પંચમહાલ જીલ્લા સંકલન સમિતિ ભાગ 1 અને 2ની બેઠક યોજાઈ

  • છેવાડાના વ્યક્તિઓને સરકારી લાભો મળી રહે તથા પ્રજાના પ્રશ્ર્નોનો તાકીદે ઉકેલ લાવવા પ્રભારી મંત્રી કુબેરભાઈ ડીંડોરએ કર્યો અનુરોધ.
  • રસ્તા,પાણી અને વીજળીના પ્રશ્ર્નો સત્વરે ઉકેલવા અધ્યક્ષસ્થાનેથી સૂચનાઓ આપવામાં આવી.

ગોધરા કલેક્ટર કચેરી, સભાખંડ ખાતે પંચમહાલ જીલ્લા સંકલન સમિતિ ભાગ 1 અને 2ની બેઠક રાજ્યના શિક્ષણમંત્રી અને પંચમહાલ પ્રભારી મંત્રી કુબેરભાઈ ડીંડોરની વિશેષ ઉપસ્થિતિમાં તથા જીલ્લા કલેકટર આશિષ કુમારના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી.

આ બેઠકમાં જીલ્લાના પ્રભારી મંત્રી કુબેરભાઈ ડીંડોરએ પંચમહાલ જીલ્લામાં ચાલી રહેલા વિકાસ કામોની સાંપ્રત સ્થિતિનો તાગ મેળવી,છેવાડાના વ્યક્તિઓને સરકારી લાભો મળી રહે તથા પ્રજાના પ્રશ્ર્નોને તાકીદે ઉકેલવા તથા વિવિધ વિકાસ કામો સત્વરે પૂર્ણ કરવાની જીલ્લાના અમલીકરણ અધિકારીઓને તાકીદ કરી હતી.

તેમણે સરકારની વિવિધ યોજનાઓના લાભોની પેન્ડિંગ અરજીઓનો નિકાલ કરવો, જીલ્લામાં ખુલ્લા બોર અને કુવાઓ ઢાંકવા, પ્રધાનમંત્રી આવાસ યોજના, જાતિના દાખલા, રસ્તાઓનું સમારકામ, ભારત માલા પ્રોજેક્ટ, પાવાગઢમાં પાણીની સમસ્યાનું નિરાકરણ, શાળાઓના ઓરડાઓ, નમો લક્ષ્મી અને નમો સરસ્વતી યોજનાઓનો પ્રચાર પ્રસાર, શંકાસ્પદ ચાંદીપુર વાઇરસ બાબતે જાગૃતિ અભિયાન, વીજળી સહિતના મુદ્દાઓ અને તેના નિરાકરણ બાબતે સબંધિત અધિકારીઓને તાકીદ કરી હતી. બેઠકમાં જીલ્લા કલેકટરએ કચેરી તપાસ-નિરીક્ષણ કરીને ક્ષતિ હોય તો સરકારના ધ્યાને લાવવા તથા કચેરી કાર્યપદ્ધતિ મુજબ અધિકારીઓને કામ કરવાની સૂચનાઓ આપી હતી.

આ બેઠકમાં ગત તથા અગાઉની મીટીંગમાં અધ્યક્ષસ્થાનેથી ચર્ચાયેલ કામગીરીની પ્રગતિ,એકશન ટેકન રીપોર્ટ,જે તે કચેરીને સીધી મળેલ પડતર અરજીઓના નિકાલ, જે તે કચેરી હસ્તકની વિવિધ યોજનાઓ તથા તેના લક્ષ્યાંકો- સિધ્ધિઓ, લોકાભિમુખ વહીવટ, નાગરિક અધિકાર પત્રની અરજીઓ, આ ઉપરાંત જીલ્લાના તાકિદના પ્રશ્ર્નો બાબતે ચર્ચા કરાઈ હતી.બેઠકમાં ધારાસભ્યઓ દ્વારા રજૂઆત કરાયેલા પ્રશ્ર્નોનું ઝડપી નિરાકરણ લાવવા સંબંધિત અધિકારીઓને જીલ્લા કલેકટરએ સૂચનાઓ આપી હતી.

આ બેઠકમાં પંચમહાલ જીલ્લા પંચાયતના પ્રમુખ રેણુકાબેન ડાયરા,સાંસદ ડો.જશવંતસિંહ પરમાર, રાજપાલસિંહ જાદવ,સર્વ ધારાસભ્યઓ જયદ્રથસિંહજી પરમાર, નિમીષાબેન સુથાર, ફતેહસિંહ ચૌહાણ, સી.કે.રાઉલજી, ડી.ડી.ઓ ડી.કે.બારીઆ સહિત જીલ્લાના વિવિધ અમલીકરણ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.