પંચમહાલ જિલ્લામાં રવિ પાકની પાયાની તૈયારી કરવા ખેડુતોને ડીએપી ખાતર મળતું નથી. ખેડૂતોને ડેપોમાં ડીએપી ખાતર મળતુ ન હોવાથી અન્ય એનપીકે ખાતર લેવા મજબૂર બન્યા છે. ત્યારે જિલ્લામાં 180 મે.ટન ડીએપી ખાતરનો જથ્થો બજારમાં હોવાનું જિલ્લાના ખેતી વિસ્તરણ અધિકારી જણાવી રહ્યા છે. જયારે ડેપો મેનેજર કહે છે એક માસથી જથ્થો આવ્યો જ નથી. તો 180 મેટ્રિક ટન જથ્થો ક્યાં છે ? તે પણ એક સવાલ ઉભો થાય છે. અને તંત્રના જ વિરોધાભાસી નિવેદનો વચ્ચે લોકો અટવાઇ રહ્યાં છે.
પંચમહાલ જિલ્લામાં રવિ સિઝનના પાકની વાવણી કરવાની ખેડૂતોએ તૈયારીઓ ચાલુ છે. રવિ પાક માટે પાયાના ખાતર માટે ખેડૂતો ડીએપી ખાતરનો ઉપયોગ કરતા હોય છે. પાયાના ખાતર લેવા ખેડૂતો પંચમહાલના ખાતર એગ્રો સેન્ટર પર ડીએપી ખાતર લેવા જતા ખાતર ન હોવાનું જણાવી રહ્યા છે. ડીએપી ખાતરની અછત હોવાનું જણાવીને ખાતર એગ્રોના વિક્રેતા તથા વેપારીઓ ડીએપી ખાતરને બદલે એનપીકે ખાતર લઇ જવાની સમજ આપી રહ્યા છે. પણ ખેડૂતો ડીએપી ખાતર લેવાની જ માંગ કરે છે. જિલ્લામાં રવિ સિઝનની તૈયારી કરી રહેલા ખેડૂતોને છેલ્લા એક માસથી વધુ સમયની ડીએપી ખાતર મળતું નથી. ખેડૂતો સવારથી એગ્રો સેન્ટરો પર ડીએપી ખાતર લેવા ફરે છે. પણ ડીએપી ખાતર ન મળતા નિરાશ થઇ જાય છે. ત્યારે જિલ્લામાં ખેતી વિસ્તરણ અધીકારી જિલ્લામાં 180 મે . ટન ડીએપી ખાતરનો જથ્થો ઉપલબ્ધ તેમજ વધુ ખાતરની માંગણી કરી હોવાનું જણાવી રહ્યા છે. ત્યારે જિલ્લામાં રવિ પાકના પાયાના ખાતર એવા ડીએપી ખાતરનો જથ્થો જિલ્લામાં મળતો ન હોવાથી ખેડૂતો અન્ય ખાતર લેવા મજબુર બન્યા છે.
છેલ્લા 1 માસથી ડીએપી ખાતર મળ્યું નથી ગોધરા તાલુકા ખરીદ વેચાણ સંધના ડેપોમાં ખાતરના જથ્થામાં યુરીયા અને નર્મદા ફોર્સનો જથ્થો છે. ડીએપી ખાતરનો જથ્થો એક માસ કરતા વધુ સમયથી નથી. ખેડૂતો ઘઉના પાક માટે ડીએપી ખાતર લેવા આવે છે. પણ ડીએપી ન હોવાથી નર્મદા ફોર્સ ખાતર આપીએ છીએ.> પરમાર લાલાભાઇ, મેનેજર, ડેપો
ડીએપી ના જથ્થાની વધુ માંગણી કરી છે જિલ્લામાં યુરીયાના 22 હજાર મે.ટન, એનપીએકે ખાતરનો 2200 મે.ટન તથા ડીએપીનો 180 મે.ટન જથ્થો ઉપલબ્ધ છે. ડીએપી ખાતરના જથ્થાની વધુ માંગણી પણ કરી છે. જિલ્લામાં ડીએપીને બદલે એનપીકે ખાતરનો ઉપયોગ ખેડૂતો કરી રહ્યા છે. ખાતરની અછત સર્જાઇ નથી.> આર.કે.સોનારા , વિસ્તરણ અધિકારી, પંચમહાલ