પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમ અંતર્ગત દેશના અનેક વિદ્યાર્થીઓ સાથે સંવાદ કર્યો હતો. ત્યારે પંચમહાલ જિલ્લાના વેજલપુર ખાતે આવેલી જવાહર નવોદય વિદ્યાલયમાં જિલ્લા કલેકટરની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ યોજાયો હતો. જે અંતર્ગત પંચમહાલ જિલ્લાની જવાહર નવોદય વિદ્યાલયની વિદ્યાર્થીનીએ પણ પ્રધાનમંત્રી સાથે સંવાદ સાધીને પરીક્ષાના માહોલમાં ઊભા થતા દબાણ અંગે પીએમને પ્રશ્ન કર્યો હતો, જેનું પ્રધાનમંત્રીએ સરળ ભાષામાં નિરાકરણ આપ્યું હતું.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દિલ્હીના પ્રગતિ મેદાનમાં પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમમાં 7મી વખત બાળકો સાથે સંવાદ કર્યો. આ કાર્યક્રમમાં પ્રધાનમંત્રી સાથે લગભગ 3000 વિદ્યાર્થીઓએ ભાગ લીધો. દેશના તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાંથી 2 વિદ્યાર્થીઓ અને એક શિક્ષક આ ઈવેન્ટમાં ઓનલાઈન જોડાયા હતા. આ ઉપરાંત દેશની 100 એકલવ્ય મોડલ રેસિડેન્શિયલ સ્કૂલ (EMRS) ના બાળકોએ પણ આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો.