હાલોલમાં રસ્તે ફરતા ગૌવંશની તસ્કરી સીસીટીવીમાં કેદ થઈ છે. સટાક આમલી વિસ્તારમાં વહેલી સવારે કેટલાક ઈસમો ગૌવંશને એક કારમાં ઉઠાવી ફરાર થઇ ગયા હતા. જાગી ગયેલા એક પરિવારે આ જોતાં બૂમાબૂમ કરી હતી, ત્યારે તસ્કરોએ આ ગૌ તસ્કરી અટકાવવા પ્રયાસ કરનારના ઘર ઉપર પથ્થર મારી તેમને ચૂપ કરાવવાનો પ્રયાસ કર્યો હતો. ત્યારે આ ઘટનાએ હાલોલ શહેરમાં રાત્રિ પેટ્રોલિંગ કરતી પોલીસની કામગીરી ઉપર સવાલો ઉભા કરી દીધા છે.
બે દિવસ પહેલાં જ ગોધરા શહેરમાં રાત્રે કારમાં ગૌ તસ્કરી કરતાં ઈસમોનો વીડિયો સામે આવ્યો હતો. તો હાલોલ શહેરમાં રાત્રે રસ્તે ફરતા ગૌવંશને બચાવવા હવે પોલીસે જહેમત ઉઠાવવી પડે તેવી નોબત આવી છે. પશુપાલકો તેમના પશુઓને રાત્રિ દરમ્યાન રસ્તે રખડતા અને છુટ્ટા મૂકી દેતાં હોય છે. ત્યારે તસ્કરો મોડી રાત્રે આવી આવા ગૌવંશને ઉઠાવી જતા હોવાની ઘટનાઓ વધી રહી છે. હાલોલના સટાક આમલી વિસ્તારમાં આવી એક ઘટના બની હતી. જેમાં એક પરિવારે તસ્કરોને રોકવા જતાં તસ્કરોએ મકાન ઉપર પથ્થર મારી ગૌવંશને ઉઠાવી જવામાં સફળ થયા હતા.
વીડિયોમાં દેખાઈ રહ્યું છે કે, કારમાં આવેલા ચાર તસ્કરો પૈકી બે તસ્કરોએ એક ગાયને કાંઈ ખવડાવી રહ્યા છે. તે સમયે કારચાલકે કાર પલટાવી અન્ય એક ઇસમે ઉતરી ત્રણેએ ભેગા મળી ગાયને કારની પાછળની બેઠક તરફ અંદર નાખી ફરાર થઇ ગયા હતા. ગાયની તસ્કરી માટે કારમાં પાછળની બેઠક સીટ કાઢી નાખી ગાયને એ ખુલ્લી જગ્યામાં નાખી થોડા જ સમયમાં તસ્કરો ફરાર થઇ જતા હોય છે.
જો કે ગોધરામાં ગૌ તસ્કરીના સામે આવેલા વીડિયોમાં જે કાર જોવા મળે છે. તે જ આ કાર હોવાનું અનુમાન લગાવવમાં આવી રહ્યું છે, એટલે ગોધરાની કોઈ ગૌવંશ ચોરતી ટોળકી હવે હાલોલમાં સક્રિય થઈ છે. ત્યારે લોકો રાત્રિ દરમ્યાન પોલીસ પેટ્રોલિંગ વધારવામાં આવે તેવું ઇચ્છી રહ્યા છે. તો આવા ગૌવંશને રસ્તે રઝળતા મૂકી દેનારા પશુપાલકો સામે પણ કાયદેસર કાર્યવાહી કરવામાં આવે તે જરૂરી બન્યું છે.