ગોધરા,સરકારની લોક કલ્યાણકારી યોજનાઓનો લાભ દેશના પ્રત્યેક ગામના નાગરિકો સુધી પહોંચે તે હેતુથી શરૂ થયેલ વિકસિત ભારત સંકલ્પ યાત્રા રથનું આજે કપડવંજ તાલુકાના વડોલ ગામે ઉમળકાભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. પંચમહાલ સાંસદ રતનસિંહ રાઠોડ, કપડવંજ ધારાસભ્ય રાજેશ ઝાલા અને બાલાસિનોર ધારાસભ્ય માનસિંહ ચૌહાણની મુખ્ય ઉપસ્થિતિમાં વડોલ પ્રાથમિક શાળા ખાતે વિકસિત ભારત સંકલ્પ યાત્રા અતંર્ગત કાર્યક્રમ ઉજવવામાં આવ્યો હતો. જેમા ઉપસ્થિત તમામ મહાનુભાવો દ્વારા સરકારની કલ્યાણકારી યોજનાઓનો લાભ લઈ વિકાસની પક્રિયામાં સહભાગીદાર બનવા એકસૂરમાં અપીલ કરવામાં આવી હતી.
આ પ્રસંગે પંચમહાલ ધારાસભ્ય રતનસિંહ રાઠોડે કેન્દ્ર અને રાજ્ય સરકારની યોજના વિશે વાત કરી ઉપસ્થિત તમામ અધિકારીઓ અને પદાધિકારીઓને સરકારની યોજનાઓનો લાભ છેવાડાના માણસને મળે તે માટે જરૂરી કામગીરી કરવા અપીલ કરી હતી. તેમણે સરકાર દ્વારા પ્રાથમિક શિક્ષણ, સ્વાસ્થય અને મહિલા સશક્તિકરણની કામગીરીને બિરદાવી હતી અને લોકોના જીવનધોરણ સુદૃઢ બનાવવા માટે બાકી રહેલ કાર્યોને ટુંક સમયમાં પૂર્ણ કરવા ખાતરી આપી હતી. કપડવંજ ધારાસભ્ય રાજેશ ઝાલા અને બાલાસિનોર ધારાસભ્ય માનસિંહ ચૌહાણ દ્વારા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના 2047 સુધીમાં વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવા સહિયારો પ્રયાસ કરવા અપીલ કરવામાં આવી હતી.
વિકસિત ભારત સંકલ્પ યાત્રા અંતર્ગત પ્રધાનમંત્રી આવાસ યોજના, પ્રધાનમંત્રી ઉજ્જવલ્લા યોજના, આયુષ્યમાન કાર્ડ અને પોષણ યોજના અંતર્ગત સહાય રકમના ચેક, ગેસ કીટ, પોષણ કીટ વગેરે લાભનું વિતરણ કરવામાં આવ્યું હતું. ઉપરાંત મેરી કહાની મેરી જુબાની થકી આયુષ્માન કાર્ડ, સખીમંડળ અને પ્રાકૃતિક કૃષિ યોજનાના લાભાર્થીઓએ પોતાને મળેલ યોજનાકીય લાભની વાત કરી અન્ય લોકોને સરકારની યોજનાઓનો લાભ લેવા અપીલ કરી હતી. વધુમાં, દૂધ મંડળીમાં ઉત્કૃષ્ઠ કામગીરી બદલ ગામના સફળ મહિલા તરીકે કેલાશબેન વાઘેલાનું શાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું.
આ કાર્યક્રમમાં સંકલિત બાળ વિકાસ યોજના, આરોગ્ય વિભાગ, મહિલા અને બાળ વિકાસ યોજના, જલ જીવન મિશન, મનરેગા, પીએમ આવાસ, આયુષ્યમાન ભારત, પીએમજેવાય-મા યોજના અને ખેતીવાડી વિભાગ દ્વારા યોજનાકીય માહિતિ આપતા સ્ટોલ લગાવવામાં આવ્યા હતા. જેનો લોકોએ મોટી સંખ્યામાં લાભ લીધો હતો. મહાનુભાવો દ્વારા આ સ્ટોલની મુલાકાત લઈ જરૂરી માર્ગદર્શન અને પ્રોત્સાહન આપવામાં આવ્યું હતું.
વડોલ પ્રા.શાળાના બાળકો દ્વારા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો કરીને લોકોને પ્રાકૃતિક ખેતી માટેનો સંદેશો આપવામાં આવ્યો હતો. તથા વિકસિત ભારત સંકલ્પ યાત્રા અંતર્ગત વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો વિકાસ માટેનો સંદેશ સાંભળવામાં આવ્યો હતો. સાથે સાથે કાર્યક્રમમાં ઉપસ્થિત તમામ લોકો દ્વારા ભારતને 2047 સુધી આત્મનિર્ભર અને વિકસિત રાષ્ટ્ર બનાવવાનો સંકલ્પ માટે શપથ લેવામાં આવી હતી.
આ કાર્યક્રમમાં કપડવંજ ધારાસભ્ય રાજેશ ઝાલા, બાલાસિનોર ધારાસભ્ય માનસિંહ ચૌહાણ, નાયબ જીલ્લા વિકાસ અધિકારી મકવાણા, કપડવંજ તાલુકા વિકાસ અધિકારી, કપડવંજ મામલતદાર, કપડવંજ પોલીસ સબ ઇન્સ્પેકટર સહિત અન્ય આગેવાનો, મહાનુભાવો, વડોલ સરપંચ, તલાટી મંત્રી, પ્રાથમિક શાળાના શિક્ષકો, બાળકો અને ગ્રામજનો હાજર રહ્યા હતા.