પંચમહાલ જીલ્લાની સ્થાનિક સ્વરાજની ચુંટણીના રાજકીય ગરમાવા સાથે દાવેદારોના ફોર્મ ચકાસણી પ્રક્રિયાથી ઉત્તેજના વચ્ચે ચુંટણી ચિત્ર સ્પષ્ટ

  • દિવસો થી જામેલ વિવિધ બેઠકોને ઉમેદવારો અંગેની ચર્ચાઓના દોરનો અંત.
  • ગોધરા સહિતના વિવિધ તાલુકા મથકો એ ઉમેદવારોની સ્થિતી જાણવા લોક ટોળા ઉમટયા.
  • મનામણા કરાયેલા ઉમેદવારો લઈને ફોર્મ પરત ખેંચવા માટે પહોંચતા ચર્ચાનો વિષય બન્યો.
  • પળેપળેની વિગતો ઉત્સાહભેર ઉમટી પડેલા ટેકેદારો અને ઉમેદવારો એ અરસપસર વહેંચી.
  • ચુંટણી પૂર્વે જુદી જુદી બેઠકો ઉપર કોંગ્રેસના તથા અપક્ષો એ દાવેદારી પરત ખેંચીને ભાજપાને વિજયની ભેટ આપી.
  • ધોધંબા જી.પં.ની કાનપુર બેઠક ભાજપની ઝોલીમાં.
  • નવાગામ તાલુકા પંચાયત બેઠક પર ભાજપના રંગેશ્ર્વરીબેન રાઠવા બિનહરીફ
  • કાનપુર બેઠક બિનહરીફ થયા બાદ સોશિયલ મીડિયામાં પૈસા લઈ ફોર્મ પરત ખેંચવા અંગે ઓડિયો કલીપ વાયરલ.
  • શહેરા તાલુકામાં વિવિધ ૧૬ બેઠકો બિનહરીફ થતા ભાજપ કાર્યાલય ખાતે ફટાકડા ફોડી મીઠાઈ વહેંચી.
  • કાલોલ તાલુકા પંચાયતની કરોલી અને અલવા બેઠકો બિનહરીફ થઈ.
  • ફોર્મ પરત ખેંચવાની પ્રક્રિયામાં કાલોલ ધારાસભ્ય સુમનબેન ચૌહાણ અને કોંગ્રેસ તાલુકા મહામંત્રી પ્રદ્યુમનસિંહ પરમાર વચ્ચે થઈ શાબ્દિક બોલાચાલી.
  • હાલોલ તાલુકા પંચાયતની ૨૩ બેઠકો માટે ૫૫ ઉમેદવારો.
  • હાલોલ જીલ્લા પંચાયતની ૦૫ બેઠકો માટે ૧૧ ઉમેદવારો.

ગોધરા,
આગામી યોજાનાર પંચમહાલ જીલ્લાની સ્થાનિક સ્વરાજની ચુંટણીના પગલે દિવસો થી જામેલ રાજકીય ગરમાવા વચ્ચે ભાજપ-કોંગ્રેસ સહિતના અપક્ષો એ નોંધાવેલી દાવેદારીની આજે મંગળવારના રોજ ચકાસણી પ્રક્રિયાને લઈને ભારે ઉત્તેજના સર્જાઈ હતી. ગોધરા સહિતના વિવિધ તાલુકા મથકો એ હરીફ ઉમેદવારોની સ્થિતી જાણવા તથા મનામણા કરાયેલા ઉમેદવારો લઈને ફોર્મ પરત ખેંચવા માટે પહોંચતા ચર્ચાનો વિષય બન્યો હતો. દિનભરની ચહલપહલ, વિરોધ વંટોળ અને ફરીફોના ફોર્મ પરત ખેંચાવા જેવી પળેપળેની વિગતો ઉત્સાહભેર ઉમટી પડેલા ટેકેદારો અને ઉમેદવારો એ અરસપસર વહેંચીને રાજકીય ગણતરીઓ માંડી હતી. વિવિધ જીલ્લા પંચાયત તથા તાલુકા પંચાયતની જુદી જુદી બેઠકો ઉપર કોંગ્રેસના તથા અપક્ષો એ દાવેદારી પરત ખેંચીને ભાજપાને વિજયની ભેટ આપી દીધી હતી. ચુંટણી પૂર્વે ભાજપના ઉમેદવારો બિનહરીફ જાહેર થતાં ભાજપા વર્તુળોમાં ખુશીની લ્હેર વ્યાપી ગઈ હતી. જેમાં સૌથી વધુ શહેરા તાલુકામાં જીલ્લા પંચાયત અને જીલ્લા પંચાયતની ૧૪ બેઠકો બિનહરીફ જાહેર થતાં ભાજપા ગેલમાં આવી ગયંું છે. ઠેરઠેર ભગવો લહેરાવાની શ‚આત થયાનો સંકેત આપ્યો હોવાના કાર્યકરો અંદાજ લગાવી રહ્યા છે. છેવટે નમતી સાંજે ચંુંટણી ચિત્ર સ્પષ્ટ થવાની સાથે ચિન્હો ફાળવણી પ્રક્રિયા હાથ ધરાવાની સાથે હરીફો ઉમેદવારોની જાહેરાત કરાતા ઉમેદવારો એ પોતાના મત વિસ્તારમાં ચુંટણી પ્રચારની શરૂઆત કરી દીધી છે અને ઠેરઠેર કાર્યાલયોના ઉદ્ધાટનોની શરૂઆત થઈ ચૂકી છે.

ઘોઘંબા તાલુકામાં ચૂંટણી પહેલા જ ભાજપે બે બેઠકોમાં બાજી મારી છે. કાનપુર જિલ્લા પંચાયત અને નવાગામ તાલુકા પંચાયત બેઠકો થઇ બિનહરીફ થઇ છે. કાનપુર જી.પં.માં કોંગ્રેસના ઉમેદવાર રમેશભાઈ રણછોડભાઈ રાઠવા એ પોતાની ઉમેદવારી પરત ખેંચી છે. નવાગામ તાલુકા પંચાયતમાં કોંગ્રેસના બકીબેન દિનેશભાઇ રાઠવા એ ફોર્મ પરત ખેંચ્યું છે. જિલ્લા પંચાયત કાનપુર બેઠક પર ભાજપના રંગીતભાઈ ભોદરભાઈ રાઠવા અને નવાગામ તાલુકા પંચાયત બેઠક પર ભાજપના રંગેશ્ર્વરીબેન રાઠવા બિનહરીફ થયા છે. કે જે રંગેશ્ર્વરીબેન રાઠવા માજી સાંસદ પ્રભાતસિંહ ચૌહાણના ધર્મપત્ની છે. આમ, કાનપુર જિલ્લા પંચાયત બેઠક બિનહરીફ થવાનો મામલો સોશ્યલ મીડીયામાં ચર્ચાનો વિષય બન્યો હતો. બેઠક બિનહરીફ થયા બાદ સોશિયલ મીડિયામાં પૈસા લઈ ફોર્મ પરત ખેંચવા અંગે ઓડિયો કલીપ વાયરલ થઈ હતી. બિનહરીફ કરવા માટે માંગો એટલો વ્યવહાર પતાવી આપવાનો ઉલ્લેખ છે. ઓડિયો ક્લિપમાં માહિપાલસિંહ નામનો વ્યક્તિ કાનપુર બેઠક ને બિનહરીફ કરી આપવા માટે અલગથી માંગો એટલો વ્યવહાર આપવાની વાત કરી રહ્યો છે.

સૌથી વધુ જીલ્લામાં શહેરા તાલુકા પંચાયતની ૧૨ બેઠકો જ્યારે જિલ્લા પંચાયતની ૦૩ બેઠકો તેમજ શહેરા નગરપાલિકાની ૨ બેઠકો બિનહરીફ થઈ છે. જેમાં માતરિયાવ્યાસ, ખોજલવાસા, પાદરડી, બોરીઆ બોડીદ્રાખુર્દ, તાડવા, ઉંમરપુર, અણીયાદ, દલવાડા, શેખપુર, ખટકપુર અને નરસાણા તાલુકા પંચાયત બેઠક બિનહરીફ થઈ છે. જ્યારે દલવાડા, નાંદરવા અને અણીયાદ જિલ્લા પંચાયત બેઠક થઈ બિનહરીફ છે. શહેરા નગરપાલિકાના વોર્ડ ૦૧ માં બે મહિલા ઉમેદવાર બિનહરીફ થયા છે. આમ, ૧૭ જેટલી બેઠકો ભાજપા એ ચુંટણી પૂર્વે હસ્તગત કરી લીધી છે. બિનહરીફ થનાર તમામ ઉમેદવારો ભાજપના હોવાને લઈને ભાજપા વર્તુળમાં આનંદની લાગણી વ્યાપી છે. જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાની બેઠકો બિનહરીફ થતા ભાજપમાં ખુશીનો માહોલ સર્જાતા શહેરા તાલુકા ભાજપ કાર્યાલય ખાતે ફટાકડા ફોડી મીઠાઈ વહેંચી ભાજપે ખુશી વ્યક્ત કરી હતી.
કાલોલ તાલુકા પંચાયતની બે બેઠકો બિન હરીફ થતા કરોલી અને અલવા બેઠકોનો સમાવેશ થાય છે. ચૂંટણી પહેલા જ આ બંને બેઠકો પર ભગવો લ્હેરાયો હતો. કોંગ્રેસ ના બે ઉમેદવારો એ ફોર્મ પરત ખેંચતા બેઠકો થઈ બિનહરીફ થઈ છે. જેમાં કરોલી બેઠક પર કોંગ્રેસ ના પદમીકાબેન ગોહિલે અને અલવા બેઠક પર કોંગ્રેસ ના જ શારદાબેન ડામોરે ઉમેરવારી પત્રો પરત ખેંચ્યાનો સમાવેશ થાય છે. તેના કારણે કરોલી બેઠકના બિનહરીફ થયેલા ભાજપના ઉમેદવાર ભારતીબેન જાદવ કે જે, પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખ રાજપાલસિંહ જાદવના ધર્મપત્ની છે. અલવા બેઠક પર ભાજપના સવિતાબેન રાઠવા બિન હરીફ થયા છે. ફોર્મ પરત ખેંચવાની પ્રક્રિયામાં કાલોલ ધારાસભ્ય સુમનબેન ચૌહાણ અને કોંગ્રેસ તાલુકા મહામંત્રી પ્રદ્યુમનસિંહ પરમાર વચ્ચે થઈ શાબ્દિક બોલાચાલી હોવાનું જાણવા મળેલ છે.
હાલોલ તાલુકામાં આવતી ચૂંટણી જંગ સ્પષ્ટ થઇ ગયું છે. તાલુકાની ૨૪ બેઠક માટે ચૂંટણી જાહેર થઇ હતી. જેમાં કંજરી બેઠકમાં ભાજપ સિવાય બીજું એક પણ ફોર્મ નહિ ભરતા આ કંજરીની બેઠક બિનહરીફ હતી. જ્યારે બાકી રહેલ ૨૩ માટે ઉમેદવારીપત્ર પરત ખેંચવાના નિર્ધારિત સમય બાદ ૫૫ ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ યોજાવાનું ચિત્ર સ્પષ્ટ થઇ ગયું છે. મંગળવારના રોજ ઉમેદવારીપત્ર પરત ખેંચવાના દિવસે મસવાડ, ઉજેતી, વરસડા તેમજ નવાગામ આમ ૦૪ તાલુકા પંચાયત બેઠકના અપક્ષ ઉમેદવારોએ પોતાની ઉમેદવારી પરત ખેંચી લીધા બાદ ભાજપા કોંગ્રેસ આમ આદમી પાર્ટી તેમજ અપક્ષ એમ કુલ મળી ૨૩ તાલુકા પંચાયત બેઠકો માટે ૫૫ ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ થશે.

જ્યારે જિલ્લા પંચાયતની ૦૫ બેઠકો માટે ભાજપાના ૦૫ ઉમેદવારો કોંગ્રેસના ૫ ઉમેદવાર તેમજ ૦૧ આમ આદમી પાર્ટીના ઉમેદવાર વચ્ચે ચૂંટણી જંગ યોજાનાર છે. જ્યારે તાલુકા પંચાયતની ૨૩ બેઠકો માટે ભાજપાના ૨૩ ઉમેદવાર કોંગ્રેસના ૨૩ ઉમેદવાર તેમજ આમ આદમી પાર્ટીના ૦૩ ઉમેદવાર તેમજ ૦૬ અપક્ષ ઉમેદવાર દ્વારા ૨૩ બેઠકો માટે ચૂંટણી જંગ ખેલાનારા હોવાનું ચિત્ર સ્પષ્ટ થઇ ગયું છે.