
શહેરા, પંચમહાલ લોકસભાની ચૂંટણીના માહોલમા શહેરા તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ તેમજ ગુજરાત કોંગ્રેસ પ્રદેશ સમિતિ ડેલીગેટ દુષ્યંતસિંહ ચૌહાણ સહિત 40 કરતાં વધુ કાર્યકરોએ હોદ્દા અને પદ પરથી રાજીનામાં આપ્યા હતા. તાલુકા કોંગ્રેસ અગ્રણી સહિત અન્ય કાર્યકરોએ કોંગ્રેસને રામ… રામ… કરતા લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસને મોટું નુક્શાન ભોગવવું પડે તો નવાઈ નહી
પંચમહાલ લોકસભા ભાજપનો ગઢ ગણાતી હોય તેવા સમયે કોંગ્રેસ પક્ષના ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ ડેલિગેટ દુષ્યંતસિંહ ચૌહાણ સહિતના અમુક કાર્યકરોમા ઉમેદવારને લઈને ક્યાંક ને ક્યાંક છુપી નારાજગી જોવા મળી રહી હતી. જેને લઈને શહેરા તાલુકા કોંગ્રેસ સમિતિ પ્રમુખ આરતસિંહ પટેલ, તાલુકા કોંગ્રેસ અગ્રણી રંગીત પગી, તાલુકા યુથ પ્રમુખ દિલીપસિંહ પરમાર તેમજ ખેડૂત સેલ પ્રમુખ રતનસિંહ બારીયા, કમલેશ પરમાર, રાહુલ પગી સહિતના કાર્યકરો કોંગ્રેસ અગ્રણી દુષ્યંતસિંહ ચૌહાણના નિવાસસ્થાને એકત્રિત થયા હતા. કોંગ્રેસ અગ્રણી દુષ્યંતસિંહ ચૌહાણ સાથે તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ સહિતના કાર્યકરોએ એક કલાક સુધી જરૂરી ચર્ચા કરીને હોદ્દા અને પદ પરથી રાજીનામા આપવાનું નક્કી કરવામાં આવ્યું હતું. દુષ્યંતસિંહ ચૌહાણએ તમામ હોદ્દા અને પદ પરથી રાજીનામું આપ્યા બાદ શહેરા તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ આરતસિંહ પટેલ, રંગીત પગી સહિત 40કરતાં વધુ કાર્યકરોએ પણ રાજીનામાં આપી દેતા લોકસભાની ચૂંટણીના માહોલમાં કોંગ્રેસમાં ભડકો થયો હોય જેના કારણે આ ચૂંટણીમાં કોંગ્રેસને નુકશાન થઈ શકે તેવી શક્યતાઓ પણ રહેલી હોવા સાથે ઉમેદવાર ગુલાબસિંહ ચૌહાણને મતદારોને પોતાની તરફેણ કરવા માટે વધુ મહેનત કરવી પડે તો નવાઈ નહી, જોકે તાલુકા કોંગ્રેસ પ્રમુખ સહિત મહત્વના કાર્યકરોએ કોંગ્રેસને રામ…રામ… કરતા હવે જોવું રહ્યું કે, લોકસભાની ચૂંટણીના માહોલમાં કોંગ્રેસ પક્ષ શહેરા તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખની જવાબદારી કોણે સોંપવામાં આવશે, તેના પર સૌની મીટ મંડાઈ હતી. દુષ્યંતસિંહ ચૌહાણ અને તેમના સમર્થકો આવનારા દિવસોમાં ભાજપમાં જોડાઈ શકે તેવી ચર્ચાઓ રાજકીય ક્ષેત્રે અને લોકોમાં થઈ રહી હતી.