
પંચમહાલ જિલ્લામાં ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા પૂર્ણ થતા જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા પરીક્ષા કેન્દ્રોના સીસીટીવીની ચકાસણીમાં 20 વિદ્યાર્થીઓ પરીક્ષામાં સાહિત્યની આપલે તથા કાપલી દ્વારા ગેરરીતી કરતા પકડાયા હતા. આ બાબતે જિલ્લા શિક્ષણ વિભાગે ગેરરીતિનો રિપોર્ટ તૈયાર કરી બોર્ડને મોકલી આપ્યો છે. જેથી બોર્ડ દ્વારા વિદ્યાર્થીઓ સામે કોપી કેસ નોંધવો કે નહિ તેનો નિર્ણય લેવાશે.
પંચમહાલ જિલ્લામાં ફેબ્રુઆરી માસમાં યોજાયેલા ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાઓ દરમ્યાન એક પણ કોપી કેસ નોધાયો નથી. બોર્ડની પરીક્ષા પુર્ણ થતાં જ પંચમહાલ શિક્ષણ વિભાગ દ્વારા કેન્દ્રો પર લગાવેલા સીસીટીવીના ફૂટેજ સીડી મારફતે મેળવી ચકાસણી માટેની પ્રક્રિયા કરી હતી. જિલ્લાના બે ઝોન વાઇસ સીસીટીવી ફુટેજની ચકાસણી કરવા ટીમોની રચના કરવામાં આવી હતી. જેમા હાલોલ અને ગોધરા ઝોનમાં 20-20 શિક્ષકોની ટીમ 20 કોમ્પ્યુટર પર સતત 20 દિવસ સુધી 1890 સીડીઓની ચકાસણી કરતા ધોરણ 10 અને 12ના કુલ 20 પરીક્ષાર્થીઓ સાહિત્યની આપલે કરતા અને કાપલીઓથી ઉત્તરવહીઓમાંથી ચોરી છુપી લખાણ કરી ગેરરીતિ આચરતા હોવાનું ધ્યાનમાં આવ્યુ હતું.
જિલ્લા મથકોના પરીક્ષા કેન્દ્રોમાં યોજાયેેલી પરીક્ષા અંતર્ગત સીસીટીવીના માધ્યમથી જિલ્લા કક્ષાએ ચોરી કરતા પકડાયેલા વિદ્યાર્થીઓની સીસીટીવીના માધ્યમથી ચકાસણી હાથ ધરાઈ હતી. જેમાં સીસીટીવી કેમેરામાં ચોરી કરતા પકડાયેલા વિદ્યાર્થીઓ સામે કાર્યવાહી કરવા બોર્ડને રીપોર્ટ જિલ્લા શિક્ષણ વિભાગે કર્યો છે. હવે બોર્ડ દ્વારા પરીક્ષાર્થીઓનો પક્ષ રજૂ કરવા જણાવીને કાર્યવાહી કરશે.
ધો.10ના 10 પરીક્ષાર્થી ચોરી કરતા પકડાયા બોર્ડની પરીક્ષામાં કુલ પરીક્ષા કેન્દ્રોની સીડીઓમાંથી ગોધરા ઝોનમાં 1180 અને હાલોલ ઝોનમાં 710 સીડીઓની ચકાસણી ટીમોએ કરી હતી. જેમાં ધોરણ 10 ના 10 , ધોરણ 12 સાયન્સના 5 અને ધોરણ 12 કોમર્સના 5 મળીને કુલ 20 પરીક્ષાર્થીઓ કાપલીથી ચોરી કરતા ઝડપાઇ ગયા છે. શિક્ષણ વિભાગે ચોરી કરતા પરીક્ષાર્થીઓની સીડી સાથે પરીક્ષાર્થીઓનો રીપોર્ટ મોકલી આપ્યો છે. હવે કાર્યવાહી રાજય શિક્ષણ બોર્ડ કરશે.
બોર્ડ સુનાવણી કરીને નિર્ણય લેશે પંચમહાલ જિલ્લામાં ધોરણ 10 અને 12 ની બોર્ડની પરીક્ષાના કેન્દ્રોની સીસીટીવી કુટેજની ચકાસણી કરવામાં આવી હતી.જેમાં સાહીત્યની આપલે કરતા 20 પરીક્ષાર્થીઓ પકડાયા હતા. બોર્ડને સમગ્ર રીપોર્ટ કરી દેવામાં આવ્યો છે. બોર્ડ સુનવણી દરમિયાન વિદ્યાર્થીને પોતાનો પક્ષ રજૂ કરવાનો મોકો અપાશે. જેમાં વિદ્યાર્થી સ્વ- બચાવમાં પોતાનો ખુલાસો- દલીલ રજૂ કરી શકશે. બાદમાં નિર્ણય બોર્ડ લેશે. કિરીટ પટેલ, શિક્ષણ અધિકારી પંચમહાલ