પંચમહાલ જીલ્લા સહિત ગોધરામાં મોડી સાંજે પવન અને વિજળીના ચમકારા વચ્ચે મેધરાજાએ એન્ટ્રી કરતા વાતાવરણમાં ઠંડક પ્રસરી

  • મેધમહેર થતાં ખેડુતોના ખેતરોમાં સુકાતા પાકોને જીવતદાન.

ગોધરા, પંચમહાલ જીલ્લા સહિત ગોધરા શહેર અને તાલુકા વિસ્તારોમાં એક મહિના જેવા લાંબા ગાળા બાદ મેધરાજાએ મહેર કરી છે. દિવસભર વાદળછાયા વાતાવરણ વચ્ચે મોડી સાંજે વિજળીના ચમકારા અને કડાકા સાથે મેધરાજાએ પધરામણી કરતાં વાતાવરણમાં ઠંડકપ્રસરી જવા પામી છે. જ્યારે બીજી તરફ લાંબા સમયથી વરસાદની રાહ જોતા ખેડુતોમાં આનંદ જોવા મળ્યો છે.

ગુજરાત રાજ્ય સહિત પંચમહાલ જીલ્લામાં ઓગસ્ટ મહિનો પુરો થવા છતાં વરસાદ નહિ થતાં ગરમીનું પ્રમાણ વધ્યું હતું સાથે ખેતરોમાં ખેડુતોના ઉભા પાક પાણી વગર સુકાવા માંંડયા હતા. ખેડુતો ચાતક નજરે મેધરાજાની રાહ જોઈ રહ્યા હતા અને મેધરાજા હેત વરસાવે તેવી પ્રાર્થના કરી રહ્યા હતા. ત્યારે જન્માષ્ટમીના દિવસથી વાતાવરણમાં પલ્ટો આવ્યો હતો અને મધ્ય ગુજરાતના મોટાભાગના જીલ્લાઓમાં મેધરાજાએ પધરામણી કરી હતી. પંચમહાલ જીલ્લાના મોટાભાગના તમામ તાલુકાઓમાં સાર્વત્રિક ધીમી ધારે વરસાદ થતાં ખેડુતોને પાક બચવાની આશા જાગી હતી અને સુકાઈ રહેલા પાકને જીવતદાન મળ્યું હતું. શુક્રવારના રોજ દિવસ દરમિયાન પંચમહાલ જીલ્લામાં વાદળછાયુંં વાતાવરણ સર્જાયું હતું અને મોડી સાંજે મેધરાજાએ પવન સાથે વિજળીના કડાકા ધડાકા સાથે વરસી પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી હતી. હવામાન વિભાગ દ્વારા મધ્ય ગુજરાતમાં પંચમહાલ, દાહોદ જીલ્લામાં પાંચ દિવસ સુધી વરસાદ પડવાની આગાહી કરાઈ છે. તે જોતાં ખેડુતોના ખેતરોમાં ઉભા પાકો મકાઇ, તુવેર, ડાંગર, સોયાબીન જેવા પાકોને જીવતદાન મળ્યું છે ખેડુતોમાં વરસાદ પડતા આનંદિત થયા છે.