પંચમહાલ લોકસભા બેઠકના ભાજપના બુથ પ્રમુખોનું સંમેલન સી.આર.પાટીલની ઉપસ્થિતીમાં યોજાયું

ગોધરા,ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ સી આર પાટીલની ઉપસ્થિતિમાં ગોધરા શહેરમાં પંચમહાલ લોકસભા બેઠકના ભાજપના બુથ પ્રમુખનું સંમેલન યોજવામાં આવ્યું હતું. જેમાં સી.આર.પાટીલ દ્વારા લોકસભાની ચૂંટણીમાં ભાજપને જીતાડવા માટે કામે લાગી જવા માટે ઉપસ્થિત કાર્યકરોને હુંકાર કરવામાં આવ્યો હતો.

લોકસભા-2024 ની ચૂંટણીને આડે હવે આંગળીના વેઢે ગણી શકાય એટલા દિવસ બચ્યા છે. તમામ રાજકીય પક્ષો દ્વારા ચુંટણીમાં વિજેતા બનવા માટે તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. ત્યારે મધ્ય ગુજરાતની મહત્વની એવી પંચમહાલ લોકસભા બેઠક પર ભાજપે જીતવા માટે તમામ રણનીતિ તૈયાર કરી દીધી છે. પંચમહાલ જિલ્લાના મુખ્ય મથક ગોધરા શહેરમાં આવેલ BAPS શ્રી સ્વામિનારાયણ મંદિરના હોલમાં ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલની અધ્યક્ષતામાં પંચમહાલ લોકસભા બેઠકના તમામ બુથ પ્રમુખોનું સંમેલન યોજવામાં આવ્યું હતું. આ સંમેલનમાં સી.આર.પાટીલે પંચમહાલ લોકસભા બેઠકમાં સમાવિષ્ટ સાત વિધાનસભા બેઠકના બુથ પ્રમુખોને તેઓની તાકાતનું પ્રદર્શન કરવા જણાવ્યું હતું. સાથે જ તબક્કાવાર પોતાના મતવિસ્તારના દિવ્યાંગ મતદારો અને વયોવૃદ્ધ મતદારોની મુલાકાત લઈને તેઓ માટે મતદાનની વ્યવસ્થા કરવા ટકોર કરી હતી. સાથે સાથે મતવિસ્તારના પેજ કમિટી સભ્યો અને સરકારની વિવિધ યોજનાઓના લાભાર્થીઓની મુલાકાત લઇને તેઓને પણ મળેલા લાભોનું ઋણ ભાજપને મત આપીને ચૂકવવા સમજાવવા હુંકાર કર્યો હતો. સાથે જ વિધાનસભાની બેઠકની 6.30 લાખ લીડ ભાજપને અપાવીને અન્ય પક્ષોની ડિપોઝિટ ડૂલ કરવા માટે બુથ પ્રમુખોને અનુરોધ કર્યો હતો. સંમેલનમાં સી.આર.પાટીલ,સહિત ગોરધન ઝડફિયા, નરહરિ અમીન, ભરત ડાંગર , પંચમહાલ લોકસભાના ભાજપના ઉમેદવાર રાજપાલસિંહ જાદવ સહિત સ્થાનિક ધારાસભ્યો પણ ઉપસ્થિત રહ્યા હતા.

ગોધરા ખાતે લોકસભા બેઠક માટે ભાજપના બુથ પ્રમુખનું સંમેલન સી.આર.પાટીલની ઉપસ્થિતીમાં યોજવામાંં આવ્યું. સ્ટેરજ ઉપરથી બીજેપીના પદાધિકારીઓ ભાષણ આપતા રહ્યા હતા. ત્યારે બીજી તરફ પ્રમુખો મીઠી નિંદર માણતા જોવા મળ્યા.

ભાજપના બુથ પ્રમુખ સંમેલનમાં કાળા વસ્ત્ર પહેરી આવ્યા હોય તેવાને પ્રવેશ આપવામાં ન આવ્યો.

ગોધરા ખાતે લોકસભા બેઠક માટે ભાજપના બુથ પ્રમુખોનુંં સંમેલન સી.આર.પાટીલની ઉપસ્થિતીમાંં યોજવામાં આવ્યું હતું. આ બુથ સંમેલનમાં રૂપાલાના વિરોધના ડરને લઈને સંમેલનમાં કાળા વસ્ત્ર પહેરીને આવ્યા હોય તેવા લોકોને પ્રવેશ આપવામાં આવ્યો ન હતો. ભાજપના બુથ પ્રમુખ સંમેલનમાં વિરોધ ડર એટલો બધો જોવા મળ્યો કે પત્રકારોને પ્રવેશ આપવામાં આવ્યો ન હતો.