
- હાલોલ, કાલોલ, ગોધરા તેમજ ખાનગી કંપનીના ફાયર ફાઇટરો ઘટનાસ્થળે
- કંપની અને આજુબાજુના વિસ્તારોમાં અફરાતરફીનો માહોલ સર્જાયો
- ઇજાગ્રસ્તોને હાલોલની ખાનગી અને રેફરલ હોસ્પિટલમાં લવાઈ રહ્યા છે
પંચમહાલ જિલ્લાના ઘોઘંબા તાલુકાના રણજિતનગર ખાતે રેફરન ગેસ બનાવતી ગુજરાત ફ્લોરો કેમિકલ કંપની (GFL) કંપનીમાં બ્લાસ્ટ થતાં આગ ફાટી નીકળી હતી. આ ઘટનામાં 2 કામદારોના મોત થયા છે અને જાનહાનિ હજી વધી શકે છે. આગની ઘટનામાં અનેક કામદારો ઇજાગ્રસ્ત થયા છે. ઘટનાની જાણ થતાં હાલોલ, કાલોલ, ગોધરા તેમજ ખાનગી કંપનીના ફાયર ફાઇટરોએ ઘટનાસ્થળે પહોંચીને આગ પર કાબૂ મેળવવાના પ્રયાસ હાથ ધર્યા છે.
પંચમહાલ જિલ્લાના રણજીતનગરમાં એક ફેક્ટરીમાં થયેલા બ્લાસ્ટ અને આગની દુર્ધટનાને પગલે બે કામદારોના મૃત્યુ થયા છે તેમને અને જે કામદારોને ઇજા પહોંચી છે અને ઘાયલ થયા છે તેમને તાત્કાલિક હોસ્પિટલમાં પહોંચાડી યોગ્ય કાર્યવાહી કરવા અને સારવારનો પ્રબંધ કરવા અને આ દુર્ધટનામાં બચાવ-રાહત કામગીરી યુદ્ધના ધોરણે હાથ ધરવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પંચમહાલ જિલ્લા કલેક્ટર સાથે ટેલીફોનિક વાતચીત કરીને સૂચના આપી છે.

બ્લાસ્ટના ધડાકા 5 કિમી દૂર સુધી સંભળાયા
રણજીતનગરની કંપનીમાં થયેલા બ્લાસ્ટના ધડાકા 10 કિમી દૂર સુધી સંભળાયા હતા. 5 કિ.મી. સુધીના વિસ્તારમાં વાહન-વ્યવહાર અને સામાન્ય લોકોની અવર-જવર બંધ કરી દેવાઈ છે. સેફ્ટી કીટ પહેરીને ટીમો કંપનીની અંદર પ્રવેશી છે અને તપાસ હાથ ધરવામાં આવી છે.
રિપોર્ટર : યોગેશ કનોજીયા