- ગોધરા તથા કાલોલ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં આ હાઈવે ઉંચાઈ પર જતાં પહેલા વરસાદે ઠેરઠેર નીચા બનેલા – – ખેતરો જળબંબાકાર ખેડૂતો માટે માથાનો દુ:ખાવો બન્યો.
- રોડની આસપાસ કાચી માટેના કારણે કાદવ-કીચડનુંં નિર્માણ.
- ખેતરોમાંથી પાણીના નિકાલના અભાવે ખેતી કામ માટે પ્રવેશવું ખેડુતો માટે મુશ્કેલ રૂપ.
- કાલોલ તાલુકાના બાકરોલ ગામના ખેડૂતો છતાં ખેતરે ખેતી વિહોણા બન્યા.
- કાચા રસ્તાઓ પર ઠેરઠેર વરસાદી પાણી ભરાતાં ઠેરઠેર કાદવ કીચડમાં ગરકાવ થઈ ગયા છે.
ગોધરા, દિલ્હી-મુંબઈ ગ્રીન કોરિડોર ક્યાંક દેશની પ્રગતિમાં સીમાચિહ્ન રૂપ બનવાની અપેક્ષાઓ સેવાઇ રહી છે, તો બીજી તરફ આ જ રોડ પંચમહાલના કાલોલ, ગોધરા તાલુકાના વિવિધ ગામોમાંથી પસાર થવાના કારણે જેની ઉંચાઈ ઊંચી થતાં આસપાસના નીચાણમાં ગયેલ ખેતરોમાં વરસાદના કારણે મીની તળાવો રચાતા ખેતી માટે નુકશાનરૂપ સાબિત થતાં લાભના બદલે ખેડૂતો માટે અભિશાપરૂપ બન્યો છે. બાકરોલ ગામની સીમમાં જવાના રસ્તે નેશનલ કોરિડોરના ગરનાળામાં પાણી ભરાતાં ખેડૂતો ખેતી અને ખેતર વિહોણા બન્યા હોવાનું અને વરસાદી ખેતી કરવા માટે જવાનો રસ્તો ન હોવાના કારણે હાલ ખેતર વાવણી નહિ કરી હોવાથી ખેડૂતો ચિંતિત બન્યા છે. આમ, ઠેરઠેર ખેડુતો માટે ધર્મ કરતાં ધાડ પડી જેવો ધાટ ધડાતા રોષની લાગણી વ્યાપી છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સ્વપ્નશીલ યોજના એવી નેશનલ કોરીડોર હાઈવે નિર્માણ કરવામાં આવી રહ્યો છે. જેના ભાગરૂપ મુુંબઈ થી દિલ્હી જતો હાઈવે પણ પંચમહાલ જીલ્લા માંથી પસાર થઈ રહ્યો છે.જેની કામગીરી ગોધરા, કાલોલ તાલુકામાં કામગીરી હાથ ધરાઈ રહી છે. જે આવકારરૂપ છે, પરંતુ એક વર્ષ બાદ પ્રથમ ચોમાસામાં જ આ નિર્માણ થયેલા નેશનલ હાઈવેના કારણે ખેડુતોને માથે હાથ દઈને રોવાનો વારો આવ્યો છે. વિભકત કુુટુંબ સાથે ટુંકી જમીન ધરાવતા ખેડુતોએ રાષ્ટ્રના વિકાસ માટે મહામૂલી આવકના સાધન ગણાતી ખેતીલાયક જમીન સંપાદન માટે અપાઈ હતી. તેના બદલામાંં વળતર બજારની કિંમતે ધણું ઓછું મેળવેલ છે. જેને લઈને પહેલેથી જ નારાજગી છે. જોકે, હવે ખેડુતોને આ કોરીડોર હાઈવે ઉંચાઈ પર નિર્માણ પર થયો છે. પરિણામે આસપાસના નજીવ દરે ખેતરોમાંથી મોંધીદાટ અને ફળદ્રુપ માટીનો ઉપયોગ કરીને ખેતરોને ઉંંડા કરી દેવામાં આવેલા છે. ત્યારે હાલમાંં, વરસાદના આગમન સાથે આ હાઈવેની આસપાસના ખેતરોમાં નવા પાણીની આવક થવાની સામે રોડની ઉંચાઈ આવતાં હવે પાણીના નિકાલ માટેનો કોઈ આધાર કે વ્યવસ્થા ન હોવાના કારણે છેલ્લા કેટલાક દિવસોથી મીની તળાવો રચાયા છે. ઠેરઠેર ખેતીલાયક ખેતરોનું અસ્તિત્વ નામશેષ થઈને પાણી…પાણી જ નજરે પડી રહ્યું છે. પાણીના નિકાલના અભાવે ખેડુતોને ખેતી કયાં કરવી તેવો મોટો પ્રશ્ર્નાર્થ સર્જાયો છે. હાલમાં મીની તળાવો રૂપ ખેતરોમાં ખેતીકામ માટે પ્રવેશ કરવો અને ખેતીકામ કરવું વિકટ બન્યો છે. આસપાસના ખેતરોમાં કે અન્યત્ર પાણીના નિકાલના વ્યવસ્થા માટે ખેડુતોને ખેતી કરવા માટે હવે પેટ્રોલ-ડીઝલ જેવા ઈંધણોનો ઉપયોગ કરીને ટેન્કર મારફતે નજીકના ગામ તળાવોમાં ઠાલવવાનો વારો આવ્યો છે. જેના કારણે સોના કરતાં ધડામણ મોંધી તેવી સ્થિતી સર્જાઈ છે. મોદી સરકાર ખેડુતોની હમદર્દ હોવાની સુફીયાણા વાતો કરવામાં આવે છે. ત્યારે બીજી બાજુ વિકાસના ઓથા હેઠળ ખેડુતોને વ્યાપક નુકશાન કરાઈ રહી હોવાની બુમો ઉઠી છે. પહેલા ચોમાસામાંં આવી ચિંતાજનક સ્થિતીનું નિર્માણ થવા પામ્યું છે. તેવી રીતે આગામી હરસાલ સ્થિતી રહવાના અનુમાનો વચ્ચે ખેતી અંગે પાક નુકશાની આપવાની ખેડુતો માંંગ પણ કરી રહ્યા છે.
જેવી રીતે કાલોલ તાલુકાના બાકરોલ ગામની સીમાડેથી પસાર થતા દિલ્હી-મુંબઈ નેશનલ કોરિડોર હાઈવેના નીચાણવાળા ગરનાળામાં વરસાદી પાણી ભરાતાં ખેડૂતોના ખેતરો વિખુટા પડ્યા હોવાનું જણાવી રહ્યા છે. ખેતીમાં અવર જવર કરવા માટે ખેડૂતોને ભારે હાલાકી ભોગવી પડી રહી હોવાનું ખેડૂતો જણાવી રહ્યા છે, તેમજ ગરનાળામાં વરસાદી પાણી ભરાયું છે. જેના કારણે ખેતરોમાં રહેતા ખેડૂતોના છોકરાઓ સ્કૂલે જઇ શકતા ન હોવાનું જણાવી રહ્યા છે. નેશનલ કોરિડોર નિર્માણ કરતા કોન્ટ્રાકટર દ્વારા ગરનાળા બનાવીને ગરનાળાને જોડતા રસ્તા પર ફકત કાચાકામની એકલી માટીના રસ્તાઓ બનાવીને હાઈવે નિર્માણમાં વ્યસ્ત બની જતા હવે ગરનાળામાં વરસાદી પાણી સાત ફૂટ પાણી સુધી ભરાયાં છે. જ્યારે માટીના રસ્તાઓ કાદવ કીચડથી ગરકાવ થઈ જતાં ખેડૂતોને સીમમાં આવવું જવું મુશ્કેલ બની જતા સીમમાં આવેલા ખેતરોમાં ખેતી કરવા જવું આવવું મુશ્કેલ બની જતા ખેડૂતોએ જવાબદાર તંત્ર વિરૂદ્ધ ભારે આક્રોશ વ્યક્ત કર્યો છે.
ખેડૂતોને અંધારામાં રખાયા…..
કાલોલ તાલુકા વિસ્તાર માંથી પસાર થતા દિલ્હી-મુંબઈ નેશનલ કોરિડોર હાઈવેના નિર્માણ સમયથી અનેક ગામડાઓની સમસ્યા વકરતી જાય છે. હાઈવે નિર્માણ માટે જે ખેડૂતોની જમીન સંપાદનમાં કરવામાં આવી છે. એ જ ખેડૂતોને અંધારામાં રાખીને આડેધડ રોડની ઉંચાઈ વધારીને બન્ને તરફ પાણીના નિકાલ બંધ કરી દેવામાં આવતાં હવે હાલાકીઓ ભોગવવાના દિવસો દેખાયા છે.
મરજી મુજબના ગરનાળા ….
હાઈવે નિર્માણ કરતા કોન્ટ્રાકટર અને દેખરેખ રાખતા જવાબદાર તંત્રની લાપરવાહીને કારણે નેશનલ કોરિડોર નિર્માણ કરતા કોન્ટ્રાકટર દ્વારા તેમની મરજી મુજબના ગરનાળા અને ગરનાળાને જોડતા રસ્તાઓ માત્ર માટી કામ પૂરતા છોડીને હાઈવે નિર્માણમાં વ્યસ્ત બની જતા હવે ચોમાસું સિઝનમાં સામાન્ય વરસાદને પગલે ગરનાળામાં વરસાદી પાણી સાત ફૂટ પાણી સુધી ભરાયાં છે. જ્યારે માટીના રસ્તાઓ કાદવ કીચડથી ગરકાવ થઈ જતાં ખેડૂતોને સીમના ખેતરોમાં આવવું જવું મુશ્કેલ બની જવા પામ્યું છે.
અંદાજીત 800 એકર જમીન ખેતી વિહોણી બન્યાની દહેશત….
અસરગ્રસ્ત એવા બાકરોલ ગામના ખેડૂતોના જણાવ્યા અનુસાર હાઈવે ગરનાળાની બીજી તરફ અંદાજીત 800 એકર જેટલી જમીન ખેતી વિહોણી બની રહે તેવી દહેશત વર્તાઇ રહી છે. હાઈવે નિર્માણ તંત્ર દ્વારા બનાવવામાં આવેલ નાળામાં ગળા સુધીનું પાણી અને કાદવ ભરાઈ જતા હવે સુકાઈ નહીં, ત્યાં સુધી ખેડૂતો પોતાના ખેતરોમાં પહોંચી શકવાના નથી અને ખેતીકામ કરી શકવાના નથી. તેવી વરવી વાસ્તવિકતા નિર્માણ થઇ છે.
પાકા રસ્તાઓ સત્વરે બને તેવી લોકમાંગ ….
ગરનાળાના નિર્માણ સમયે ખેડૂતોએ નીચાણવાળા વિસ્તારને ધ્યાનમાં રાખીને ચોમાસું સિઝનમાં વરસાદના પાણીનો ભરાવો ના થાય તે માટે ગરનાળા સંલગ્ન પાકા રસ્તાઓ બનાવવાની રજૂઆત કરી હતી. તેમ છતાં માત્ર વિકાસની ગાથા ગાવા માટે હાઈવે નિર્માણની પેરવીમાં રાચતા વહીવટીતંત્રએ ખેડૂતોની સમસ્યાને આંખ આડા કાન કરીને ખેડૂતોને તેમના હાલ પર છોડી દેતાં છેવટે ચોમાસું સિઝનના પ્રારંભે ગરનાળાએ પોત પ્રકાશ્યુ છે. જેથી વરવી સમસ્યામાં ગરકાવ થઈ ગયેલા ખેડૂતોએ બેપરવાહ તંત્ર વિરૂદ્ધ ભારે આક્રોશ વ્યક્ત કર્યો છે. જેથી આગામી વરસાદ પહેલા ગરનાળા સંલગ્ન પાકા રસ્તાઓ સત્વરે બને તેવી લોકમાંગ ઉઠવા પામી છે.
વહીવટીતંત્ર વરવી સ્થિતિ અંગે વિકાસના ઉલ્ટા ચશ્મા ઉતારે…
કાલોલ તાલુકાના ભાદરોલી ગામે પણ આવી વરવી સ્થિતિ સર્જાઈ છે. કાચા રસ્તાઓ પર કાદવ-કીચડમાં ગરકાવ થતાં ખેડૂતોને સીમના ખેતરોમાં જવું આવવું મુશ્કેલ બની ગયું છે. જેથી વિકાસના હવામહેલ બનાવી દેવાની ધુનમાં રાચતાં નેતાઓ અને વહીવટીતંત્ર ખેડૂતોની વરવી સ્થિતિ અંગે વિકાસના ઉલ્ટા ચશ્મા ઉતારીને ખેડૂતોની કેવી અને કેટલી દરકાર કરે છે. એ સળગતો સવાલ બની ગયો છે.