પ્રધાનમંત્રી પંચમહાલ જિલ્લાના જાંબુઘોડા તાલુકાના કાકરોલીયા ખાતેથી શહિદ રૂપસિંહ નાયક પ્રતિમા અને શાળાનું કરશે ઈ-લોકાર્પણ


ગોધરા,
વર્ષ 2012માં તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા ભવિષ્યમાં બાળકો રૂપસિંહ નાયકના બલિદાન વિશે માહિતગાર થાય તે માટે તેમના ઘર પાસે આવેલ દાંડિયાપુરા પ્રાથમિક શાળાનું નામ બદલીને રૂપસિંહ નાયક પ્રાથમિક શાળા કરવામાં આવ્યું હતું. પ્રધાનમંત્રી નરેંદ્રભાઈ મોદી પંચમહાલ જિલ્લાના જાંબુઘોડા તાલુકાના કાકરોલીયા ખાતેથી શહિદ રૂપસિંહ નાયક પ્રતિમા અને શાળાનું ઈ-લોકાર્પણ કરવાના છે. ત્યારે જાણીએ નાયકીરાજના પ્રણેતા અને જાંબુઘોડાના રાજા રૂપસિંહ નાયક વિશે.

પંચમહાલ જિલ્લાના જાંબુઘોડા તાલુકાના નાથપરી ગામે નાયકીરાજના પ્રણેતા રૂપસિંહ નાયકનો જન્મ વર્ષ 1815માં થયો હતો. તેમનું મૂળ વતન જાંબુઘોડા તાલુકાનું દાંડિયાપુરા ગામ હતું. સ્થાનિક લોકવાયકાઓમાં રૂપસિંહ નાયકને જાંબુઘોડાના રાજા તરીકે રજૂ કરવામાં આવે છે. રૂપસિંહ નાયક સ્થાનિક ગિરાસદાર હતા. તેમની પાસે દાંડિયાપુરા ગામે મેડીબંધ ઘર અને સેંકડોની સંખ્યામાં ઘેટા-બકરા, ગાયો-ભેંસો અને ઊંટ-ઘોડા જેવા પશુઓ હતા. રૂપસિંહ નાયકના પિતા ગોબર નાયકએ ગીરાસી ઝઘડામાં નારૂકોટના જાગીરદાર જગતા બારીયાના પિતાનું ખૂન કરેલું હતું. તેના બદલા રૂપે છોટાઉદેપુરના રાજાએ તેના બે ભાઈઓ સાથે ભેગા મળી ગોબર નાયકનું ખૂન કર્યું હતું.

આ જાગીરના વિવાદમાં નારૂકોટના જાગીરદાર જગતસિંહ બારીયા સાથે રૂપસિંહ નાયક સંઘર્ષમાં આવ્યા હતા. તેનો પ્રારંભ વર્ષ 1838 માં થયો હતો. તેઓ ગીરાસી હક અને વારસાગત વેરની તડપ પૂરી કરવા માંગતા હતા. નાયક આદિવાસીઓ અન્યાય અને વેરભાવ સહન કરી શકતા નથી માટે પરિણામોની ચિંતા કર્યા વગર રૂપસિંહ નાયકએ પણ વર્ષ 1838 થી નારૂકોટ રાજ્ય અને તેની રખેવાળ એવી અંગ્રેજ સરકાર સામે જંગ શરૂ કર્યો હતો. રૂપસિંહ નાયક એ નારૂકોટમાં જગત બારીયા અંગ્રેજો અને ગાયકવાડનો આશ્રિત હોવા છતાં તેની સત્તા કદી સ્વીકારી ન હતી. વેરની તડપમાં તેમણે જાંબુઘોડા પંથકને હચમચાવી નાખ્યો હતો. નારૂકોટનો જાગીરદાર પણ રૂપસિંહ નાયક અને તેમની સંગઠિત નાયક શક્તિની સામે લાચાર હતો. તેમનાથી બચવા તેણે ગાયકવાડ અને અંગ્રેજ સરકારને તેની ઉપજનો અડધો ભાગ લખી આપ્યો હતો. જેમાં ગાયકવાડી શાસનને તો નારૂકોટને નાયકોથી બચાવવામાં સરેઆમ નિષ્ફળતા મળી હતી.

વર્ષ 1838ના વિદ્રોહ વખતે રૂપસિંહ નાયક કે નાયક પ્રજાને વિશેષ સફળતા હાથ લાગી ન હતી, પરંતુ રૂપસિંહ નાયક ઝુંઝારૂં આદિવાસી નેતા હોવા ઉપરાંત મુત્સદી અને સમય પારખું હતા. તેમનું મનોબળ અને ઈચ્છાશક્તિ ઘણા મજબૂત હતા. વર્ષ 1838 પછી તેઓ અંદાજે બે દાયકા સુધી શાંત રહ્યા હતા. વર્ષ 1857માં અંગ્રેજો વિરૂદ્ધ સંગ્રામ શરૂ થયો. જેમાં સમય પારખી રૂપસિંહ નાયકએ પણ ઝંપલાવ્યું. તાત્યા ટોપેના લશ્કર, સ્થાનિક મકરાણીઓ વગેરેનો સાથ મેળવી તેમણે અંદાજે વર્ષ સુધી હાલોલ થી દેવગઢ બારિયા સુધીના વિસ્તારોમાં તોફાન મચાવી દીધું. સ્થાનિક લશ્કર કે અંગ્રેજો પણ તેમના આંદોલનને નાથવા સક્ષમ ન હતા. વર્ષ 1857 ના સંગ્રામમાં રૂપસિંહ નાયકની સેનાએ સુબેદાર સહિત સાત માણસોને માર્યા હતા. કેપ્ટન હેવર્ડ સહિત 11 માણસોને ઘાયલ કર્યા હતા. રૂપસિંહએ આ આરપારનો સંઘર્ષ 18 ઓક્ટોબર 1858 થી 7 માર્ચ 1859 સુધી એટલે કે છ મહિના સુધી ચલાવ્યો હતો. આ સમયે રૂપસિંહ સાથે અંદાજે 5000 જેટલા મરણીયાઓ ઝનૂન પૂર્વક લડતા હતા. તેઓ તીરકામઠા ઉપરાંત દેશી બંદૂકોથી સજજ હતા. તેમના ખોફનો ભોગ અંગ્રેજો ઉપરાંત જમીન જાગીરદારો અને સ્થાનિક શરાફો પણ બન્યા હતા. આ સમયે નાયકાઓનું જોર એટલું પ્રચંડ હતું કે, સ્થાનિક રજવાડાઓ તો તેમનાથી થરથર કાપતા હતા. જેને દબાવી દેવા બે યુરોપિયન અધિકારીઓ સહિત વડોદરા, દેવગઢ બારિયા, છોટાઉદેપુર જેવા રાજ્યોની સેના બોલાવવામાં આવી હતી. જેના પરથી રૂપસિંહ નાયકની તાકાત અને અંગ્રેજો તેમને કેટલી ગંભીરતાથી લેતા હતા તેના પરિચય મળે છે. આખરે રૂપસિંહ નાયકના સંઘર્ષનો અંત કેપ્ટન રિચાર્ડ બોર્નરે આણ્યો હતો. રૂપસિંહ નાયક અને નાયક ક્રાંતિકારીઓને પંચમહાલ ભીલ સેનાની મદદથી પકડવામાં આવ્યા હતા. આશ્ચર્યજનક બાબત એ હતી કે, વર્ષ 1857માં અંગ્રેજોનો પરસેવો પાડી દેનાર રૂપસિંહ નાયકને અંગ્રેજ શાસને માફી બક્ષી હતી.

રૂપસિંહ નાયકના વારસાગત હક્કો પચાવી પાડવામાં અને તેના પિતાના ખૂનના ગુનામાં નારૂકોટ ઉપરાંત છોટાઉદેપુર, દેવગઢ બારિયા જેવા સ્થાનિક રજવાડાઓ પણ સમાન રીતે દોષિત હતા. બ્રિટિશ સત્તા આદિવાસીઓ વિરૂદ્ધ રજવાડા- જાગીરદારોરૂપી સામંત સાહી પરિબળોને પોશતી હતી. જે રૂપસિંહ નાયક માટે દેશી ઉપરાંત પરદેશી સામ્રાજ્યવાદીઓ સામે લડવાનું મહત્વપૂર્ણ કારણ બન્યું હતું. રૂપસિંહ નાયક વ્યક્તિગત અન્યાય ઉપરાંત નાયકા, બારીયાઓના હિતોનો પણ રખેવાળ હતો. સામંતશાહી અર્થતંત્રનો મજબૂત પાયો વેઠપ્રથા હતી. રૂપસિંહ આવા આર્થિક શોષણના વિરોધની આગેવાની લીધી હતી. જેથી નાયકા અને બારીયાઓની સંગઠિત તાકાત તેની સાથે હતી.

ટૂંકમાં, સામાજિક અન્યાય અને આર્થિક શોષણ વિરૂદ્ધ રૂપસિંહ નાયકના નેતૃત્વમાં નાયકો પોતાનું આંદોલન ચલાવી રહ્યા હતા. જેનો પ્રારંભ વર્ષ 1838 થી થયો હતો જેનો અંત વર્ષ 1868 માં નાયકોની શહીદી અને પાંચ નાયકોની ફાંસી સાથે આવ્યો.

2 ફેબ્રુઆરી 1868 થી 14 ફેબ્રઆરી 1868 વચ્ચેના 12 દિવસોમાં તેમણે અંગ્રેજ અને દેશી રજવાડાઓના લશ્કરો ઉપર હુમલાઓ કરી ત્રાહિમામ કર્યા એમની વિરૂદ્ધ બ્રિટિશ સત્તાએ કરેલી લશ્કરી કાર્યવાહીમાં આદિવાસી અને બારીયા યુવાનો શહીદ થયા. અનેક નાયક આદિવાસીઓ સાથે રૂપસિંહ નાયકને પણ જીવતા પકડવામાં આવ્યા. વડેક ની લડાઈ પછી તેઓ નાશી છૂટ્યા હતા. તેઓની પકડાવાની કોઈ શક્યતા ન હતી, પણ તેમના ભાઈ રાવલ ગોબરને તાજનો સાક્ષી બનાવી તેની મદદથી રૂપસિંહને જંગલમાંથી પકડવામાં આવ્યા હતા. તેમની ઉપર ઇન્ડિયન પીનલ કોડ ની કલમ 121, કલમ 125 મુજબ ખાસ અદાલતમાં કેસ ચલાવવામાં આવ્યો. બ્રિટિશ સત્તા સામે ત્રણ દાયકાઓથી હિંમતભેર લડી રહેલા રૂપસિંહ નાયક ને 16 એપ્રિલ 1868 ના દિવસે ફાંસીની સજા ફટકારવામાં આવી. 16 એપ્રિલ 1868 ના દિવસે પાંચ યોદ્ધાઓને ફાંસી આપવાથી તેમની યાદમાં દર વર્ષે 16 એપ્રિલને શહીદ દિવસ તરીકે મનાવવામાં આવે છે.