પંચમહાલ અને મહિસાગરમાં હવે મધ્યાહ્ન ભોજન કેન્દ્રને‎તાળાં વાગશે : સેન્ટ્રલાઇઝ કિચનનો તખતો તૈયાર‎

પંચમહાલ અને મહિસાગર જિલ્લાની શાળાઓમાં બનતા મધ્યાહ્ન ભોજનને બદલે મોટા રસોડામાં ભોજન બનાવીને શાળામાં મોકલવાનો પ્રોજેકટની અમલવારી માટે બંને જિલ્લામાં જગ્યાઓ નક્કી કરી દીધી છે. આ સેન્ટ્રલાઇઝ કિચનમાં રસોઇ બનીને શાળાઓમાં મોકલવા એજન્સીઓની નિમણુંક કરાશે.

પંચમહાલની 1200થી વધુ શાળાઓ અને મહિસાગરની 1198 પ્રાથમિક શાળાઓમાં બાળકોને પૌષ્ટીક આહાર મળી રહે તેના માટે મધ્યાહ્ન ભોજન યોજના કાર્યરત છે. જેમાં બાળકો માટેના અનાજ સગેવગે થવાના બનાવો બનતા હોય છે. તેમજ મેનુ મુજબનો ખોરાક મળતો ન હોવાની અનેક ફરીયાદો ઉઠી હતી. બાળકોને મેનુ મુજબ પૌષ્ટીક આહાર સમયસર મળી રહે તેના માટે પાઇલોટ પ્રોજેકટરની અમલવારી બંને જિલ્લામાં કરાઇ રહી છે.બંને જિલ્લામાં આધુનિક સેંટ્રલાઈઝડ કિચનની સ્થાપના કરવા જગ્યા માટે જમીન નક્કી કરી દેવાઇ છે. અને તેનું સંચાલન સ્વૈચ્છીક સંસ્થાઓને સોંપવાની કાર્યવાહી શરૂ કરાઇ છે.

કિચન બનાવવા મહીી.ના કડાણા, ખાનપુર અને સંતરામપુરની 614 શાળાને બાકોર અને રાણીજીની પાંદ઼ડીના કિચનમાંથી ભોજન આવશે. પંચ.માં શહેરાની 245 શાળા અને મોરવા(હ)ની 151 શાળાના બાળકોને શહેરાના ભદ્રાલાના સેન્ટ્રોલાઇઝ કિચનમાં ભોજન જશે. ઘોઘંબાની 230 શાળાના બાળકોને છો.ઉ.ના પા.જે.ના કીચનમાં તેમજ જાંબુઘોડાની 53 શાળાના બાળકોને ભોજન બોડેલી ખાતેથી આવશે.

સંચાલક સહિત મદદનીશોની‎રોજીરોટી છીનવાવાની ભીતિ

પંચ.અને મહી. જિલ્લાના 7 તાલુકાઓ માટે પીએમ પોષણ યોજના હેઠળ આધુનિક સેંટ્રલાઇઝ્ડ કિચન બનાવવા માટેની રાજ્ય સરકાર તૈયારી શરૂ થતાં જ મધ્યાહ્ન ભોજન યોજનાના કર્મચારીઓને રોજગારી છીનવાઈ જવાની ચિંતા સેવાઈ રહી છે. ત્યારે મધ્યાહ્ન ભોજન સંચાલકો દ્વારા યોજનાનો વિરોધ કરી રહી છે. 7 તાલુકાની 1200 જેટલી શાળાઓના બાળકોને સરકારી નવિન પાઇલોટ પ્રોજેકટ એવા સેન્ટ્રલાઇઝ કીચન યોજનાની અમલવારી કરવાની કવાયત હાથ ધરાઇ રહી છે. આ યોજના ચાલુ થતા બંને જિલ્લાની 1200થી વધુ શાળાના 3 હજાર કરતા વધુ મધ્યાહ્ન ભોજન સંચાલક સહીતના કર્મીઓના રોજીરોટી છિનવાઇ જવાની ભીતી સેવાઇ રહી છે. હજુ સરકાર તરફથી સંચાલક સહીતના કર્મીઓની નોકરી અંગેનો કોઇ નિર્ણય લેવાયો નથી. પણ સેન્ટ્રલાઇઝ કીચન યોજનાનો વિરોધ શરૂ થઇ ગયો છે. મધ્યાહ્ન ભોજન સંચાલક સહીત કર્મીઓએ ભારતીય મજદૂર સંધના નેજા હેઠળ વિરોધ કરવાનો ચાલુ કરી દીધો છે. ભારતીય મજદૂર સંઘે જિલ્લાના કલેક્ટરને કેન્દ્રીય રસોડા બનાવવા સરકારી જમીનો ખાનગી સંસ્થાને આપીને પીએમ પોષણ શક્તિ નિર્માણ યોજના અને મુખ્યમંત્રી અલ્પાહાર યોજના એમ બન્ને યોજનાનો કોન્ટ્રાક્ટ આપવાની દિશામાં થઈ રહેલ કામગીરીનો પીએમ પોષણ શકિત નિર્માણ યોજના કર્મચારી સંઘ પૂરી તાકાતથી વિરોધ કરે છે. આગામી દિવસોમાં તાલુકા લેવલથી રાજ્ય સુધી કાર્યક્રમો આપીને પ્રચંડ વિરોધ કરશે.

બાકીના તાલુકામાં યોજના બાદમાં લાગુ થશે

પંચ.માં સેન્ટ્રલાઇઝ કિચન યોજનામાં હાલ શહેરા, મોરવા(હ), ઘોઘંબા અને જાંબુઘોડા તા.ની શાળાઓનો સમાવેશ કર્યો છે. જયારે મહી.માં ખાનપુર, કડાણા તથા સંતરામપુર તા.ની શાળાઓના બાળકો નવીન યોજનાનો લાભ મળશે. આ તાલુકામાં પ્રોજેકટને સફળતા મળશે તો બાકીના બંને જિલ્લાના ગોધરા, હાલોલ, કાલોલ, બાલાસિનોર, લુણાવાડા, વિરપુરમાં ચાલુ કરાશે.

પ્રકાશ પટેલ, મામલતદાર, ખાનપુર

શિક્ષણ કમિશનર કચેરીમાંથી ઓર્ડર થયો છે. અમને જમીન માટે જણાવ્યું હતું. ખાનપુર ખાતે સેન્ટ્રલાઇઝ કિચન માટે જગ્યા માહિતી માંગી હતી. અમે જગ્યાની માહિતી કલેક્ટર કચેરીએ મોકલી આપી હતી

એચ.ટી. મકવાણા, પુરવઠા અધિકારી, પંચમહાલ

સેન્ટ્રલાઇઝ કીચન માટે શહેરા અને મોરવા(હ)ની શાળાઓ માટે ભદ્દાલા ગામે જમીન નક્કી કરી છે. ઘોઘંબા અને જાંબુઘોડાના બાળકોને પાવીજેતપુર અને બોડેલી ભોજન આવશે. આ સેન્ટ્રલાઇઝ કિચનમાં બનતુ ભોજન પૌષ્ટીક અને સમયસર શાળામાં પહોચશે. બાળકોને સરકારના મેનુ મુજબ ભોજન મળશે. આ યોજના ચાલુ થશે તો શાળાઓમાંથી મધ્યાન ભોજનના અનાજના સગેવગેના બનાવો બંધ થશે સાથે ગુણવતાંયુકત અને સ્વચ્છ ભોજન મળશે