પંચમહાલ ખાણ-ખનિજ વિભાગે ગોધરા તાલુકા ટુવા અને હાલોલ ખાતેથી કોલસા ભરેલ ડમ્પર કવાર્ટઝ ભરેલ ટ્રક તેમાં 50 લાખના મુદ્દામાલ જપ્ત કર્યો

ગોધરા,પંચમહાલ જિલ્લાની ખાણ ખનીજ વિભાગની ટીમ દિન પ્રતિદિન પંચમહાલ જિલ્લામાં થઈ રહેલ ખનીજ ચોરીને લઈને સતત નાઇટ પેટ્રોલિંગ કરી રહી છે. ત્યારે ગઈકાલે ગોધરા ખાણ ખનીજ વિભાગની ટીમને બાતમી મળી હતી કે ગોધરા તાલુકાના ટુવા ફાટક પાસે ગેરકાયદેસર ઓવરલોડ એક ડમ્પરનો ચાલક કોલસા ભરી જઈ રહ્યું છે. જ્યારે બીજી તરફ હાલોલ શહેરમાં એક એલપી ટ્રક ઓવરલોડ ક્વાર્ટઝ ભરીને જઈ રહ્યું છે. જેથી ખાણ ખનીજ વિભાગની ટીમે બંને જગ્યા ઉપર રેડ કરી. અને એક ડમ્પર સહિત એલપી ટ્રક સાથે 50 લાખનો મુદ્દામાલ કબજે કરી બે ઈસમોની અટકાયત કરી દંડની કાર્યવાહી હાથ ધરવામાં આવતા ખનીજ માફિયાઓમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો.

ગોધરા તાલુકાના ટુવા ગામ પાસે આવેલ રેલવે ફાટક આગળ એક ડમ્પર ચાલક ગેરકાયદેસર રીતે ઓવરલોડ કોલસો ભરીને જઈ રહ્યાની બાતમીના આધારે ગોધરા ખાણ ખનીજ વિભાગની ટીમે કોલસા ભરેલા ડમ્પરને ઝડપી પાડી 30 લાખનો મુદ્દામાલ કબજે કરી અને કોલસા ભરેલ ડમ્પરને ગોધરા કલેકટર કચેરી ખાતે સીઝ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જ્યારે હાલોલ શહેરમાં એક એલપી ટ્રક ચાલક ગેરકાયદેસર ઓવરલોડ ક્વાર્ટઝ ભરીને હાલોલ તરફથી આવી રહ્યું છે. જે બાતમીના આધારે ગોધરા ખાણ ખનીજ વિભાગની ટીમે ક્વાર્ટઝ ભરેલ એલપી ટ્રકને ઝડપી પાડી 20 લાખનો મુદ્દામાલ સાથે એલપી ટ્રકને હાલોલ ખાતે સીઝ કરીને મૂકવામાં આવ્યો હતો. આમ, ગોધરા ખાણ ખનીજ વિભાગની ટીમે ટુવા અને હાલોલ ખાતે રેડ કરીને 50 લાખનો મુદ્દામાલ કબજે કરીને બે ઈસમોની અટકાયત કરી અને દંડની કાર્યવાહી હાથ ધરવામાં આવતા ખનીજ માફિયા ઓમા ફફડાટ ફેલાયો હતો.