ગોધરા, રાજ્યના ગૃહ વિભાગ દ્વારા લોકસભાની ચૂંટણીઓ અગાઉ રાજ્યના જુદા-જુદા જિલ્લાઓમાં ફરજ બજાવતા નાયબ પોલીસ અધિક્ષક તથા તાલીમી ભારતીય પોલીસ સેવા અધિકારીઓની બદલીનો ગંજીપો ચિપવામાં આવ્યો હતો. આ બદલીઓના હુકમમાં પંચમહાલ જિલ્લા પોલીસ મુખ્યમથક ખાતે ફરજ બજાવતા નાયબ પોલીસ અધિક્ષક સુરેન્દ્રસિંહ બી કુંપાવતનો પણ સમાવેશ થાય છે. તેઓની બદલી ખંભાત વિભાગીય નાયબ પોલીસ અધિક્ષક તરીકે કરવામાં આવી છે. ત્યારે આજરોજ તા 15 માર્ચ શુક્રવારે બપોરે સાડા બાર કલાકે પંચમહાલ પોલીસ અધિક્ષક કચેરી ખાતે જિલ્લા પોલીસ વડા હિમાંશુ સોલંકીની ઉપસ્થિતિમાં વિદાય સમારોહ યોજવામાં આવ્યો હતો. જેમાં જિલ્લાના જુદા જુદા પોલીસમથક અને શાખાઓમાં ફરજ બજાવતા પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. નાયબ પોલીસ અધિક્ષક સુરેન્દ્રસિંહ બી કુંપાવતને ફળ અને પુષ્પગુચ્છ આપીને આગામી પોસ્ટિંગ માટે શુભકામનાઓ પાઠવવામાં આવી હતી.