પંચમહાલ જિલ્લામાં કુલ સાત તાલુકા આવેલા છે. ત્યારે આઠમા તાલુકાની માગની હીલચાલને કારણે કહી ખુશી કહી ગમનો માહોલ જોવા મળી રહ્યો છે. જિલ્લાના ઘોંઘબા તાલુકામાંથી વિભાજન કરીને નવો ગૂંદી તાલુકો બનાવાની માગ સામે ઘોંઘબા તાલુકાના કેટલાક ગામોનો લોકોએ ભારે વિરોધ નોંધાવ્યો હતો. જેમાં ગુંદી તાલુકામાં તે ગામોને નહીં સમાવામા આવે તેવી માગ કરતુ એક આવેદનપત્ર જિલ્લા વિકાસ અધિકારી પંચમહાલને આપવામાં આવ્યું હતું. આવેદન પત્ર આપવા માટે મોટી સંખ્યામાં ગ્રામજનો તેમજ અગ્રણીઓ હાજર રહ્યા હતા અને રેલી સ્વરુપે કલેકટર કચેરી ખાતે પહોંચ્યા હતા.
પંચમહાલ જિલ્લામાં ગોધરા, શહેરા, મોરવા હડફ, હાલોલ, કાલોલ, ઘોંઘબા, જાંબુઘોડા એમ સાત તાલુકા આવેલા છે. ત્યારે આઠમો તાલુકો ગુંદી બનાવામાં આવે તેવી હિલચાલને પગલે ભારે વિરોધ જોવા મળ્યો છે. આ મામલે ગ્રામસભાનું આયોજન કરીને ગુંદીને તાલુકા બનાવા માટે ઠરાવ કર્યો હતો. જેને લઈને આ તેનો ભારે વિરોધ થયો હતો. આ મામલે ઘોઘંબા તાલુકાના 30થી વધુ ગામોને લોકો આજે ગોધરા ખાતે જિલ્લા વિકાસ અધિકારીને મળીને આ ગામોને નહીં સમાવા માટે આવેદનપત્ર આપ્યું હતું. આવેદનપત્રમાં જેમાં ંગુંદીને તાલુકો નહીં બનાવામાં આવે તેવી માગ કરવામાં આવી રહી છે.
આવેદનપત્રમાં કાલોલના ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણ સામે પણ આક્ષેપો કરવામા આવ્યા છે. જેમાં જણાવાયું છે કે નવિન ગુંદી તાલુકો બનાવવા ધારાસભ્ય કાલોલ દ્વારા પોતાનું અંગતહિત જાળવવા માટે પોતે સત્તાનો દુરઉપયોગ કરી તલાટી તથા સરપંચોને તેમજ તાલુકા પંચાયત સભ્યો પાસે દબાણ કરી નવિન તાલુકાની માગણી તથા ઠરાવો દબાણપૂર્વક માંગેલ છે.
વધુમાં જે તાલુકો બનાવાનો છે તે ગુંદી ગામની વિગત જણાવી છે કે ઘોઘંબા તાલુકાનું પણ છેલ્લું ગામ છે. ગુંદી ગામ જવા માટે કોઈપણ વાહનવ્યવહારની સુવિધા નથી. એક તરફ છોટા ઉદેપુર જિલ્લો 3 કિમીના અંતરે આવેલ છે અને દાહોદ જિલ્લો પણ 3 કિમીના અંતરે આવેલ છે. જેથી મધ્યસ્થી તરીકે તાલુકાનો દરજજો આપવો હોઈ તો રીછવાણી અથવા તો દામાવાવ આ બન્ને ગામોને પ્રાયોરીટી આપવા વિનંતી છે. છતા સરકાર નવિન ગુંદી તાલુકો જાહેર કરશે.તો અમે ઘોઘંબા તાલુકાના સૌ આગેવાનો તથા તમામ ગામના પ્રજાજનો દ્વારા ગાંધીચીધ્યા માર્ગે જઈ આંદોલન કરી અમારો ન્યાય મેળવીશુ. ઘોઘંબા તાલુકાના ગામો જેવા કે જોરાપુરા, વાંગરવા, શનિયાડા, ખિલોડી, રાણીપુરા, દમાવાવ, રીછવાણી, ખાનપાટલા, બોર, ચાઠી, ચાઠા, વાવ, કુલ્લી, સાજોરા, ઝાબકુવા, પાદરડી, મોઘાદરા, દેવલીકુવા, આંબલીફળીયા, ફાટામહુડા, નાની નિકોલા, મોટી નિકોલા, બા.ફળી, પાલ્લી, મુલ્લાકુવા, સીમલીયા, વાવકુલ્લી-૧/ અને ૨ આલબેટા, રૂપારેલ, સાતળીયા, જબુવાણીયા, માલુ-ગોરાડા, ગોયાસુડલ, તરવારીયા ગામના લોકો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. વધુમાં રીંછવાણી તથા દામાવાવ ગામમા સુવિધા હોવાથી નવિન તાલુકો બનવાની પણ માગ કરી છે.