પંચમહાલ પોલીસ અને ખાણ-ખનિજ વિભાગ એકશનમાં… કાલોલના ઘુસર ગામે ગોમા નદી માંથી રેતી ખનન રોકવા માટે પોલીસ ચોકી ઉભી કરાઈ : રેતી માફિયાઓમાં ફફડાટ

  • જીલ્લા કલેકટરની અધ્યક્ષતામાં પોલીસવડા એ રેઈડ કરી ૧૪ વાહનો ઝડપ્યા બાદ રેતી ખનન રોકવા વધુ કાર્યવાહી કરાઈ
  • વહીવટી તંત્ર અને પોલીસ તંત્ર એકશનમાં આવતાં ગોમા માંથી રેતી ખનન કરતાં ખનિજ માફિયાઓમાં ફફડાટ

ગોધરા,
કાલોલ તાલુકા માંથી પસાર થતી ગોમા નદીના પટ વિસ્તાર માંથી ચલાલી, કરોલ, ઘુસર જેવા ગામોમાંથી મોટા પ્રમાણમાં ખનિજ માફિયાઓ દ્વારા રેતીનું ગેરકાયદેસર ખનન કરવામાં આવતું હોય છે. ખાણ-ખનિજ વિભાગ દ્વારા અવારનવાર ગોમા નદી માંથી રેતી ખનનને રોકવા માટે રેઈડ કરતા હોય છે પરંતુ માફિયાઓને ખાણ-ખનિજ વિભાગની રેઈડ થાય તે પહેલા સર્તક થઈ જતાં હોય છે અને ખનિજ માફિયાઓ કે રેતીના વાહનો ઝડપાતા નથી. ત્યારે એક સપ્તાહ પૂર્વ જીલ્લા કલેકટરને રાહબરી હેઠળ જીલ્લા પોલીસવડાને ખાણ-ખનિજ વિભાગની ટીમ દ્વારા ઘુસર ગોમા નદીમ રેઈડ કરાઈ હતી અને ૧૪ વાહનો ઝડપી પાડવામાં આવ્યા હતા. તેમજ ૧૮ વ્યકિત સામે વેજલપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવામાં આવી હતી. ગોમા નદી માંથી રેતીનું ગેરકાયદેસર ખનન રોકવા માટે ચલાલી ગામો નદીમાં પોલીસ ચોકી ઉભી કરવામાં આવતાં ખનિજ માફિયાઓમાં ફફડાટ વ્યાપ્યો છે.

કાલોલ તાલુકામાં ખનિજ માફિયાઓ વહીવટી તંત્ર પોલીસ કે ખાણ-ખનિજ વિભાગનો કોઈપણ જાતનો ડર રાખ્યા વગર બેખોફ રીતે ગોમા નદીના પટ માંથી ગેરકાયદેસર રીતે રાત-દિવસ રેતીનું ખનન કરતા હતા. કાલોલના સુરેલી, કરોલી, ઘુસર જેવા ગામોમાં ખનિજ માફિયાઓના આતંક થી લોકો આવી ખનન પ્રવૃતિનો વિરોધ કરવાની હિંમત દર્શાવતું નથી. પરિણામે આવા ખનિજ માફિયાઓ બેખોફ બનીને રેતીનું ખનન પ્રવૃતિ ચલાવી રહ્યા છે. ખાણ-ખનિજ વિભાગ દ્વારા ગોમા નદીના પટ માંથી રેતી ચોરીને અટકાવવા માટે રેઈડ કરાતી હોય છે. પરંતુ ગોમા નદીના પટ માંથી ગેરકાયદેસર રેતી ખનન કરતાં ખનિજ માફિયાઓનંું નેટવર્ક ખૂબ ઉંચું છે. જેને લઈ ખાણ-ખનિજ વિભાગની ટીમ કયાં રેઈડ કરવાનંું છે. તેની અગાઉ થી જાણ થઈ જતી હોય છે. પરિણામે ખાણ-ખનિજ વિભાગની ટીમે રેઈડ કરે તે પહેલા વાહનો લઈને નાશી છુટતા હોય છે. ખાણ-ખનિજ વિભાગની ટીમ જો રેઈડમાં ગયેલ હોય ત્યારે ખનિજ માફિયાઓ દ્વારા હુમલાના બનાવો પણ બની ચુકયા છે. કાલોલ તાલુકાના ચલાલી, કરોલી, ઘુસર જેવા ગામોમાં રેતી ખનન કરતાં માફિયાઓને થોડા નાણાંની લાલચમાં બાતમી પણ મળી જતી હોય છે. જેને કારણે ખનિજ માફિયાઓ બેખોફ બનીને ગેરકાયદેસર રેતી ખનન કરત હોય છે.

કાલોલ તાલુકાના ઘુસર ગામે ગોમા નદીના પટ માંથી થતા ગેરકાયદેસર રેતી ખનનની માહિતીના આધારે પંચમહાલ જીલ્લા કલેકટરની અધ્યક્ષતામાં જીલ્લા પોલીસવડા અને ખાણ ખનિજ વિભાગ દ્વારા સંયુકત રેઈડ કરાઈ હતી. ઘુસર ગામે ગોમા નદીમાં રેઈડ પહેલા પોલસીવડા દ્વારા વેજલપુર પોલીસ સ્ટાફના મોબાઈલ મુકાવી દીધા હતા. જેને લઈ ખનિજ માફિયાઓ રેઈડ પહેલા સર્તક બની ન જાય આવી ચોકકસ તકેદારી સાથે સંયુકત રેઈડ કરતાં ૧૪ રેતી ભરેલ વાહનો ગોમા નદીના પટ માંથી ઝડપાઈ જવા પામ્યા હતા અને આ બાબતે ૧૮ ઈસમો વિ‚દ્ધ વેજલપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવા પામી હતી. જીલ્લા વહીવટી તંત્ર પોલીસ વિભાગ અને ખાણ-ખનિજ વિભાગની સંયુકત રેઈડ બાદ ખનિજ માફિયાઓમાં ડર ઉભો થયો હતો. તેમ છતાં છુપી રીતે રેતીનું ખનન ચાલુ રાખેલ હોય ત્યારે ગોમ નદી માંથી રેતી ખનન રોકવા તેમજ ખનિજ માફિયાઓને ઝડપી પાડવા માટે જીલ્લા વહીવટી તંત્ર દ્વારા ચલાલી ગોમા નદીના પટમાં પોલીસ ચોકી ઉભી કરવામાં આવી છે. આ પોલીસ ચોકીમાં સ્ટાફ સાથે ખાણ-ખનિજ વિભાગના ચાર થી પાંચ કર્મચારીઓ રાત-દિવસ ફરજ બજાવશે. આંમ, ગોમા નદી માંથી થતી રેતી ખનન પ્રવૃતિ ઉપર લગામ લગાવવા માટે તેમજ ખનિજ માફિયાઓને ઝડપી પાડવા વહીવટી તંત્ર સર્તક બનતા ખનિજ માફિયાઓમાં ફફડાટ જોવા મળ્યો છે. પોલીસ ચોકી ઉભી કરતાં હાલ રેતી ખનન કરતાં તત્વો નદીમાં ફરકતા બંધ થયા છે.