પંચમહાલ જીલ્લામાં વધુ ૨૫ કેસ પોઝીટીવ : ગોધરા સ્થિત પંચમહાલ જીલ્લા શિક્ષણાધિકારી કચેરીમાં ચાર કર્મચારીઓ કોરોના સંક્રમિત

  • બે એજ્યુકેશન ઇન્સ્પેક્ટર, એક ઓફીસ સુપ્રીટેડેન્ટ અને એક ક્લાર્કનો આવ્યો કોરોના પોઝિટિવ રિપોર્ટ
  • કચેરીમાં એક સાથે ચાર કર્મચારીઓને પોઝિટિવ રિપોર્ટ આવતાં જ અન્ય કર્મચારીઓમાં ફફડાટ ફેલાયો
  • શિક્ષકો બાદ હવે શિક્ષણ અધિકારી કચેરીના કર્મચારીઓ પણ કોરોનાની ઝપેટમાં

ગોધરા,દિવસ દરમ્યાન માઘ્યમિક તથા ઉચ્ચતર મા. શાળાના આચાર્યો અને સ્ટાફના અવરજવર થી વ્યસ્ત રહેતી ગોધરામાં આવેલી પંચમહાલ જીલ્લા શિક્ષણ અધિકારીમાં ફરજ બજાવતા ૦૪ જેટલા કર્મચારીઓ કોરોનાની ઝપેટમાં આવતાં ફફડાટની લાગણી વ્યાપી ગઈ હતી. એક જ કચેરીમાં પોઝીટીવ કેસનો વધારો થતાં આરોગ્ય ટીમની મદદ થી શારીરિક ચકાસણી શરૂ કરવા સાથે કોવિડ-૧૯ની ગાઈડ લાઈન મુજબ કચેરી કાર્યરત રાખીને કામગીરી કરવામાં આવનાર છે.

છેલ્લા ૧૦ દિવસ થી દેશભરમાં કોરોના એ માથું ઉચકયું છે. અગાઉ ૩ માસ પૂર્વે ધીરેધીરે કોરોનાના કેસોમાં ધટાડો થવાની સાથે કોવિડ-૧૯ની રસી શોધવામાં આવ્યાના સમાચારો વચ્ચે એક રાહતનું કિરણ જોવા મળ્યું હતું. પંચમહાલ જીલ્લામાં પણ હવે જાણે કોરોના એ વિદાય લીધી હોય તેવા માહોલ વચ્ચે લોકો નિશ્ર્ચિંત રહીને રોજીંદી કામગીરીમાં પોરવાઈ ગયા હતા. પરંતુ છેલ્લા ૧૦ દિવસ થી અચાનક પોઝીટીવ કેસોમાં ઉત્તરોતર વધારો પંચમહાલ જીલ્લામાં નોંધાઈ રહ્યો છે. વિતેલા ૩ દિવસમાં રોજીંદા ૨૦ ઉપરાંત પોઝીટીવ કેસો બહાર આવતા લોકોમાં ચિંતાની લાગણી વ્યાપવા સાથે આરોગ્ય તંત્રમાં દોડધામ મચી ગઈ છે. થાળે પડેલ કોરોનાની મહામારી વચ્ચે આરોગ્ય તંત્ર દ્વારા અગાઉ સર્વે કરાયેલા સીનીયર સીટીઝનોને કોરોનાની રસીકરણ માટે પ્રોત્સાહિત કરાઈને કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. અને આગામી પહેલી ૧ એપ્રિલ થી ૪૫ વર્ષના તમામને કોરોનાની રસી આપવામાં આવનાર છે. સંક્રમણને વધુ ફેલાતો અટકાવવા અને બચાવ કામગીરી અંતર્ગત એક તરફ ચાલી રહેલા રસીકરણના અભિયાનને મોળો પ્રતિસાદ સાંપડી રહ્યો છે. તો બીજી તરફ કોરોનાની રોકેટ ગતિ એ પોઝીટીવ કેસોની સંખ્યામાં વધારો થતાં આરોગ્ય વિભાગ પણ સજાગ બનીને દદીની સારવાર માટે જોતરાયું છે. આરોગ્ય વિભાગ દ્વારા વિવિધ કચેરીઓમાં ફરજ બજાવતા કર્મચારીઓ માટે રસીનો લાભ અપાઈ રહ્યો છે. તેવા સમયે દિવસ દરમ્યાન માઘ્યમિક તથા ઉચ્ચતર મા. શાળાના આચાર્યો અને સ્ટાફના અવરજવર થી વ્યસ્ત રહેતી ગોધરામાં આવેલી પંચમહાલ જીલ્લા શિક્ષણ અધિકારીમાં ફરજ બજાવતા ૦૪ જેટલા કર્મચારીઓ કોરોનાની ઝપેટમાં આવતાં ફફડાટની લાગણી વ્યાપી ગઈ હતી. દિવસ દરમ્યાન જીલ્લાભરની વિવિધ શાળાઓમાંથી કામ અર્થે આવતા આચાર્યો, શિક્ષકો, કારકુનની અવરજવર થી ધમધમતી આ કચેરીમાં સંક્રમણ ફેલાઈને એકસાથે ચાર કર્મચારીઓ કોરોનાની ઝપેટમાં આવતા વાલીઓમાં ચિંતાની લાગણી વ્યાપી ગઈ છે. કારણ કે, આ સંક્રમણ ધરાવતા કર્મચારીઓ સંભવિત શાળામાં પહોંચીને બાળકો સમક્ષ સંપર્કમાં આવી શકે છે. અને નાના બાળકો જલ્દી આ રોગમાં સપડાતા હોય છે. તેવા સમયે શાળાના શિક્ષકો પણ જરૂરી કાળજી રાખે તે જરૂરી બન્યું છે. અગાઉ વિવિધ વિસ્તારની એક જ શાળાના બે થી વધુ શિક્ષકો પણ કોરોનાની ઝપેટમાં આવેલા હોવાનું બહાર આવેલું છે અને ધીરેધીરે શિક્ષક આલમમાં પણ કોરોનાની ગતિ વધી રહી છે. તે શિક્ષણ જગત માટે ચિંતાનું કારણ છે. ત્યારે ગોધરામાં આવેલી પંચમહાલ જીલ્લા શિક્ષણાધિકારી કચેરીના ચાર કર્મચારીઆ કોરોનાના રોગમાં સપડાતા તાત્કાલીક અસર થી કોરોનાગ્રસ્ત કર્મચારીઓને હોમ કવોરન્ટાઈન કરીને તેઓને રજા આપવામાં આવી હતી અને સરકારની કોવિડ-૧૯ની ગાઈડ લાઈન મુજબ સમગ્ર કચેરીઓને સેનેટાઈઝેશન કરવા સાથે સોશ્યલ ડિસ્ટન્સનું પાલન કરવામાં આવનાર છે.

આજે ૨૫ પોઝીટીવ કોરોનાના કેસ…

પંચમહાલ જીલ્લા પંચાયત આરોગ્ય શાખાના સૂત્રોના જણાવ્યા અનુસાર તા.૨૬ માર્ચના રોજ જીલ્લાભરમાં ૨૫ ઉપરાંત પોઝીટીવ કેસ મળ્યા છે. જેમાં શહેરી વિસ્તારના ગોધરામાં ૧૪, હાલોલ-૭, કાલોલ-૩ કેસ છે. તેવી રીતે દિવસ દરમ્યાન ગોધરા તાલુકાના ગ્રામ્ય વિસ્તારના એકમાત્ર કેસ મળી આવ્યો છે. અને આજે ૩૮ દર્દીઓ સાજા થતાં તેઓને રજા આપવામાં આવી હતી. જો પોઝીટીવ કેસો ઉપર નજર નાખવામાં આવે તો અત્યાર સુધી કુલ ૪૩૬૨ પોઝીટીવ કેસ નોંધાવાની સાથે ૪૦૨૦ દર્દીઓને રજા અપાતા હાલમાં ૧૯૯ એકટીવ દર્દીઓ છે.