લોકપ્રશ્ર્નોને જાણવાના વિનમ્ર પ્રયાસ સાથે બિનરાજકીય નિષ્પક્ષપણે રજુ કરતી શ્રેણીના ભાગરૂપ ગોધરા પાલિકાના વોર્ડ નં.૭ની મુલાકત લેતાં લોકોએ પોતાની લાગણી વ્યકત કરી હતી. આ વોર્ડમાં રગડીયા પ્લોટ, મેંદા પ્લોટ, સીંગ્નલ ફળીયા, બીલાલ મસ્જીદ, ઈમરાન મસ્જીદ વિસ્તાર તથા ગરનાળા સહિત ભામૈયા ચોકડી સુધીનો વિસ્તાર સમાવેશ પામે છે. અગાઉ થયેલા વિકાસના કામો બાદ લોકો હજુયે પાણીની સુવિધારૂપ જુદો જુદો વિકાસ ઝંખી રહ્યા છે.
સિગ્નલ ફળીયા સ્થિત ગરનાળા વિસ્તાર છે. આ અંડર ગ્રાઉન્ડ રેલ્વે ગરનાળા મંાથી રાત-દિવસ મોટા વાહનો સાથે લોકોને અમદાવાદ તરફ આવન જાવન રહે છે. પરંતુ આ નિચાણવાળું ગરનાળું હોવાના કારણે દર ચોમાસામાં વરસાદી પાણીના ભરાવાના કારણે પાંચ-પાંચ ફુટ સુધી ઊંચાઈ જળવાઈ રહે છે. આસપાસના પાણીના નિકાલ માટે કોઈ વ્યવસ્થા કરવામાં આવેલી નથી. આમ, દિવસોમાંં લીમ્બા તળાવનું ઝમણ તથા રેલ્વે વિસ્તાર માંથી વપરાશનું ગંદુ પાણી અહીં આવીને આ અંડર ગ્રાઉન્ડમાં ઠલવાય છે. જેથી રોજીંદા પસાર થતા લોકોને ભારે તકલીફ પડે છે. ચોમાસાની માફક ભરાતા પાણી માંથી પસાર થતા દ્વિચક્રી વાહનોના સાયલેન્સરમાં પાણી ભરાતા વાહનો બંધ થઈને તેઓને દોરીને લઈ જવા પડે છે. રેલ્વે દ્વારા સમારકામ કરવામાં મંજુરી પાલિકાને આપતું નથી કે રેલ્વે તંત્ર પણ સ્વયં કામ કરતું નથી.
કાલાભાઈ પેટ્રોલ પંપ થી ભામૈયા ચોકડી તરફ જતા સિગ્નલ ફળીયાના રસ્તાને વર્ષો પૂર્વે આસપાસના દબાણો દુર કરીને બન્ને બાજુએ રસ્તા બનાવીને ડીવાઈડર મૂકીને ટ્રાફિક હલ કરવાનો પ્રયત્ન કર્યો છે. પરંતુ જમણી બાજુનો રસ્તો પાકો બનાવવામાં આવેલો છે. જયારે ડાબી તરફનો રસ્તો અધુરો અને કાચો છે. આ કામગીરી શરૂ કરવાના ભાગરૂપ ખોદી કઢાયેલો રસ્તો આજદિન સુધી બનાવવામા નહીં આવતાં છેલ્લા ૩-૪ વર્ષથી લોકો દ્વારા ટેમ્પા, ટ્રક, રીક્ષા જેવા અન્ય સાધનો પાર્કિંગ કરીને રસ્તો બંધ કરી દેવામાં આવ્યો છે. આ ખોદાયેલા રસ્તાને નવ નિર્માણ નહીં કરાતા જાહેર રસ્તો જાણે પ્રાઈવેટ બની ગયો છે. અને લોકોને જવામાં ઉપયોગી બનેલો ન હોવાથી એકમાત્ર જમણી બાજુનો રસ્તો કાર્યરત છે. આ જમણી બાજુના રસ્તા ઉપરથી આવન જવન થતાં ટ્રાફિક જામ રહે છે. આથી આ રસ્તો વહેલી તકે બનાવવામાં આવે તેવી માંગ છે.
વોર્ડ નં.૭માં આવેલ મેંદા પ્લોટ, રગડીયા પ્લોટ સહિતના વિસ્તારોમાં આવેલ ભૂર્ગભ ગટર યોજનાનો ઉપયોગ વ્યવસ્થીતપણે થતો નથી. આ રહેણાંક વિસ્તારોના આંતરિક ભાગોમાં ખેંચવામાં આવેલી લાઈન ઊંચા-નીચી છે. લેવલ નહીં જાળવવાના કારણે અહીં ગટરનું પાણી સડસડાટ પસાર થતું નથી. અને એક તરફ જ પાણી વહે છે. જેથી ઉભરાતી ગટરથી લોકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. આ વિસ્તારની નીકો પણ નિયમિતપણે સાફ-સફાઈ નહીં થતાં કચરાંથી ઉભરાઈ રહેવાની સાથે અસહ્ય દુર્ગંધ પ્રસરાતા લોકોને અચૂક મોં ઢાંકવા પડે છે.
ઝકરીયા સ્કુલ અને મૌલાના આઝાદ શાળાની આસપાસ આવેલો વિસ્તાર વોર્ડ નં.૭નો છેવાડાનો છે. અહીં પાલિકા દ્વારા પીવાના પાણીની લાઈન પસાર કરી છે. પરંતુ કેટલાક ઘરોમાં નળ કનેકશન અપાયા નથી. ઘરની બહાર માત્ર નળ કનેકશનના પાઈપો ગોઠવાયેલી છે. અને જોડાણ અપાયું નથી. આશરે ૩૦૦ ઉપરાંત ઘરોમાં આવતા પાણી પાઈપ લાઈન સાથે ભૂર્ગભ ગટર યોજનાની લાઈન પસાર થતી હોવાથી પીવાના પાણીની પાઈપ લાઈનમાં આ ગંદકી ભેળતા પાણી દુષિત અને દુર્ગંધ યુકત આવતા લોકો પીવા માટે ઉપયોગ કરી શકતા નથી. અને નાછુટકે તેઓને બોરનો અને બજારમાંથી ખરીદી કરવી પડે છે.
બોકસ:- વોર્ડ નં.૭ના ઉમેદવારો….
- મો.ફેસલ અ.અઝીઝ સુજેલા – અઈંખઈંખ
- અશરફઅલી ખાલીદ ચાંદા – અપક્ષ
- અશરફ હુસેન ચાંદા – અપક્ષ
- આમીર મો.હનિફ ભગત – અપક્ષ
- ઈમરાન ઈસ્માઈલ જમાલ હાજી – અપક્ષ
- જાવેદ હુસેન વલીવાંક – અપક્ષ
- ઝુલેખા હુસેન રહેમત – અપક્ષ
- તાહેરાબાનુ શોએબ મોલવી (મેડમ માયા) – અપક્ષ
- ફેમીદા જાવેદ વલીવાંક – અપક્ષ
- ફેંસલ એહમંદ મેંંદા – અપક્ષ
- શોકત હુસેન ભગત – અપક્ષ
- સબા ઈમરાન ભાણા – અપક્ષ
- સલમાન મોહમંદ સમોલ – અપક્ષ
- સિદ્દીક અબ્દુલહક સમોલ – અપક્ષ
- સિદ્દીક મોહમંદ સાહેબખા (ડેની) – અપક્ષ
વોર્ડ નં. ૭ મતદારોની સંખ્યા…
પુરૂષ :- ૪૧૦૩, સ્ત્રી :- ૩૮૨૮, કુલ :- ૭૯૩૧.