ગોધરા,
કૃષિ, પંચાયત અને પર્યાવરણ રાજ્યમંત્રી જયદ્રથસિંહ પરમારે આજે પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકામાં કિસાન સૂર્યોદય યોજનાનો શુભારંભ કરાવ્યો હતો. આ યોજના લાગુ થતા ગોધરા તાલુકાના ૪૧ ગામના ખેડૂતો લાભાન્વિત થશે અને કુલ ૧૨૪૯ કૃષિ જોડાણોને પિયત માટે દિવસે વીજપુરવઠાનો લાભ મળતો થશે. આ પ્રસંગે ગોધરા તાલુકાના ચંચેલાવ મુકામે યોજાયેલ કાર્યક્રમના અધ્યક્ષસ્થાનેથી બોલતા મંત્રી જયદ્રથસિંહ પરમારે જણાવ્યું હતું કે પિયત માટે રાત્રે વિજળી મળતી ત્યારે શિયાળા અને ચોમાસામાં ભારે તકલીફોનો સામનો કરવા પડતો અને ઝેરી જીવ-જંતુઓ તેમજ જાનવરોના હુમલાઓનો પણ મોટો ડર રહેતો.
આ અંગે મળેલી રજૂઆતોના પરિણામે ખેડૂતો માટે સદાય સંવેદનશીલ સરકારે પિયત માટે ખેડૂતોને દિવસે વીજપુરવઠો આપતી ક્રાંતિકારી કિસાન સૂર્યોદય યોજના લાગુ પાડવાનો નિર્ણય કર્યો છે અને તે અંતર્ગત બીજા તબક્કામાં પંચમહાલ જિલ્લાના કુલ ૧૧૮ ગામોને આવરી લેવાયા છે. તબક્કાવાર ૩૫૦૦ કરોડના ખર્ચે સમગ્ર રાજ્યના તમામ ગામોને પિયત માટે દિવસે વીજપુરવઠો મળતો થઈ જશે. મંત્રીએ ઉમેર્યું હતું કે, હાલના વડાપ્રધાન અને તે સમયના ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં જ્યોતિગ્રામ યોજનાના સફળ અમલીકરણથી શહેરી વિસ્તારોની માફક ગુજરાતના ગ્રામ્ય વિસ્તારોમાં પણ ૨૪ કલાક નિરંતર વીજપુરવઠો પુરો પાડીને રાજ્યે દેશમાં શ્રેષ્ઠ ઉદાહરણ રજૂ કર્યું હતું.
તેવી જ રીતે કિસાન સૂર્યોદય યોજનાના માધ્યમથી ગુજરાત ફરી એક વાર વીજ ક્રાંતિનો અનુકરણીય નમૂનો પ્રસ્તુત કરશે. કિસાનોને દિવસે વિજળી આપવા માટે રાજ્યના ઉર્જાક્ષેત્રે સરકારે કરેલા આંતરમાળખાકીય સુવિધાઓના કામો, સાત પગલા ખેડૂત કલ્યાણના કાર્યક્રમ ઉપલબ્ધ કરાવેલી સુવિધાઓ, પીએમ કિસાન સન્માન નિધી યોજના અંતર્ગત કિસાનભાઈઓને ખાતામાં રૂ.૬,૦૦૦/-ની સીધી વાર્ષિક સહાયનો ઉલ્લેખ કરતા મંત્રીએ જણાવ્યું હતું કે ખેડૂતોની આવક બમણી કરવા માટે સરકારે શ્રેણીબદ્ધ પગલા લીધા છે અને તેમને સિંચાઈ, ખાતર, સહાયક સાધનો, પાણી-વિજળી, ટેકનોલોજી, ધિરાણ-વીમો સહિતની બાબતોમાં શ્રેષ્ઠ સુવિધાઓ પૂરી પાડવા વર્તમાન સરકાર પ્રતિબદ્ધ છે.
કાર્યક્રમમાં ઉપસ્થિત પંચમહાલ સાંસદ રતનસિંહ રાઠોડે પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે સરકાર વર્ષ ૨૦૨૨ સુધીમાં ખેડૂતોની આવક બમણી કરવા કટિબદ્ધ છે અને કિસાન સૂર્યોદય યોજના આ દિશામાં મહત્વપૂર્ણ યોજના બની રહેશે. સાંસદએ જણાવ્યું હતું કે રાત્રે મળતી વિજળીથી દિવસે કામ અને રાત્રે આરામનો કુદરતી ક્રમ ખોરવાતો હતો, જેની વિપરીત અસરોથી હવે ખેડૂતોને મુક્તિ મળશે. મુખ્યમંત્રી દ્વારા હાલમાં પંચમહાલ જિલ્લામાં થયેલા ૩૫૦ કરોડથી વધુની સિંચાઈ યોજનાઓના ખાતમૂહુર્તનો ઉલ્લેખ કરતા તેમણે જણાવ્યું હતું કે રાજ્યના દરેક ખેડૂતને પાણી અને વિજળીની ઉત્તમ સુવિધાઓ પૂરી પાડવા સરકાર દ્રઢનિશ્ચયી છે.
ગોધરાના ધારાસભ્ય સી.કે.રાઉલજીએ જણાવ્યું હતું કે રાત્રે ખેતરોમાં દીપડા સહિતના પશુઓનો હુમલાનો ભય છે તેવા ઘોઘંબા-જાંબુઘોડા સહિતના અંતરિયાળ વિસ્તારોના ખેડૂતો આ યોજનાથી ખૂબ રાહત પામ્યા છે. એક અઠવાડિયું દિવસે અને એક અઠવાડિયું રાત્રે વિજળી મળતા ખેડૂતોના સામાજિક, કૌંટુમ્બિક સંબંધો ખોરવાતા હતા. જે ધ્યાનમાં લઈ ઘરવપરાશ, ઔદ્યોગિક અને કૃષિ એમ ત્રણેય પ્રકારના વપરાશ માટે દિવસે વીજપુરવઠો ઉપલબ્ધ કરાવવાનું ભગીરથ કાર્ય સરકારે ખેડૂતોના હિતમાં હાથ ધર્યું છે. કાર્યક્રમમાં કવિ કુંજના પુસ્તક- વિરલ વિભૂતીનું ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે વિમોચન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે જિલ્લાના અગ્રણી અશ્વિનભાઈ પટેલ, પૂર્વ સાંસદ પ્રભાતસિંહ ચૌહાણ, મોરવા હડફના પૂર્વ ધારાસભ્યસુ નિમિષાબેન સુથાર, સરદાર પટેલ જળસંચય યોજનાના ચેરમેન સરદારસિંહ બારૈયા, એપીએમસી ચેરમેન રાજેન્દ્રસિંહ ચૌહાણ સહિતના પદાધિકારીઓ- અગ્રણીઓ તેમજ જિલ્લા કલેક્ટર અમિત અરોરા, ઈન્ચાર્જ જિલ્લા વિકાસ અધિકારી એસ.કે. રાઠોડ, શહેરા પ્રાંત અધિકારી વિશાલ સક્સેના, એમજીવીસીએલના વરિષ્ઠ અધિકારીઓ તેમજ કિસાનો સોશિયલ ડિસ્ટન્સ સાથે ઉપસ્થિત રહ્યા હતા.
કિસાન સૂર્યોદય યોજનાના ગોધરા તાલુકામાં લોકાર્પણ સાથે જ તાલુકાના ૪૧ ગામોને દિવસે પિયત માટે વિજળી ઉપલબ્ધ કરવામાં આવશે, જેમાં ભાલોડીયા, ભીમા, ચાંચપુર, ગવાસી, ગોલી, ગુસર, કલ્યાણા, કંકણપુર, મોરયા, રેલીયા, વટલાવ, ધાનીત્રા, ઈચ્છા પગીના મુવાડા, જાળિયા, કરસણા, મોટાલ, ઓડીદરા, પઢિયાર, રીંછરોટા, ટુવા, વેગનપુર, વેલવડ, વિંઝોલ, ભલાણીયા, ભાણપુરા, ભાતપુરા, જીતપુરા, કરણપુરા, લાડુપુરા, પ્રતાપપુરા, તરબોરડી, તોરણા, વેરૈયા, આસરડી, ધાનોલ, હરકુંડી, લસરોડીયા, મહેલોલ, રાઈસિંગપુરા, રામપુરા (જોડકા), રાણીપુરાનો સમાવેશ થાય છે.