ગોધરા,
ચુંટણી નજીક આવતાં કોંગ્રેસ દ્વારા પંચમહાલ જીલ્લા પંચાયત, તાલુકા પંચાયત તથા નગર પાલિકાના ઉમેદવારોની આખરી પસંદગી માટેની કવાયતના ભાગપ ગોધરાના કોર કમિટીની બેઠક પ્રદેશ ઉપપ્રમુખના અધ્યક્ષ સ્થાને યોજાઈને જરૂરી ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. દરમ્યાન નામોની યાદીની શોર્ટ લીસ્ટ કરવામાં આવી હતી.
ચુંટણી કાર્યક્રમ નજીક આવી રહ્યો છે. તેમ તેમ રાજકીય પક્ષોમાં દાવેદારો ભૂગર્ભ માંથી બહાર આવી રહ્યા છે. કોંગ્રેસમાં પણ તાલુકા અને નગર પાલિકાની ચુંટણીમાં ઉતરવા માટે થનગનાટ અનુભવી રહ્યા છે. ભૂતકાળમાં ચુંટણી લડીને જીતેલા અને પરાજીત ઉમેદવારો કોંગ્રેસના ચિન્હો ઉપર લડવા માટે દાવેદારી જીલ્લા કોંગ્રેસ સમિતી સમક્ષ મૂકી છે. વળી, પોતાના ગોડફાધરોની શરણે જઈને ટીકિટ ક્ધફોર્મ કરવાની દોડધામ આદરી રહ્યા છે. પરંતુ કોંગ્રેસ માટે પણ એક બેઠક ઉપર એકથી વધુ ઉમેદવારોની રાફડો ફાટતા કોંગ્રેસ પણ પસંદગી માટે મૂંઝવણમાં મૂકાયો છે. મોટી સંખ્યામાં દાવેદારી આવતા પસંદગી કરતાઓ માટે પણ કોઈ એક ચહેરા પર મ્હોર મારવી તે એક માથાપટ્ટી બની છે. હવે ચુંટણી નજીક હોવાથી વહેલીતકે આખરી ઉમેદવારની પસંદગી માટે ગોધરા પ્રદેશ કાર્યાલય ખાતે કોંગ્રેસ પ્રદેશના ઉપપ્રમુખ અને મધ્ય ઝોન પ્રભારી ર્ડા. જીતેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કોર કમિટીની બેઠક યોજાઈ હતી. જેમાં સ્થાનિક સ્વરાજની ચુંટણીઓ માટે ઉમેદવારોના નામોની યાદી શોર્ટ લીસ્ટ કરવા અંગે ચર્ચા કરાઈ હતી. ત્યાર બાદ જીલ્લા પંચાયતની ૩૮ બેઠકો માટે આવેલ ૯૧ ઉમેદવારોના નામ સામે ૬૦ નામોનું લીસ્ટ તૈયાર કરાયું હતું. તેવી રીતે જીલ્લાની ૭ તાલુકા પંચાયતની ૧૭૮ બેઠકો માટે આવેલા ઉમેદવારોમાં ૩૭૩ નામો સામે ૨૫૦ નામોની પસંદગી કરાઈ હતી. આ ઉપરાંત સૌથી વધુ ધ્યાન ખેંચતી ગોધરા નગર પાલિકાની કુલ ૧૧ વોર્ડ પૈકી ૬ વોર્ડ માટે આવેલા ૬૦ નામો માંથી શોર્ટ લીસ્ટ કરવી કોંગ્રેસ માટે માથાના દુ:ખાવારૂપ બની હતી. કારણ કે, આ વોર્ડમાં સૌથી વધુ ઉમેદવારો એ કોંગ્રેસના ચિહ્નની માંંગણી કરવામાં આવતાં ઉપસ્થિત હોદ્દેદારોને પણ માપદંડ અંગે દ્વિધા અનુભવી હતી. છેવટે આ ૬ વોર્ડમાં આવેલા સૌથી વધુ ૬૦ ઉમેદવારો પૈકી શોર્ટ લીસ્ટ કરવા માટે ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠકમાં જીતી શકે તેવા ઉમેદવારો ઉપર પસંદગીનો કળશ ઢોળાશે.
ત્યારે હવે જોવું રહ્યું કે કોંગ્રેસ કેટલી બેઠકો પર પોતાના ઉમેદવાર ને ચૂંટણી જંગમાં ઉતારે છે.તે તો આવનાર દિવસોમાં જ બહાર આવશે.
ટુંક સમયમાં નામો જાહેર કરવામાં આવશે……
પંચમહાલ જીલ્લા કોંગ્રેસ પ્રમુખ અજીતસિંહ ભાટીના જણાવ્યા પ્રમાણે આ ચૂંટણીમાં કોંગ્રેસ સંપૂર્ણ તૈયારી સાથે ઉતરી છે.મોટાભાગની બેઠકો પર કોંગ્રેસ પોતાના ઉમેદવાર ને ટીકીટ આપશે. જેના માટે તમામ પ્રકારની તૈયારી કરવામાં આવી રહી છે. ટુંક સમયમાં ઉમેદવારના નામોની જાહેરાત પણ સત્તાવાર રીતે કરવામાં આવશે. આજની બેઠકમાં પ્રદેશ ઉપપ્રમુખ તથા સંગઠનના હોદ્દેદારો સાથે ચુંટણીલક્ષી ચર્ચા કરવા અંગે સક્ષમ ઉમેદવારોની પસંદગી બાબતેની વિસ્તૃત પૂર્વક ચર્ચા કરવામાં આવી છે. અને ટુંક સમયમાં નામો જાહેર કરવામાં આવશે.