
ગોધરા ખાતે આવેલા રાજપૂત સમાજ ભવનમાં આજે એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. પંચમહાલ જિલ્લા રાજપૂત સમાજના પ્રમુખ સી.કે. રાઉલજીની અધ્યક્ષતામાં યોજાયેલી આ બેઠકમાં પંચમહાલ, મહીસાગર અને દાહોદ જિલ્લાના 200થી વધુ રાજપૂત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
પંચમહાલ જિલ્લા રાજપૂત સમાજની સ્થાપનાને 100 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે યોજાનાર શતાબ્દી મહોત્સવની તૈયારીઓ માટે આ બેઠક યોજવામાં આવી હતી. રેવા કાંઠા રાજપૂત સમાજના નામથી 25 ડિસેમ્બર 1925ના રોજ સ્થાપિત થયેલી આ સંસ્થા હવે પંચમહાલ જિલ્લા રાજપૂત સમાજ તરીકે કાર્યરત છે.

બેઠકમાં કડાણા, સંતરામપુર, લુણાવાડા, ખાનપુર, શહેરા, ગોધરા, સંજેલી, બિલવાણી અને કાલોલ સહિતના ગામોના આગેવાનોએ પોતાના વિચારો રજૂ કર્યા હતા. સંજેલીના મહારાજા શ્રી કામાખ્યા સિંહજી ચૌહાણે 51,000 રૂપિયાનું દાન આપીને શતાબ્દી મહોત્સવની ઉજવણીની શરૂઆત કરી હતી.
પ્રમુખ સી.કે. રાઉલજીએ શિક્ષણ અને રોજગારીના ક્ષેત્રે સમાજ દ્વારા વિશેષ આયોજન કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. તેમણે સમાજના લોકોને એકતાથી રહેવા અને શિક્ષણ પર વિશેષ ધ્યાન આપવા અપીલ કરી હતી.
બેઠક દરમિયાન રાજપૂત દાતાઓ દ્વારા કુલ 15 લાખથી વધુની રકમનું દાન જાહેર કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મહિલા સમાજના આગેવાનો, વડીલો અને યુવાનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. શતાબ્દી મહોત્સવની વિગતો ભારતસિંહ સોલંકીએ રજૂ કરી હતી અને કાર્યક્રમનું સમાપન મનહરસિંહજી પુવારે આભારવિધિ સાથે કર્યું હતું.