પંંચમહાલ લોકસભા ચુંટણીમાં ફરજ બજાવનાર પોલીસ કર્મી, હોમગાર્ડ જવાનોએ પોસ્ટલ બેલેટથી મતદાન કર્યું

શહેરા, પંચમહાલ લોકસભા બેઠકની ચૂંટણી 7મેના રોજ યોજાનાર હોય જેમાં ફરજ બજાવનાર પોલીસ કર્મીઓ , હોમગાર્ડ અને ગ્રામ રક્ષક દળના જવાનોએ ચૂંટણી પહેલાં પોસ્ટલ બેલેટથી મતદાન કરેલ હતું. મતદાન સેન્ટર પર પોલીસ જવાનો ઉત્સાહપૂર્વક મતદાન કરતા નજરે પડી રહ્યા હતા.

પંચમહાલમાં લોકસભા બેઠકની ચૂંટણી શાંતિ પૂર્ણ માહોલમાં સંપન્ન થાય તે માટેની વહિવટી તંત્ર અને પોલીસ વિભાગ દ્વારા તૈયારીઓ કરાઇ રહી છે. પોલીસ અધિકારીઓ , પોલીસ કર્મીઓ સહિત અન્ય સ્ટાફ લોકસભાની ચૂંટણીના દિવસે મતદાન મથક તેમજ અન્ય જગ્યાએ ફરજ પર રહેનાર હોવાથી તેઓ પોતાનો મત નાખી શકે તે માટે મંગળવારના રોજ મતદાન સેન્ટર પર પોસ્ટલ બેલેટથી મતદાનનુ આયોજન કરવામાં આવ્યું હતું. શહેરા સરકારી વિનયન કોલેજ ખાતે આવેલ મતદાન સેન્ટર પર મદદનીશ ચૂંટણી અધિકારી પ્રણવ વિજયવર્ગીય અને મામલતદાર ધર્મેન્દ્ર પટેલ અને તાલુકા વિકાસ અધિકારી પાર્થ પટેલ તેમજ પોલીસ ઇન્સ્પેક્ટર રાહુલ રાજપુતની ઉપસ્થિતિમાં ફરજ બજાવનાર પોલીસ જવાનો એ પોસ્ટલ બેલેટથી ચૂંટણી પહેલા મતદાન કરીને પોતાનો મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. મતદાન સેન્ટર પર પોલીસ જવાનોએ ઉત્સાહપૂર્વક પોસ્ટલ બેલેટથી મતદાન કરવા સાથે શરૂઆતમાં લાંબી લાઈન લાગેલી જોવા મળી રહી હતી. ઉલ્લેખનીય છે કે, હોમગાર્ડ જવાનો દરેક ચૂંટણીમાં પોતાની નૈતિક ફરજ બજાવતા હોય ત્યારે સરકાર દ્વારા વધતી જતી મોંઘવારીને ધ્યાનમાં રાખીને હાલ જે પગાર મળી રહ્યો હોય એના કરતા 15 થી 20 ટકા જેટલો પગારમાં વધારો કરવામાં આવે તે પણ જરૂરી લાગી રહયુ છે.