પંચમહાલમાં નકલી વીજીલન્સમાં ચાર આરોપીના રિમાન્ડ પુરા થતાં જેલમાં ધકેલાયા

ગોધરા,ગોધરા તાલુકા અને મોરવા(હ)તાલુકાના નકલી વીજીલન્સ બનીને ચાર ઈસમો દારૂનો ધંધો કરો છો તેમ કહીને ખોટા કેસમાં ફસાઈ દઈશુ તેવી ધમકીઓ આપીને નાણાં પડાવતા હતા.

પંચમહાલના મોરવા(હ)ના સંતરોડ ગામે અને ગોધરા તાલુકાના બખ્ખર ગામે વીજીલન્સની ખોટી ઓળખ આપી દારૂના કેસમાં ફસાવી દેવાની ધમકીઓ આપી લોકો પાસેથી રૂપિયા પડાવતા ચાર શખ્સોને મોરવા(હ)પોલીસે ઝડપી પાડ્યા હતા. તેમને કોર્ટમાં રજુ કરતા કોર્ટે ચાર દિવસના રિમાન્ડ મંજુર કરતા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. જેમાં ઝડપાયેલા ગોૈરાંગ શાંતિલાલ વાજાએ પ્રેસ રિપોર્ટર તરીકે કામ કરી પોતાના મિત્ર અક્ષય પ્રવિણભાઈ પટેલ, જીતુભાઈ રમણભાઈ ઓડ અને મનુભાઈ રવજીભાઈ રાવળ સાથે મળીને નાણાં ખંખેરવા માટેનો કારસો રચ્યો હતો. સમગ્ર તરકટમમાં મનુભાઈ રાવળના મિત્ર મોરવા(હ)તાલુકાનો એક ઈસમ જયાં જયાં રેડ કરવા કહે ત્યાં પકડાયેલા ઈસમો નકલી વીજીલન્સ બનીને નાણાં પડાવતા હતા. ચારના રિમાન્ડ પુરા થતાં પોલીસ દ્વારા ફરીથી કોર્ટમાં રજુ કરતા કોર્ટે જયુડિશીયલ કસ્ટડીમાં મોકલી આપવાનો હુકમ કરતા પોલીસે ઉપરોકત ચારેયને જેલના હવાલે કર્યા હતા.