પંચમહાલ સાંસદની દિલ્હી દરબારમાં કરવામાં આવેલ રજુઆત આખરે રંગ લાવી : આફ્રિકામાં મૃત્યુ પામેલ નિકોલા ગામના શ્રમિકનો મૃતદેહ 20 દિવસ બાદ ભારત લવાયો

ઘોઘંબા,

ઘોઘંબા તાલુકાના અંતરિયાળ ગામ નિકોલા થી ભુજની ખાનગી ક્ધટ્રક્શન કંપનીમાં મજુરી કામ કરવા ગયેલા બાબુભાઇ રયજીભાઈ બારીઆને કંપની તરફ થી ચાર વર્ષ પહેલા આફ્રિકા ખાતેના પ્લાન્ટમાં બાંધકામ સાઈડના સેન્ટીંગ કામ કરવા માટે મોકલ્યા હતા. દરમીયાન જેઓનું ગત 27 મી જાન્યુઆરીના રોજ આફ્રિકામાં અચાનક મોત નીપજ્યું હતું. ઘરના મોભીના મોતના સમાચાર મળતા પરિવારજનો શોકાતુર બનયા હતાં અને બાબુભાઇના મૃતદેહને ભારત લાવવા સ્થાનિક MLA, MP પાસે મદદની ગુહાર લગાવી હતી. પંચમહાલ સાંસદ રતનસિંહ રાઠોડને રજૂઆત મળતાં તેમણે બાબુભાઈનો મૃતદેહ ભારત લાવવા માટેની તમામ પ્રયાસોની ખાત્રી આપી પ્રયાસોનો દોર શરૂ કર્યો હતો. આ બાબતે તેઓ દિલ્હી ખાતે પહોચી કેન્દ્રીય વિદેશ મંત્રી એસ.જ્યશંકર સાથે મુલાકાત કરી હતી અને બાબુભાઈના મૃતદેહને આફ્રિકાથી ભારત લાવવામાં લેખિત રજૂઆત કરી હતી. જે રજૂઆતના અંતે 20 દિવસ બાદ બાબુભાઈનો મૃતદેહ આજે તેમના માદરે વતન નિકોલા લવાયો હતો અને કાયદાકીય કાર્યવાહી બાદ બાબુભાઈનો મૃતદેહ પરિજનોને સોંપવામાં આવ્યો. જે બાદ પરિજનો દ્વારા સામજિક રીતિ રિવાજ મુજબ બાબુભાઇના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા.

આ સમગ્ર ઘટનાને લઈ પરિજન દ્વારા ભુજ સ્થિત આવેલ વિજય ક્ધસ્ટ્રક્શન કંપની સામે રોષ વ્યક્ત કર્યો છે. બાબુભાઈના મોતને લઈ કંપની તરફથી કોઈપણ પ્રકારનો સહકાર કે સહાય કરવામાં નથી આવી. તેવા આક્ષેપ સાથે કંપની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી સરકાર પાસે પરિજનો દ્વારા માંગ કરવામાં આવી છે.