- શહેરાના ધાધલપુર સસ્તા અનાજની દુકાનમાં ધઉં,ચોખા અને ચણાના જથ્થાની વધ જણાતા જથ્થો સીઝ કરાયો.
ગોધરા,પંચમહાલ જીલ્લા પુરવઠા અધિકારી અને ટીમ દ્વારા 20 માર્ચના રોજ શહેરા તાલુકા મોરવા(હ)ની 18 સરકારી સસ્તા અનાજની દુકાનોમાં ચેકીંગ હાથ ધરવામાં આવ્યું તપાસ દરમિયાન ગેરરીતિ સામે આવતાં કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવી.
પંચમહાલ જીલ્લા પુરવઠા અધિકારી એચ.ટી.મકવાણા અને તેમની ટીમ દ્વારા શહેરા અને મોરવા(હ) તાલુકાની 18 જેટલી સરકારી સસ્તા અનાજની દુકાનોમાં આકસ્મિક ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં શહેરા તાલુકાના સદનપુર, સગરાડા, ભુણીદ્રા, છોગાળા, ધાધલપુર, ગાંગડીયા, સાજીવાવ-1 અને સાજીવાવ-2, મહેલાણ, બોરીયાવી-1, બોરીયાવી-2 માં તપાસ હાથ ધરવામાં આવી હતી. ચેકીંંગ દરમિયાન ધાંધલપુર સસ્તા અનાજની દુકાનમાં તપાસ કરતાં 63 કિલો ધઉં-1 કટ્ટા, 63 કિલો ચોખા-1 કટ્ટા તથા ચણા 50 કિલો -1 કટ્ટા મળી 3 કટ્ટાની વધ જણાઇ આવી હતી. જેથી બજાર કિમત 7,195/-રૂપીયાનો અનાજનો જથ્થો સીઝ કરવામાં આવ્યો હતો અને પરવાનેદાર સંચાલક વિરૂદ્ધ કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે. જ્યારે મોરવા(હ) તાલુકાના તાજપુરી, મોટા, મૈત્રાલ-1, મૈત્રાલ-2, રતનપુર, ભાઠા ગામની સરકારી સસ્તા અનાજની દુકાનમાં જીલ્લા પુરવઠા અધિકારીએ ચેકીંગ કરી કાર્યવાહી કરતાં જીલ્લામાં સરકારી સસ્તા અનાજની દુકાનોમાં ગેરરીતિ આચરતા સંચાલકોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે.