સુરક્ષિત બેંકિંગ સેવાઓ, ફરિયાદ નિવારણ પ્રણાલી અને સમાધાન બાબતે લોકોને કરવામાં આવશે જાગૃત. ગોધરા, રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા, ગુજરાતની બેંકિંગ લોકપાલ ઓફિસના નેજા હેઠળ, બેંક ઓફ બરોડા પંચમહાલ વિસ્તારમાં નવેમ્બર મહિનામાં ગ્રાહક જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરશે. આ કાર્યક્રમનો મૂળ ઉદ્દેશ ગ્રાહકોને આંતરિક અને બાહ્ય ફરિયાદ નિવારણ પ્રણાલી કમ સુરક્ષિત બેંકિંગ વિશે જાગૃત કરવાનો છે. આ પ્રસંગે ગુજરાતના તમામ જિલ્લાઓમાં તાલુકા કક્ષાએ બેંકો અને અન્ય નાણાકીય સંસ્થાઓ દ્વારા વિવિધ જાગૃતિ કાર્યક્રમો યોજવામાં આવશે. પંચમહાલ જિલ્લામાં પણ જાગૃતિના ભાગરૂપે વિવિધ કાર્યક્રમ હાથ ધરાશે જેમાં 2 નવેમ્બરના રોજ ફેડરેશન હોલ ગોધરા ખાતે, 3 નવેમ્બરના રોજ નગરપાલિકા હોલ કાલોલ ખાતે, 4 નવેમ્બરના રોજ નગરપાલિકા હોલ હાલોલ ખાતે, 5 નવેમ્બરના રોજ એપીએમસી માર્કેટ ઘોઘંબા ખાતે, 7 નવેમ્બરના રોજ ગાંધી હોલ જાંબુઘોડા ખાતે, 8 નવેમ્બરના રોજ નગરપાલિકા ભવન શહેરા ખાતે, 9 નવેમ્બરના રોજ જે. આર ભાટીયા હાઈસ્કુલ સંતરોડ ખાતે સવારે 11 થી 12 ના સમયગાળામાં આ કાર્યક્રમ યોજાશે. આ કાર્યક્રમ એન સારા રાજેન્દ્ર કુમાર, ચીફ જનરલ મેનેજર અને બેંકિંગ લોકપાલ રાજેશ કુમાર સિંઘ, સર્કલ હેડ અને જનરલ મેનેજરના માર્ગદર્શન હેઠળ યોજવામાં આવશે. આદિત્ય કુમાર કનોજિયા પ્રાદેશિક વડા અને મદદનીશ જનરલ મેનેજર આ વિસ્તારના કાર્યક્રમનું સંચાલન કરશે તેમ બેંક અધિકારી પંચમહાલ ગોધરાએ એક અખબારી યાદીમાં જણાવેલ છે.