
ગોધરા, લોકોમાં મિલેટ ધાન્ય પાકો અંગે જાગૃતિ વધે અને રોજીંદા જીવનમાં વપરાશ થાય તે હેતુથી સંયુક્ત રાષ્ટ્ર દ્વારા વર્ષ 2023ને આંતરરાષ્ટ્રિય મિલેટ વર્ષ તરીકે ઘોષિત કરવામાં આવ્યું છે.
પંચમહાલ જીલ્લામાં મિલેટ ધાન્ય પાકો અંગે ખેડૂતો અને લોકોમાં જન જાગૃતિ ફેલાય તથા લોકો પ્રાકૃતિક કૃષિ તરફ વળે તે માટે જીલ્લા ખેતીવાડી કચેરીના ઉપક્રમે પંચમહાલના તાલુકાઓમાં તાલુકા કક્ષાના કૃષિ મેળાઓનું આયોજન થઈ રહ્યું છે.
જીલ્લાના જાંબુઘોડા ખાતે મિલેટ ડેવલોપમેન્ટ યોજના હેઠળ હાલોલ ધારાસભ્ય જયદ્રથસિંહ પરમારના અધ્યક્ષસ્થાને તાલુકા કક્ષાના કૃષિ મેળાનું આયોજન કરાયું હતું.આ પ્રસંગે ઉપસ્થિત ખેડૂતોને રિસર્ચ વૈજ્ઞાનિક દ્વારા પ્રાકૃતિક અને અદ્યતન કૃષિ કરવા અંગે જાણકારી આપવામાં આવી હતી.
મિલેટ ધાન્ય પાકો વિવિધ મિનરલથી ભરપૂર હોય છે. જે શરીરમાં ઘણા પોષક તત્વો પૂરા પાડે છે, તેમજ રોગ પ્રતિકારક શક્તિ વધારવામાં મદદરૂપ થાય છે. આજના સમયમાં ખોરાકમાંથી મિલેટ ધાન્ય પાકો લુપ્ત થતાં જાય છે. જેથી તેનો રોજીંદા જીવનમાં વ્યાપ વધારવા સરકાર તરફથી જન જાગૃતિ વધારવા માટે અભિયાન ચલાવવામાં આવે છે જે હેઠળ આ કૃષિ મેળાનું આયોજન કરાયું હતું.
કૃષિ મેળામાં હાલોલ ધારાસભ્ય જયદ્રથસિંહ પરમાર, તાલુકા પંચાયત પ્રમુખ અને ઉપપ્રમુખ, જીલ્લા અને તાલુકા પંચાયતના સદસ્યઓ, સરપંચ, ખેતીવાડી શાખાના અધિકારીઓ અને કર્મચારીઓ સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.