પંચમહાલ જીલ્લાના યુવાનોને તક : તાલુકા/જીલ્લાકક્ષા યુવા ઉત્સવ 2024-25માં ભાગ લેવા અરજીઓ મંગાવી

રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ,ગાંધીનગર તથા કમિશનર યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ ગાંધીનગર દ્વારા આયોજીત તથા જીલ્લા યુવા વિકાસ અધિકારી, જીલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરી, પંચમહાલ દ્વારા સંચાલિત તાલુકા/જીલ્લા યુવા ઉત્સવ 2024-25ની ઓફલાઇન ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 08 ઓગસ્ટ 2024 નક્કી કરવામાં આવેલ છે.

આ સ્પર્ધામાં પંચમહાલ જીલ્લાના અ વિભાગ 15 થી 20 વર્ષ (31/12/2004 થી 31/12/2009 ની વચ્ચે જન્મેલા),” બ” વિભાગ 20 થી 29 વર્ષ(31/12/1995 થી 30/12/2004ની વચ્ચે જન્મેલા), ખુલ્લો વિભાગ 15 થી 29 વર્ષ સુધી (31/12/1995 થી 31/12/2009ની વચ્ચે જન્મેલા )સ્પર્ધકો ભાગ લઇ શકશે.

આ સ્પર્ધામાં વકૃતત્વ, નિબંધ, ચિત્રકલા, હળવું કંઠ્ય સંગીત, લોકવાદ્ય સંગીત, એક પાત્રીય અભિનય, શાસ્ત્રીય કંઠ્ય સંગીત (હિન્દુસ્તાની), ભરતનાટયમ તથા કથ્થક આમ કુલ નવ સ્પર્ધાઓ “અ” અને “બ” બન્ને વિભાગમાં યોજાશે. જયારે પાદ્પુર્તિ,ગઝલશાયરી લેખન, કાવ્ય લેખન, દુહા-છંદ-ચોપાઇ, લગ્નગીત,આ કુલ 5 સ્પર્ધાઓ માત્ર “બ” વિભાગમાં યોજાશે. જયારે લોકવાર્તા, સર્જ્નાત્મક કારીગરી, ભજન, સમુહગીત, લોકનૃત્ય, લોકગીત, શાસ્ત્રીય કંઠય સંગીત (કર્ણાટકી), સિતાર,વાંસળી ,તબલા,વીણા, મૃદંગમ,હાર્મોનિયમ(હળવુ), ગિટાર, મણીપુરી, ઓડિસી, કુચિપુડી,એકાંકી,શિઘ્ર વકૃતત્વ એમ કુલ 19 સ્પર્ધાઓ ખુલ્લા વિભાગમાં યોજાશે.

આ તમામ સ્પર્ધાઓ તાલુકા/જીલ્લા/પ્રદેશ/રાજયકક્ષા સુધી યોજાશે. આમા, ભાગ લેવા માટે સ્પર્ધકોએ નિયત નમુનાનું ફોર્મ, આધારકાર્ડની નકલ જોડીને તારીખ 08/08/2024 સુધીમાં જમા કરાવવાનું રહેશે. ફોર્મ મેળવવા માટે જીલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરી, બહુમાળી ભવન, જીલ્લા સેવા સદન ભાગ-2, રૂમા નં-35 ખાતેથી મેળવીને ભર્યા પછી જમા કરાવવાના રહેશે. આ સ્પર્ધા માટેની વધુ વિગતો મેળવવા ઉપરના સરનામે કચેરી સંપર્ક અથવા મોબાઇલ ઉપર સંપર્ક કરવા જીલ્લા યુવા વિકાસ અધિકારી રાજેશ પારગી-9106225051 તથા પ્રાંત યુવા વિકાસ અધિકારી રાહુલ તડવી-9099132265 નો સંપર્ક કરવાનો રહેશે તેમ જીલ્લા યુવા વિકાસ અધિકારી,પંચમહાલ દ્વારા એક અખબારી યાદીમાં જણાવ્યું છે.