમાં ભૂર્ગભ અને ઢાંકણા ધરાવે છે. તે રીતે બિનજોખમી રીતે વ્યવસ્થા કરવામાં આવે તેવી લોકોની માંગ છે.

વ્હોરવાડના ઢાળ પાસે તથા બદરી મહોલ્લા, મીઠીખાન મહોલ્લા, વ્હોરવાડ સહિતના વિસ્તારોમાં પસાર થતી ગટર લાઈનની બિલકુલ સાંકળી છે. પાલિકા દ્વારા ઢાંકણા નહીં બેસાડતા લોકો એ સ્વખર્ચે બેસાડેલા ઢાંકણા પર વાહનોના અવરજવર થી તૂટફૂટ થવાની સાથે કચરો ઠલવાઈને નિયમિત સાફ-સફાઈ નહીં થતા લાઈન ચોકઅપ હાલતમાં છે. જેથી પાણીનો નિકાલ થતો નથી.

આ વિસ્તારના આંતરિક રસ્તાઓ અધુરા છે. કાંતો કાચા હોવાથી લોકોને ભારે અગવડતા ભોગવવી પડી રહી છે. જેમાં ર્ડા. સરવરવલીના ઘરની પાછળની ગલીમાં કાચો રસ્તો અધુરો છોડવામાં આવ્યો છે. રોયલ એપાર્ટમેન્ટ પાસે કેસરીના ઘર નજીક બનાવેલો રસ્તો આગળ લંબાવવામાં આવીને છોડી દેવામાં આવ્યો છે.આ સહિતના અન્ય વિસ્તારોમાં પણ કેટલાક ભાગો કાચા હોવાથી ચોમાસામાં કાદવ-કીચડનું નિર્માણ થાય છે.

જમાલી મસ્જીદ તથા આસપાસના કેટલાક અંતરીયાળ રહેણાંંક વિસ્તારોમાં ભૂર્ગભ ગટર લાઇન બનાવવામાં આવેલી છે. પરંતુ હજુયે કેટલાય ઘરોમા ગટર લાઈન બન્યા પછી જોઈન્ટ મારવામાં આવ્યા નથી. કારણ કે, પહેલેથી જ આ ગટર લાઈન કચરા થી ચોકઅપ થયેલી છે. અને તેને પૂન: જોડાણ પ્રક્રિયા હાથ ધરવામાં આવે તો સોના કરતાંં ધડામણ મોંધી ઘાટ સર્જાનાર હોવાથી પાલિકા કામગીરી કરવા તૈયાર નથી.જેનાથી લોકો અસુવિધાનો સામનો કરી રહ્યા છે.

વોર્ડ નં.૯માં ગટર લાઈનની સાફ-સફાઈ બાદ મહત્વનો પ્રશ્ર્ન સ્ટ્રીટ લાઈટ છે. છાશવારે આ વિસ્તારમાં સ્ટ્રીટ લાઈટો બંધ હાલતમાં રહે છે. સ્ટ્રીટ લાઈટ બંધ રહેવાના કારણે રાત્રિ દરમ્યાન અંધારપટ સર્જાતા આ વિસ્તારમાં રહેતા વેપારીઓ તથા લોકોને પસાર થવામાં મુશ્કેલી વેઠવી પડી રહી છે. ફરિયાદ નોંધાવા છતાંં સ્ટ્રીટ લાઈટની સુવિધા મળતી નથી.

વ્હોરવાડની ટાંકી માંથી આસપાસના આશરે ૧૦હજાર વસ્તીને રોજીંદા પીવાનું પાણી પુરૂ પાડવામાં આવે છે. પરંતુ વર્ષો પૂર્વે બનાવેલ આ ટાંકીના ટોચ ઉપર સિમેન્ટ સામગ્રી તૂટફુટ થઈને જર્જરીત હાલતમાં ભાસે છે. તેવા સમયે રીપેર કરવું અનિવાર્ય છે.અહીં ક્ધટેનર પણ નિયમિત ઉઠાવવામાં નહી આવતા ગંદકીના ઢગલા બારેમાસ જોવા મળે છે.

વોર્ડ નંબર-૯ના ઉમેદવારો

  • તાહેરાબાનું શોખેબ મોલવી – AIMIM
  • મોહમદ જાબીર તૈયબ રસીદભાઈ – AIMIM
  • હસનેન જકીઉદ્દીન પ્રેસવાલા – આપ પાર્ટી
  • અબ્દુલ રઉફ એહમદ સાયમન – અપક્ષ
  • અબ્બાસ સફાકત હુસેન ગુલામ હુસેનવાલા – અપક્ષ
  • ર્ડા. અસગરભાઈ હકીમુદ્દીન વાધજીપુરવાલા – અપક્ષ
  • અહેમદ સઈદ ઐયુબ સદામસ – અપક્ષ
  • ઈદરીશ ઈસ્માઈલ દરગાહી (પ્લમ્બર) – અપક્ષ
  • ઉસ્માનગની અબ્દુલ્લા દુલ્લી – અપક્ષ
  • નીસરીબેન હાતીમ વાધજીપુરવાલા – અપક્ષ
  • નુરદીન અબાજર પેટન્ટ – અપક્ષ
  • ફાતેમા ઉનેદ પાધડીવાલા – અપક્ષ
  • ફોઝીયા હોજેફા ખરખરીવાલા – અપક્ષ
  • મુસ્તનસીર હમજાભાઈ મહેમદાવાદવાલા – અપક્ષ
  • મોઈઝ શબ્બીર ફટાકડાવાલા – અપક્ષ
  • મોહમદ અકરમ અબ્દુલ રહીમ પટેલ – અપક્ષ
  • રોશન અબ્બાસભાઈ વાવડીવાલા – અપક્ષ
  • શાહનુમા ઈકબાલ કાલુ – અપક્ષ
  • સોફીયા અનવર જમાલ – અપક્ષ
  • અબીબ અબ્બાસભાઈ રાહી – અપક્ષ

મતદારોના સમીકરણ….
પુરૂષ :- ૫૨૬૪, સ્ત્રી : – ૫૨૮૩, કુલ :- ૧૦૫૪૭.