પંચમહાલ જીલ્લામાં આરોગ્ય વિભાગમાં આઉટ સોર્સીંગ કર્મચારીઓને બે માસથી વેતન ન ચુકવતા કર્મચારીઓ દ્વારા જીલ્લા પંચાયત હોબાળા

ગોધરા,
પંચમહાલ જીલ્લામાં એમપીએચડબલ્યુ તરીકે ફરજ બજાવતા આઉટ સોર્સીંગ એજન્સી દ્વારા બે માસ ઉપરાંતના સમયથી વેતન ચુકવવામાં આવ્યું ન હોય જેને લઈ આઉટ સોર્સીંગ એજન્સીના આરોગ્ય કર્મચારીઓ દ્વારા ગોધરા જીલ્લા પંચાયત ખાતે હોબાળો મચાવ્યો હતો.

પંચમહાલ જીલ્લાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોમાં ફરજ બજાવતા આઉટ સોર્સીંગ કર્મચારીઓને બે મહિના ઉપરાંત થી વેતન ચુકવવામાં આવ્યું નથી. આઉટ સોર્સીંગ એજન્સી થકી ફરજ બજાવતા કર્મચારીઓને વેતન નહિ ચુકવાતા આર્થિક સંકળામણ વેઠી રહ્યા છે. આજરોજ પંચમહાલ જીલ્લામાં પી.એચ.સી. કેન્દ્રો ઉપર આઉટ સોર્સીંગથી ફરજ બજાવતા કર્મચારી પગાર નહિ ચુકવતા ગોધરા જીલ્લા પંચાયત ખાતે આવ્યા હતા. ત્યારે આઉટ સોર્સીંગ એજન્સી દ્વારા કર્મચારીઓને નોકરી માંથી છુટા કરી દેવાની ધમકી ઉચ્ચારવામાં આવી હતી. જેને લઈ આઉટ સોર્સીંગ એજન્સી થકી ફરજ બજાવતા કર્મચારીઓએ હોબાળો મચાવ્યો હતો અને આરોગ્ય કર્મચારીઓ દ્વારા આઉટ સોર્સીંગ એજન્સીના કર્મચારીઓનો ધેરાવો કર્યો હતો.

પંચમહાલ જીલ્લામાં પી.એચ.સી. કેન્દ્ર અને આરોગ્ય વિભાગમાં ફરજ બજાવતા આઉટ સોર્સીંગ કર્મચારીઓ ફરજ બજાવી રહ્યા છે. કોરોના જેવી મહામારીઓ પણ આ કર્મચારીઓ પોતાની ફરજ નિષ્ઠાપૂર્વક બજાવી છે. તેવા કર્મચારીઓને બે મહિનાથી વેતન ચુકવવામાંં આવ્યું ન હોય તે બાબતે રજુઆત માટે ગોધરા જીલ્લા પંચાયત ખાતે આવ્યા હોય ત્યારે આઉટ સોર્સીંગ કર્મચારીઓને વેતન સમયસર મળી જશે. તેવી હૈયાધારણા આપવાની જગ્યાએ નોકરી માંથી છુટા કરવાની ધમકી ઉચ્ચારવામાં આવી.

પંચમહાલ જીલ્લાના પી.એચ.સી. કેન્દ્રોમાં ૩૦૦ ઉપરાંત આઉસ સોર્સીંગ કર્મચારીઓ ફરજ બજાવી રહ્યા છે. આ કર્મચારીઓને છેલ્લા બે માસથી વેતન ચુકવવામાં નહિ આવતાં જીલ્લા પંચાયત ગોધરા ખાતે રજુઆત કરવા આવ્યા હતા. ત્યારે જીલ્લા વિકાસ અધિકારી દ્વારા આઉટ સોર્સીંગ કર્મચારીઓને મીઠી ધમકી આપી હતી કે પગાર તો ૧૦ દિવસમાં થઈ જશે પણ આવી રીતે રજુઆત કરશો તો આઉટ સોર્સીંગ એજન્સી દ્વારા બીજા કર્મચારી મૂકવામાં આવશે તો શું કરશો તેમ જણાવતા આઉટ સોર્સીંગ કર્મચારીઓએ હોબાળો મચાવ્યો.

રાજ્ય આરોગ્ય વિભાગ દ્વારા આઉટ સોર્સીંગના તમામ કર્મચારીઓના બેંક ખાતા ખોલી પગાર ને ખાતામાં જમા કરાવવા ગત નવેમ્બર માસમાં જીલ્લા આરોગ્ય વિભાગને આદેશ કરાયો હતો. ૩ મહિના થવા આવ્યા છતાં ખાતા ન ખોલાવતા ૩૦૦ આઉટ સોર્સીંગ કર્મચારીઓ પગારથી વંચિત છે.