પંચમહાલ જિલ્લામાં ૨૨મી જાન્યુઆરી સુધી ૦૯ ઓનલાઈન ભરતી મેળા યોજાશે

ગોધરા,
મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ સ્વામી વિવેકાનંદ જ્યંતિ રાષ્ટ્રીય યુવા દિવસે રાજ્યના રોજગાર વાંચ્છુ યુવાઓ માટે રોજગારલક્ષી ઓનલાઇન કોલ સેન્ટર રોજગાર સેતુનો પ્રારંભ કરાવ્યો હતો. કાર્યક્રમમાં પંચમહાલ સહિત રાજ્યભરના જિલ્લાઓ ઈ-કોન્ફરિન્સિંગ મારફતે જોડાયા હતા. આ પહેલના પરિણામે રાજ્યનો કોઇ પણ યુવાન આ કોલ સેન્ટરનો નંબર૬૩-૫૭-૩૯૦-૩૯૦ ડાયલ કરીને રાજ્યના કોઇ પણ જિલ્લાની અભ્યાસલક્ષી, રોજગારલક્ષી અને સરકારની યુવાલક્ષી સહિતની યોજનાઓની માહિતી મેળવી શકશે.

રાજ્યના શ્રમ રોજગાર વિભાગના રોજગાર તાલીમ નિયામક કચેરી દ્વારા આ નવતર પહેલ સાથે મુખ્યમંત્રીએ ઓનલાઇન ભરતી મેળા પખવાડીયું (૧ર જાન્યુઆરીથી રપ જાન્યુઆરી)નો પણ પ્રારંભ કરાવ્યો હતો. પંચમહાલ જિલ્લામાં પણ રોજગાર સેતુ કાર્યક્રમ અંતર્ગત ૨૨મી જાન્યુઆરી સુધી કુલ ૦૯ ઓનલાઈન ભરતી મેળા યોજાશે, જેમાં ૮૦૦થી વધુ વેક્ધસીઓ વિવિધ કંપની દ્વારા ઓફર કરવામાં આવશે, જેનો મોટાપાયે લાભ લેવા જિલ્લાના રોજગારવાંચ્છુઓને રોજગાર અધિકારી એ.એલ.ચૌહાણે અપીલ કરી હતી. માનનીય મુખ્યમંત્રી દ્વારા રોજગાર સેતુ અને ઓનલાઈન ભરતીમેળા પખવાડિયાનાં શુભારંભ તથા એપ્રેન્ટીસશીપ યોજનાની પુસ્તિકાના ઈ-વિમોચન પ્રસંગે પંચમહાલ જીલ્લામાં ગોધરા, જિલ્લા સેવાસદન ખાતે કલેક્ટરની અધ્યક્ષતામાં કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે જિલ્લા રોજગાર અધિકારી એ.એલ.ચૌહાણ, આઈટીઆઈના પ્રિન્સિપાલ ભાવસાર તેમજ ખાનગી ક્ષેત્રનાં નોકરીદાતા એમ.જી.મોટર્સ, હાલોલ, સીએટ ટાયર્સ હાલોલ, ટીમ લીઝ વડોદરા, આર બી કાર્સ ગોધરા, ગુરૂકુળ મેનેજમેન્ટ ગોધરાનાં મેનેજર અને નોકરી મેળવેલ ઉમેદવારો ઉપસ્થિત રહ્યા હતા.