ગોધરા, પંચમહાલ જિલ્લામાં ફરજ બજાવતા અધિકારીઓના સરકારી વાહનોના લોકેશન ટ્રેસ કરવાનું મોટું કૌભાંડ સામે આવ્યું છે, જિલ્લામાં બેફામ બનેલા ખનીજ માફીયાઓ, ગેરકાયદેસર લાકડાની હેરાફેરી કરતા તત્વો તેમજ અન્ય ઈસમો દ્વારા સોશ્યલ મીડિયામાં ગ્રુપ બનાવીને ઓડિયો મેસેજ દ્વારા અધિકારીઓના સરકારી વાહનોના લોકેશન એકબીજા શેર કરતા હોવાની વિગતો સામે આવી છે. ગોધરા પ્રાંત અધિકારી દ્વારા આવા એક ઈસમ, જિલ્લા પુરવઠા અધિકારી દ્વારા એક ઈસમ અને જિલ્લા એલ સી બી પોલીસ દ્વારા 3 ઈસમો એમ કુલ 5 ઈસમોની અટકાયત કરીને તેઓના મોબાઈલ ફોન કબ્જે લઈને કાયદેસરની કાર્યવાહી કરવા તજવીજ હાથ ધરી છે.
પંચમહાલ જિલ્લાના બેફામ બનેલા ખનીજ માફીયાઓ, ભૂમાફીયાઓ અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા સસ્તા અનાજની દુકાનના પરવાનેદારો દ્વારા સરકારી કાર્યવાહીથી બચવા માટે નવો કીમિયો અપનાવવામાં આવ્યો હોવાનું બહાર આવ્યું છે. આવા તત્ત્વો દ્વારા સરકારી અધિકારીઓ પર વોચ રાખવા માટે સોશ્યલ મીડિયામાં ગ્રુપ બનાવવામાં આવ્યું હતું. જેના માટે ચોક્કસ સ્થળો પર કેટલાક ઈસમો નક્કી કરીને ઊભા રાખવામાં આવતા હતા. આવા ઈસમો દ્વારા ઓડિયો મેસેજના માધ્યમથી સરકારી વાહનનું લોકેશન એકબીજાને આપવામાં આવી રહ્યું છે. છેલ્લા કેટલાક સમયથી જિલ્લાના વિવિધ વિભાગો ગેરકાયદેસર પ્રવૃતિઓ સાથે સંકળાયેલા ઈસમો સામે લાલઆંખ કરવામાં આવી હતી. જેને લઇને આવા તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો હતો. ત્યારે સક્રિય થયેલા ઈસમો દ્વારા વોટસએપ પર ગ્રુપ બનાવીને અધિકારીઓ પર વોચ રાખવામાં આવી રહી હતી. ગ્રુપમાં ઓડિયો મેસેજ દ્વારા સરકારી વાહનોના નંબર સાથે વાહનના લોકેશનની આપ-લે કરવામાં આવી હતી. જેનું કેટલાક અધિકારીઓને પણ ધ્યાને આવ્યું હતું. જેને લઇને આવા તત્વોને ડામવા માટે કાર્યવાહી હાથ ધરાઇ હતી. ગોધરા પ્રાંત અધિકારી દ્વારા કાલોલ તાલુકાના ચલાલી નજીકથી આવા એક ઇસમને ઝડપી પાડવામાં આવ્યો છે. જેણે વોટસએપ પર ઓડિયો મેસેજ દ્વારા સરકારી વાહનનું લોકેશન ગ્રુપમાં મૂક્યું હતું. પ્રાંત અધિકારી દ્વારા પકડાયેલા ઇસમના મોબાઈલ ફોનની ઝડતી કરતા આ પ્રકારના અનેક ગ્રુપ હોવાનું સામે આવ્યું હતું. હાલ તો પકડાયેલા ઇસમને વેજલપુર પોલીસમથકે સોંપીને તેની સામે અટકાયતી પગલાં લેવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. બીજી તરફ જિલ્લા પુરવઠા અધિકારી દ્વારા તેઓના વાહનની પાછળ બાઈક લઈને પીછો કરતા એક ઈસમને ઝડપી પાડી તેના મોબાઈલની તપાસ કરતા તેના મોબાઈલ માંથી પણ સરકારી અધિકારીઓ અને તેઓના વાહનોના લોકેશન ની માહિતી ની આપ લે કરતા 10 જેટલા ૂવફતિંફાા ગ્રુપમાં મળ્યા હતા. ઝડપાયેલા પોલીસ મથકે લઈ જઈ તેની સામે પણ અટકાયતી પગલા લેવામાં આવ્યા હતા. તો બીજી તરફ આ જ પ્રકારની માહિતી પંચમહાલ જિલ્લા એલસીબી પોલીસને બાતમી મળતા જિલ્લા એલસીબી દ્વારા ગોધરા શહેરના ચોકડી પાસે વોચ ગોઠવીને અન્ય ત્રણ ઇસમોની બાતમીના આધારે ઝડપી પાડી. તેઓ પાસેથી મળી આવેલા કુલ 5 મોબાઈલ ફોન ની તપાસ કરતા તે મોબાઈલ માંથી પણ સરકારી અધિકારીઓના સરકારી વાહનો તેમજ તેઓના અવરજવર અંગેની માહિતી આપતા whatsapp ગ્રુપો મળી આવ્યા હતા. જેઓની સામે પણ પોલીસ દ્વારા અટકાયતી પગલાં લઈ અને ઇન્ફોર્મેશન ટેકનોલોજી એક્ટ ની વિવિધ કલમ હેઠળ ગુનો નોધી કાર્યવાહી કરવામાં આવી હતી.
પંચમહાલ જિલ્લામાં વોટ્સએપ ગ્રૂપ દ્વારા અધિકારીઓના સરકારી વાહનોના લોકેશન ટ્રેસ કરવાનું સમગ્ર કૌભાંડ બહાર આવતાં ગ્રુપના એડમીન અને મેમ્બર્સમાં ફફડાટ વ્યાપી ગયો હતો. ઘટનાની જાણ થતાં જ આવા તમામ ગ્રુપમાં રહેલા મેમ્બર્સ પોતે જ લેફ્ટ થવા માંડ્યા હતા તેમજ કેટલાક ગ્રુપમાં એડમિન દ્વારા પોતે જ તમામ મેમ્બર્સને રિમુવ કરીને ગ્રૂપ બંધ કરવા માંડ્યા હતા. સમગ્ર મામલે જિલ્લા કલેકટર દ્વારા જણાવ્યું હતું કે, આવા તમામ વોટ્સેપ ગ્રુપના એડમીન તથા તેમાં રહેલા મેમ્બર્સ સામે મોબાઈલ નંબરના આધારે કાર્યવાહી કરવામાં આવનાર છે. બીજી તરફ પોલીસ દ્વારા મોબાઈલ ફોન નંબરના આધારે અન્ય કેટલા ઇસમોની સંડોવણી છે, તે દિશામાં તપાસ હાથ ધરી છે.