ગોધરા,
પંચમહાલ તથા મહીસાગર જિલ્લાના ફોરેસ્ટ વિભાગમાં રોજમદાર તરીકે ફરજ બજાવતા આઠ જેટલા કામદારોને સરકારના તારીખ 17/10/88 ના પરિપત્ર મુજબના લાભો સહિત વર્ષ 2005 પહેલા ફરજ માં હાજર થયા હોય તેઓને જૂની પેન્શન યોજના લાગુ પાડતા નામદાર ગુજરાત હાઇકોર્ટનો આખરી આદેશ થી ફોરેસ્ટ વિભાગના પરિવારો કામદારોમાં આનંદની લાગણી પંચમહાલ તથા મહીસાગર જિલ્લામાં વર્ષોથી રોજમદાર તરીકે ફરજ બજાવતા ગલાભાઈ પટેલિયા, જેનદુભાઈ રાઠવા, સબુર ભાઈ નાયકા, ગલા પગી, બળવંતભાઈ હરિજન, લીલાબેન હરિજન તથા સ્વર્ગસ્થ કાળુભાઈ વાગડીયાના પુત્ર વિક્રમસિંહ તેમજ અમરસિંહ પ્રતાપસિંહ પરમાર ના વારસ પત્ની દિવાળીબેન તથા સુખાભાઈના વારસ પત્ની ચંપાબેન વિગેરે તેમની નોકરીના દરમિયાન પ્રત્યેક વર્ષમાં 240 દિવસ કરતા વધુ કામગીરી કરેલ હોવા છતાં તેઓને સરકારના જાહેર કરેલ તારીખ 17/10/88 ના પરિપત્રના કોઈપણ પ્રકારના લાભો આપવામાં આવતા ન હતા અને તે બાબતે સરકાર ના અધિકારીઓએ વડી કચેરીને એ લાભો આપવા બાબતે કોઈ દરખાસ્ત પણ મોકલી આપેલ ન હતી. આ અરસા દરમ્યાન જણાવેલ કામદારોના 60 વર્ષ પૂર્ણ થતા તેઓને નિવૃત્ત કરવામાં આવેલ નિવૃત્તિ સમયે તેઓને ફક્ત અધૂરી અને અપૂરતી ગ્રેજ્યુટી ચૂકવી નિવૃત્ત કરેલ નોકરીના અરસા દરમિયાન વારંવાર અધિકારીઓ સમક્ષ વારંવાર સરકારના પરિપત્ર મુજબના લાભો મેળવવા માટે રજૂઆતો કરેલ પરંતુ તેમની રજૂઆતો ધ્યાને લેવામાં આવેલ ન હતી જેને લઈ અરજદારોએ ગુજરાત સ્ટેટ લેબર ફેડરેશનના પ્રમુખ એ.એસ ભોઈનો સંપર્ક કરી તેમને થયેલ અન્યાય બાબતે રજૂઆત કરતા ફેડરેશને લાગતા વળગતા અધિકારીઓને નોટિસ આપી આઠ કામદારોને સરકારના તારીખ 17/10/88 ના પરિપત્ર મુજબના લાભો આપવા તેમજ જે રોજમદાર વર્ષ 2005 પહેલા ફરજમાં હાજર થયા હોય તેવા રોજમદારોને જૂની પેન્શન યોજનાનો લાભ આપવા બાબતે નોટિસ પાઠવેલ પરંતુ તે બાબતે સરકાર તરફથી કોઈ યોગ્ય પ્રત્યુતર આપવામાં આવેલ ન હતો. જેને લઇ ફેડરેશને નામદાર ગુજરાત હાઇકોર્ટ સમક્ષ એસ સી એ નંબર 11478/22 દાખલ કરેલ હતી જે અરજી ચાલી જતા કેસમાં પડેલા પુરાવા તેમજ એડવોકેટ ડી આર દવેની દલીલો ધ્યાને લઈ તારીખ 28/9/22 ના રોજ રોજમદાર કામદારોને સરકારના તારીખ 17/10/88 ના પરિપત્ર મુજબ તમામ લાભો આપવા તેમજ જે અરજદારોએ વર્ષ 2005 પહેલા નોકરીમાં જોડાયેલા હોય તેઓને જૂની પેન્શન યોજનાનો લાભ આપવાનો આખરી આદેશ ફરમાવેલ છે. આદેશથી 8 કામદારો ઉપરાંત ફોરેસ્ટ વિભાગના 2005 વર્ષ પહેલા જે કામદારો રોજમદાર તરીકે ફરજ માં હાજર થયા હશે તેમને પણ જૂની પેન્શન યોજનાનો લાભ આપવાનો રહેશે આ આદેશથી આઠ કામદારો સહિત અન્ય ફોરેસ્ટ વિભાગમાં નોકરી કરતા રોજમદાર કામદારોને પણ જૂની પેન્શન યોજનાનો લાભ મેળવવા ના હકદાર બનશે. આમ, આ 8 કામદારો ઉપરાંત ફોરેસ્ટ વિભાગના અન્ય કામદારને પણ જૂની પેન્શન યોજનાનો લાભ મળશે. આ આદેશથી ફોરેસ્ટ વિભાગના તમામ કામદારોમાં આનંદ છવાયો છે.