ગોધરા, દિલ્હી મુંબઈ ગ્રીન કોરિડોર ક્યાંક દેશની પ્રગતિમાં સીમાચિહ્ન રૂપ બનવાની અપેક્ષાઓ સેવાઇ રહી છે, તો બીજી તરફ આ જ રોડ પંચમહાલના કાલોલ તાલુકાના બાકરોલ ગામના ખેડૂતો માટે અભિશાપરૂપ બન્યો છે. બાકરોલ ગામની સીમમાં જવાના રસ્તે બનાવવામાં આવેલ દિલ્હી-મુંબઈ નેશનલ કોરિડોરના ગરનાળામાં પાણી ભરાતાં ખેડૂતો ખેતી અને ખેતર વિહોણા બન્યા હોવાનું અને વરસાદી ખેતી કરવા માટે જવાનો રસ્તો ન હોવાના કારણે હાલ ખેતર વાવણી નહિ કરી હોવાથી ખેડૂતો ચિંતિત બન્યા છે.
કાલોલ તાલુકાના બાકરોલ ગામની સીમાડેથી પસાર થતા દિલ્હી-મુંબઈ નેશનલ કોરિડોર હાઈવેના નીચાણવાળા ગરનાળામાં વરસાદી પાણી ભરાતાં ખેડૂતોના ખેતરો વિખુટા પડ્યા હોવાનું જનાવી રહ્યા છે, તેમજ બાકરોલ ગામ અને ખેડૂતોની જમીન વચ્ચે થઈ દિલ્હી-મુંબઈ નેશનલ કોરિડોર હાઇવે નીકળવાના કારણે ખેતીમાં અવર જવર કરવા માટે ખેડૂતોને ભારે હાલાકી ભોગવી પડી રહી હોવાનું ખેડૂતો જણાવી રહ્યા છે, તેમજ ગરનાળામાં વરસાદી પાણી ભરાયું છે. જેના કારણે ખેતરોમાં રહેતા ખેડૂતોના છોકરાઓ સ્કૂલે જઇ શકતા ન હોવાનું જણાવી રહ્યા છે. નેશનલ કોરિડોર નિર્માણ કરતા કોન્ટ્રાકટર દ્વારા ગરનાળા બનાવીને ગરનાળાને જોડતા રસ્તા પર ફકત કાચાકામની એકલી માટીના રસ્તાઓ બનાવીને હાઈવે નિર્માણમાં વ્યસ્ત બની જતા હવે ગરનાળામાં વરસાદી પાણી સાત ફૂટ પાણી સુધી ભરાયાં છે. જ્યારે માટીના રસ્તાઓ કાદવ કીચડથી ગરકાવ થઈ જતાં ખેડૂતોને સીમમાં આવવું જવું મુશ્કેલ બની જતા સીમમાં આવેલા ખેતરોમાં ખેતી કરવા જવું આવવું મુશ્કેલ બની જતા ખેડૂતોએ જવાબદાર તંત્ર વિરૂદ્ધ ભારે આક્રોશ વ્યક્ત કર્યો છે.
કાલોલ તાલુકા વિસ્તાર માંથી પસાર થતા દિલ્હી-મુંબઈ નેશનલ કોરિડોર હાઈવેના નિર્માણ સમયથી અનેક ગામડાઓની સમસ્યા વકરતી જાય છે. હાઈવે નિર્માણ માટે જે ખેડૂતોની જમીન સંપાદનમાં કરવામાં આવી છે. એ જ ખેડૂતોને અંધારામાં રાખીને હવે હાલાકીઓ ભોગવવાના દિવસો દેખાયા છે. હાઈવે નિર્માણ કરતા કોન્ટ્રાકટર અને દેખરેખ રાખતા જવાબદાર તંત્રની લાપરવાહીને કારણે નેશનલ કોરિડોર નિર્માણ કરતા કોન્ટ્રાકટર દ્વારા તેમની મરજી મુજબના ગરનાળા અને ગરનાળાને જોડતા રસ્તાઓ માત્ર માટી કામ પૂરતા છોડીને હાઈવે નિર્માણમાં વ્યસ્ત બની જતા હવે ચોમાસું સિઝનમાં સામાન્ય વરસાદને પગલે ગરનાળામાં વરસાદી પાણી સાત ફૂટ પાણી સુધી ભરાયાં છે. જ્યારે માટીના રસ્તાઓ કાદવ કીચડથી ગરકાવ થઈ જતાં ખેડૂતોને સીમના ખેતરોમાં આવવું જવું મુશ્કેલ બની જવા પામ્યું છે. અસરગ્રસ્ત એવા બાકરોલ ગામના ખેડૂતોના જણાવ્યા અનુસાર હાઈવે ગરનાળાની બીજી તરફ અંદાજીત 800 એકર જેટલી જમીન ખેતી વિહોણી બની રહે તેવી દહેશત વર્તાઇ રહી છે. હાઈવે નિર્માણ તંત્ર દ્વારા બનાવવામાં આવેલ નાળામાં ગળા સુધીનું પાણી અને કાદવ ભરાઈ જતા હવે સુકાઈ નહીં, ત્યાં સુધી ખેડૂતો પોતાના ખેતરોમાં પહોંચી શકવાના નથી અને ખેતીકામ કરી શકવાના નથી. તેવી વરવી વાસ્તવિકતા નિર્માણ થઇ છે. અત્રે ઉલ્લેખનીય છે કે, દિલ્હી મુંબઈ નેશનલ કોરિડોરના ગરનાળાના નિર્માણ સમયે ખેડૂતોએ નીચાણવાળા વિસ્તારને ધ્યાનમાં રાખીને ચોમાસું સિઝનમાં વરસાદના પાણીનો ભરાવો ના થાય તે માટે ગરનાળા સંલગ્ન પાકા રસ્તાઓ બનાવવાની રજૂઆત કરી હતી. તેમ છતાં માત્ર વિકાસની ગાથા ગાવા માટે હાઈવે નિર્માણની પેરવીમાં રાચતા વહીવટીતંત્રએ ખેડૂતોની સમસ્યાને આંખ આડા કાન કરીને ખેડૂતોને તેમના હાલ પર છોડી દેતાં છેવટે ચોમાસું સિઝનના પ્રારંભે ગરનાળાએ પોત પ્રકાશ્યુ છે. જેથી વરવી સમસ્યામાં ગરકાવ થઈ ગયેલા ખેડૂતોએ બેપરવાહ તંત્ર વિરૂદ્ધ ભારે આક્રોશ વ્યક્ત કર્યો છે. જેથી આગામી વરસાદ પહેલા ગરનાળા સંલગ્ન પાકા રસ્તાઓ સત્વરે બને તેવી લોકમાંગ ઉઠવા પામી છે.
ઉલ્લેખનીય છે કે, કાલોલ તાલુકા વિસ્તારમાંથી પસાર થતા દિલ્હી-મુંબઈ નેશનલ કોરિડોરના દરેક ગ્રામ્ય વિસ્તારમાં બનાવેલા ગરનાળાઓ અને ગરનાળાઓને જોડતા કાચા રસ્તાઓ પર ઠેરઠેર વરસાદી પાણી ભરાતાં ઠેરઠેર કાદવ કીચડમાં ગરકાવ થઈ ગયા છે. કાલોલ તાલુકાના ભાદરોલી ગામે પણ આવી વરવી સ્થિતિ સર્જાઈ છે, જેને કારણે ખેડૂતોને સીમના ખેતરોમાં જવું આવવું મુશ્કેલ બની ગયું છે. જેથી વિકાસના હવામહેલ બનાવી દેવાની ધુનમાં રાચતાં નેતાઓ અને વહીવટીતંત્ર ખેડૂતોની વરવી સ્થિતિ અંગે વિકાસના ઉલ્ટા ચશ્મા ઉતારીને ખેડૂતોની કેવી અને કેટલી દરકાર કરે છે. એ સળગતો સવાલ બની ગયો છે.