પંચમહાલ ખાણ ખનિજ વિભાગની ટીમ દ્વારા કાલોલ તાલુકાના ચલાલી અને હાલોલ જીઆઈડીસી વિસ્તાર માંથી ગેરકાયદેસર રેતી વહન કરતી 3 ટ્રકો કિંમત 90 લાખ રૂપીયાનો મુદ્દામાલ ઝડપી પાડવામાં આવ્યા. ઝડપી પાડવામાં આવેલ વાહનો સીઝ કરવામાં આવ્યા.
પંચમહાલ જીલ્લા ખાણ ખનિજ વિભાગ દ્વારા ખનિજ ચોરી અટકાવવા માટે દિવસ અને રાત્રીના સમયે વિવિધ તાલુકાઓમાં રૂટીન ચેકીંગ કરતી હોય છે અને ગતરોજ ખાણ ખનિજ ટીમ રૂટીન ચેકીગમા હતી. ત્યારે બાતમી મળી હતી કે, કાલોલના ચલાલી અને હાલોલ જીઆઈડીસી વિસ્તાર માંથી રેતી ભરેલ ગેરકાયદેસર વાહનો પસાર થતા હોય તેવી બાતમીના આધારે બન્ને સ્થળે વોચ ગોઠવીને કાલોલના ચલાલી રોડ ઉપર રેતી ભરેલ એક ટ્રક અને હાલોલ જીઆઈડીસી વિસ્તાર માંંથી બે ટ્રક મળી કુલ 3 ટ્રક કિંંમત 90 લાખ રૂપીયાનો મુદ્દામાલ સાથે ત્રણ વ્યકિતને ઝડપી પાડવામાં આવ્યા હતા.
ખાણ ખનિજ વિભાગ દ્વારા કાલોલ ચલાલી ઝડપેલ ટ્રક ગોધરા કલેકટર કચેરી કંપાઉન્ડમાં તેમજ હાલોલ જીઆઈડીસી માંથી પકડાયેલ બે ટ્રક હાલોલ ખાતે સીઝ કરવામાં આવ્યા હતા. પંચમહાલ જીલ્લામાં ખાણ ખનિજ વિભાગ દ્વારા સધન ચેકીંગ કરી ગેરકાયદેસર રેતી ખનન અને વહન કરતાં વાહનો ઝડપી પાડતા ખનિજ માફિયાઓમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે.