- કાલોલ, જાંબુધોડા અને ધોધંબામાં સવારે કમોસમી વરસાદ પડયો.
ગોધરા,
પંચમહાલ જીલ્લાના હવામાનમાં પલ્ટો આવ્યો છે. વહેલી સવાર જીલ્લાના કાલોલ, ધોધંબા અને જાંંબુધોડામાં કમોસમી વરસાદ પડયો હતો. જ્યારે ગોધરા શહેર અને આસપાસના વિસ્તારમાં મોડી સાંજે ભારે પવન ફુકાયો હતો અને કરા સાથે કમોસમી વરસાદ પડયો.
રાજ્ય હવામાન વિભાગ દ્વારા પાંચ દિવસ સુધી રાજ્યના પંચમહાલ, દાહોદ સહિતના વિસ્તારોમાં વાતાવરણમાં પલ્ટા સાથે કમોસમી વરસાદની આગાહી કરાઈ હતી. તે મુજબ આજરોજ પંચમહાલ જીલ્લાના કાલોલ, ધોધંબા અને જાંબુધોડામાં સવારે કમોસમી વરસાદ પડયો હતો. જ્યારે ગોધરા સહિતના વિસ્તારમાં મોડી સાંજે અચાનક વાતાવરણ વાદળછાયું બન્યું હતું અને ભારે પવન અને કડાકા ધડાકા સાથે બરફના કરા સાથેનો કમોસમી વરસાદ પડયો હતો. ગોધરામાં બરફના કરા સાથે વરસાદ પડતા લોકોમાં કુતુહલ સર્જાયું હતું. હાલ જીલ્લામાં રવિ સીજનના પાકો ધઉં, તુવેર, ચણા, મકાઈ જેવા પાકો તૈયાર થયેલ હોય તેવા સમયે કમોસમી વરસાદ પડતાં ખેતરોમાં ઉભા પાકોને ભારે નુકશાન થવાથી ખેડુતો ચિંતીત બન્યા છે. ખેડુતો કારમી મોંધવારીમાં ઉંચા ભાવના ખાતર બિયારણોથી પાકની માવજત કરીને સારું ઉત્પાદન મળે તેવી આશા રાખી રહ્યા હોય તેવામાં કુદરતી રીતે વાતાવરણમાં પલ્ટા સાથે માવઠું પડતાં ખેડુતોને રડવાનો વારો આવ્યો છે.